Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં શું કહ્યું...

મોટી તાકાતો સાથે સામે છાતીએ ઉભો રહ્યો

અમરેલી,તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર જારી રાખ્યો હતો. ગુજરાતમાં આજે અમરેલી ખાતે જાહેરસભાને સંબોધી હતી. મોદીએ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી સંત બાબા બજરંગ દાસની છે. સૌરાષ્ટ્રની ધરતી સીતારામ બાપાની છે. ધરતી ઉપરથી સૌના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ભારતે છેલ્લા ૫૫ વર્ષમાં એક જ પરિવારશાહી જોઈ છે. એક પરિવારતંત્રને જોયું છે. દેશમાં કોઇએ પણ સપનામાં પણ ખ્યાલ આવ્યો ન હતો કે, એક સામાન્ય માનવી દેશમાં શાસન કરી શકે છે. અમરેલીમાં જનસભામાં મોદીએ શું કહ્યું તે નીચે મુજબ છે.

*   સરદાર પટેલની ભવ્ય પ્રતિમા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અપમાન કરવા માટે બનાવવામાં આવી નથી જેથી આક્ષેપબાજી અયોગ્ય

*   કોંગ્રેસ કહે છે કે સરદાર પટેલ તેમના નેતા છે પરંતુ પાર્ટીના કોઇ નેતા હજુ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા પહોંચ્યા નથી

*   મોદીએ ગુજરાતીમાં ભાષણ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી બીજાને અપમાનિત કરવાના પ્રયાસ કરે છે

*   આતંકવાદને જમ્મુ કાશ્મીરના અઢી જિલ્લા સુધી મર્યાદિત કરવામાં સફળ રહ્યા છે

*   દેશના અન્ય કોઇ ભાગમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઇ મોટા બોંબ બ્લાસ્ટ થયા નથી

*   ૨૦૧૭માં ચીન સાથે ડોકલામ વિવાદ વેળા દેશના લોકો સાવચેતી રાખવા કહી રહ્યા હતા ત્યારે ગુજરાતના લોકો આરપારની લડાઈ લડવા માટેની વાત કરી રહ્યા હતા

*   દેશવાસીઓના અતુટ પ્રેમ અને વિશ્વાસના લીધે કઠોર નિર્ણય લઇ શક્યા છે

*   દુનિયાની મોટામા મોટી તાકાત સાથે સામે છાતીએ ઉભો રહ્યો છું

*   ભારતમાં છેલ્લા ૫૫ વર્ષના ગાળામાં પરિવારશાહીને નિહાળી છે અને છેલ્લા પાંચ વર્ષના ગાળાને પણ નિહાળ્યો છે

*   કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાણી માટે આજીજી કરાતી હતી પરંતુ ધ્યાન અપાતું ન હતું

*   સરદાર સરોવર યોજના ૪૦ વર્ષ પહેલા પુરી થઇ હોત તો ગુજરાત આજે અલગ રંગે રંગાયું હોત

*   આતંકવાદીઓને એક પછી એક કઠોર જવાબો અપાઈ રહ્યા છે

*   ભારતીય સેનાએ તેની ક્ષમતાનું પ્રચંડ પ્રદર્શન કરી દુનિયાને તાકાત બતાવી છે

*   સરદાર સાહેબે રજવાડા એક કર્યા હતા પરંતુ નહેરુએ કાશ્મીરની સમસ્યા વધારે ગંભીર બનાવી હતી

 

(7:44 pm IST)