Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ભારતીય વાયુસેનાની ક્ષમતામાં થશે વધારો : આ મહિને મળશે વધુ છ રાફેલ લડાકુ વિમાન

એરફોર્સ ચીફ ભદૌરિયા ફ્રાંસથી વિમાનોને ભારત માટે રવાના કરશે

ભારતીય વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ રાકેશ ભદૌરિયા ફ્રાન્સના પ્રવાસે જવાના છે જ્યાંથી તેઓ 6 રાફેલ લડાકુ વિમાનો ભારત મોકલશે. 21 એપ્રિલે, રાકેશ ભદૌરીયા ફ્રાન્સની યાત્રા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના મેરિગ્નેક-બોર્ડોક્સ એરબેઝથી છ રાફેલ લડાકુ વિમાનોને રવાના કરશે. આ લડાકુ વિમાનો પશ્ચિમ બંગાળના હાશીમારા એરબેઝ ખાતે બીજી સ્ક્વોડ્રનની રચનામાં મદદ કરશે.

ભારતીય વાયુસેનાના પ્રમુખ 20 એપ્રિલથી ફ્રાંસની મુલાકાતે જઇ રહ્યા છે, અને 23 એપ્રિલ સુધી ફ્રાન્સમાં રહેશે. છ રાફેલ વિમાન પ્રથમ 28 એપ્રિલે ભારત આવવાનું હતું, પરંતુ એર ચીફ માર્શલ ભદૌરીયાએ આ મુલાકાત લેવાનું નક્કી કરતાં આ વિમાનોને એક અઠવાડિયા પહેલા મોકલવાનું નક્કી થયું હતું.

ફ્રાંસ પ્રવાસ દરમિયાન એરફોર્સ ચીફ ભદૌરિયા તેના સમકક્ષ ફિલિપ લેવિનને મળવા ઉપરાંત પેરિસમાં નવા બનાવાયેલ સ્પેસ કમાન્ડની મુલાકાત લેવા ઉપરાંત એક ફ્રેન્ચ રાફેલ સ્કવોડ્રોનની મુલાકાત લેશે.

ભારતીય વાયુસેનાના વડા રાકેશ ભદૌરિયા દ્વારા મોકલેલા રાફેલ જેટના આગમનથી ભારતીય વાયુ સેનામાં રાફેલ જેટની સંખ્યામાં વધારો થશે. આ વિમાનના આગમન સાથે, એરફોર્સ 18 વિમાન સાથે અંબાલા ખાતે 117 ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન પૂર્ણ કરી શકશે અને આ જેટની બીજી સ્કવોડ્રનની રચના શરૂ થશે. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "છ લડાકુ વિમાનો અંબાલા એરબેઝ પર ઉડાન કરશે જ્યાંથી હાશિમારા ખાતે બીજી સ્ક્વોડ્રન બનાવવાની તૈયારી કરવામાં આવશે."

(12:00 am IST)