Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

છત્તીસગઢ : ભાજપ ધારાસભ્યની હત્યા કરનાર બે નકસલીઓને ઠાર માર્યા

છત્તીસગઢ : છત્તીસગઢના દંતેવાડામાં પોલીસ અને નકસલીઓ વચ્ચે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં જેના માથે રૂ. ૫ લાખનું ઇનામ હતું તે નકસલી કમાન્ડર વર્ગીસ ઠાર મરાયો છે. બીજેપીના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા માટે વર્ગીસે (લેન્ડમાઇન)સુરંગ ગોઠવી હતી.

ડીજી એન્ટી નકસલ ઓપરેશન ગિરિધારી નાયકે ન્યૂઝ૧૮ને જણાવ્યું કે દંતેવાડા જિલ્લાના કુઆકોન્ડા જંગલમાં પોલીસ અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ દરમિયાન લેન્ડમાઇન પાથરવામાં નિષ્ણાત વર્ગીસ અને એક અન્ય નકસલી માર્યો ગયો છે. નોંધનીય છે કે નવમી એપ્રિલના રોજ ભીમા મંડાવીની ગાડીને નકસલીઓએ વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટમાં ધારાસભ્ય તેમજ ચાર જવાનોનાં મોત થયાં હતા.

દંતેવાડાના કુઆકોન્ડા થાણા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. કટેકલ્યાણ અને કુઆકોન્ડા થાણાના સરહદ વિસ્તારમાં તપાસ દરમિયાન ડીઆરજીના જવાનોની નકસલીઓ સાથે અથડામણ થઈ હતી.

નવમી એપ્રિલના રોજ દંતેવાડાના નકુલનાર વિસ્તારના શ્યામગિરીમાં નકસલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. હુમલામાં ધારાસભ્ય તેમજ ચાર જવાન માર્યા ગયા બાદ નકસલીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે નકસલીઓને ઠાર મરાયા બાદ દ્યટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક નકસલી ઈજાગ્રસ્ત થયો છે, જેના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

(3:32 pm IST)