Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પરિણામો ચોંકાવશે ? ચૂંટણી પછી પ્રવાહી સ્થિતિની સંભાવના

કોઇને સ્પષ્ટ બહુમતી નહિ મળવાના સંજોગોમાં ભાજપને સતાથી દૂર રાખવા કોંગ્રેસ કોઇપણનો ટેકો લેવા અથવા દેવા તૈયાર : ભાજપ ૧પ૦ થી ર૦૦ અને કોંગ્રેસ ૧૦૦ થી ૧પ૦ બેઠકો મેળવે તેવો સમીક્ષકોનો મતઃ અન્ય પક્ષો નિર્ણાયકઃ વડાપ્રધાન પદ માટે ગમે તે ચહેરો અણધાર્યો ઉભરી શકેઃ ભાજપની સ્થિતિ કથળે તો ટેકેદાર પક્ષો મોદીના બદલે અન્યને વડાપ્રધાન બનાવવાની શરત મૂકે તો નવાઇ નહિ

રાજકોટ તા. ૧૮: ભારતમાં લોકસભાની ચૂંટણી માટે ૭ તબકકે મતદાન યોજાનાર છે અગાઉ તા. ૧૧ એપ્રિલે પ્રથમ તબક્કાની ૯૧ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કાની ૯પ બેઠકો માટે મતદાન ચાલુ છે. ગુજરાત સહિતના ૧૪ રાજયોની ૧૧પ બેઠકો માટે ત્રીજા ચરણમાં તા. ર૩મીએ મતદાન છે. તા. ર૩ મે એ મણગણતરી છે પરિણામ પછી કેવી રાજકીય સ્થિતિ હશે? તે સવાલનો સંભવિત જવાબ મેળવવા કેટલાક રાજકીય સમીક્ષકોએ જુદા જુદા પરિબળોને ધ્યાને રાખીને અભ્યાસ કર્યો છે. તેનું પ્રાથમિક તારણ એવું છે કે કોઇ એક પક્ષ અથવા રાજકીય પક્ષોના જોડાણને બહુમતી માટે જરૂરી ર૭ર બેઠકો મળે તેવા સંજોગો જણાતા નથી. હજુ પ તબક્કાનું મતદાન બાકી છે. રાજકીય પરિસ્થિતિ ગમે ત્યારે ગમે તે કારણથી ફરી શકે પણ હાલ ચૂંટણી પછી પ્રવાહી રાજકીય પરિસ્થિતિની શકયતા ડોકાઇ રહી છે. કોઇને બહુમતી ન મળવાના સંજોગોમાં હાલના રાજકીય જોડાણોમાં ગમે તે સરવાળા, બાદબાકી થઇ શકે છે.

સમીક્ષકોએ અભ્યાસના અંતે એવો મત વ્યકત કર્યો છે કે ર૦૦૪માં અટલજી વડાપ્રધાન હતા. તે વખતે પ્રચારમાં ''ફિલ ગૂડ'' મુદ્દો બહુ ચગેલો. અટલજી સામે પ્રજાનો કોઇ રોષ નહોતો છતાં ફિલ ગૂડના પ્રચારનો પરપોટો ફુટી ગયેલ. પ્રચાર માધ્યમોમાં જે પરિસ્થિતિ દેખાતી હતી અથવા દેખાડાતી હતી તેના કરતા વાસ્તવિકતા જુદી જ નીકળી હતી. આ વખતે 'મેં ભી ચોકીદાર' અને 'ચોકીદાર ચોર હૈ' જેવા મુદ્દા પ્રચારમાં ઉંચકાયા છે પરંતુ પ્રજા માત્ર ચૂંટણીલક્ષી નારાના આધારે શાસકની પસંદગી કરે તેવું માનવાનું કોઇ કારણ નથી. ભલભલાના ગણિત ખોટા પડે તે લોકશાહીની સિધ્ધ થઇ ચૂકેલી તાકાત છે. ર૦૧૪ અને ર૦૧૯ ની રાજકીય પરિસ્થિતિમાં જબ્બર ફેર છે. કોંગ્રેસ કે ભાજપનો એક પણ મુદ્દો સીધો લોકહૃદયને સ્પર્શી જાય તેવો નથી.

ર૦૦૪ થી ર૦૧૪ સુધી કોંગ્રેસના વડપણની યુપીએ સરકાર કેન્દ્રમાં હતી. તેની સામે જનતાની નારાજગીની લહેર હતી ઉપરાંત ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજામાં મોટી આશા જગાવેલ તેથી મોદી તરફી લહેર સર્જાયેલ આ વખતે કોંગ્રેસ સતામાં ન હોવાથી તેને શાસન વિરોધી જુવાળનો સામનો કરવાનો પ્રશ્ન નથી. બીજી તરફ ભાજપ ર૦૧૪ કરતા મોટી મોદી લહેર હોવાનો દાવો કરે છે તે દાવો સાચો માનવા પ્રેરે તેવા કોઇ દેખીતા કારણો નથી. ખુદ વડાપ્રધાન પણ જાહેર સભાઓમાં મજબુર નહિ મજબુત સરકાર બનાવજો તેવું કહીને ભાજપ વિરોધી રાજકીય ગઠબંધન પર પ્રહારો કરી રહ્યા છે. તેમણે વારંવાર વિપક્ષોના ગઠબંધનની નોંધ લેવી પડે છે તે બાબત સૂચક ગણાય છે.

રાજકીય અભ્યાસુઓ ગુજરાત, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર, આસામ વગેરેમાં ભાજપની બેઠકો ઘટવાનો અણસાર આપી રહ્યા છે. ર૦૧૪માં યુપીમાં ૮૦માંથી ભાજપને ૭૧ બેઠકો મળેલ. આ વખતે ભાજપને સૌથી મોટું નુકશાન યુપીમાં જ થવાની ભીતિ છે. ભાજપ માટે બેઠકો વધવાની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ આશાસ્પદ છે ત્યાં ૪ર પૈકી ર બેઠકો ભાજપ પાસે આવેલ તે વધીને મહતમ બે આંકડે પહોંચે તેવી ધારણા છે. ઉપરોકત રાજયોનું નુકશાન કયાંય ભરપાઇ ન થઇ શકવાની ધારણા સાચી પડે તો ભાજપને નુકશાનીનો આંક ૧૦૦ આસપાસ થઇ શકે છે. ગઇ ચૂંટણીમાં એકલા ભાજપને ર૮ર બેઠકો મળેલ તે અત્યારના સંજોગો મુજબ ૧પ૦ થી ર૦૦ વચ્ચે સમેટાઇ શકે છે. ભાજપ દાવો કરે છે તેવી મોદી લહેર હોય તો ભાજપ રપ૦ થી ૩૦૦ બેઠકો સુધી પહોંચી શકે અને મોદી વિરોધી લહેર નીકળે તો ભાજપ માટે ત્રણ આંકડે પહોંચવું પણ મુશ્કેલ થઇ જાય. શિવસેના જેવા સાથી પક્ષો ૩૦ થી ૪૦ બેઠકો મેળવે તેવી શકયતા દેખાય છે. જો આ બાબત સાચી પડે તો ભાજપે સતા ટકાવવા નવા પક્ષોના ટેકાની જરૂર પડે. ભાજપ અને સાથી પક્ષોનું સંખ્યા બળ બહુમતીએ માંડ માંડ પહોંચે તો વડાપ્રધાન પદના ઉમેદવાર બદલવા સહિતની શરતો સામે આવતા વાર ન લાગે.

કોંગ્રેસ એકલા હાથે બહુમતી મેળવે તેવા કોઇ સંજોગો દેખાતા નથી પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છતીસગઢ, કર્ણાટક, દિલ્હી વગેરેમાં ફાયદાની આશા છે. કોંગ્રેસને હાલની ૪૪ બેઠકો વધીને ૧૦૦ થી ૧પ૦ વચ્ચે મળે તેવી આશા અસ્થાને નથી. શરદપવાર, લાલુપ્રસાદ વગેરે સાથી પક્ષો ૬૦ આસપાસ બેઠકો મેળવી કોંગ્રેસનું બળ વધારી શકે છે.

અખિલેશ યાદવ, માયાવતી, નવીન પટનાયક, મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ વગેરેની પાર્ટીઓ કુલ ૧૦૦ જેટલી બેઠકો લાવી શકે તેવું અભ્યાસુઓનું કહેવું છે. આ પૈકી કોઇ ભાજપને શાસન સોંપવા ટેકો આપી શકે નહિં. ત્રિશંકુની સ્થિતિમાં ઉપરોકત પૈકી કોઇ અથવા સૌની સ્વીકૃત હોય તેવું કોઇ નવું જ નામ વડાપ્રધાન પદ માટે આવે તેવો વિકલ્પ ખૂલ્લો છે. ત્રીજા મોરચાના પક્ષો કોંગ્રેસને મજબુર અથવા મજબૂત કરી શકે છે. રાહુલ ગાંધી અથવા અન્ય કોઇ કોંગ્રેસી વડાપ્રધાન બનવામાં સફળ ન થાય તો કોંગ્રેસ અન્ય પક્ષો સાથે સતામાં ભાગીદારી કરી શકે છે અથવા ભાજપને રોકવા બહારથી ટેકો આપી શકે છે. હવે પછીના વડાપ્રધાન ભાજપ કે કોંગ્રેસ સિવાઇના હોય તેવી શકયતા પ્રબળ હોવાનું માનનારો એક વર્ગ છે. સમીક્ષકોના તારણો અત્યારની પરિસ્થિતિ આધારિત છે. એક તરફ નારાં છે ફીર એક બાર, મોદી સરકાર... બીજી તરફ સંકલ્પ છે. વિપક્ષો કે વાર, ન ચાહિએ મોદી સરકાર.... (૭.ર૮)

(3:31 pm IST)