Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અકિલા એકસકલુઝીવ

૨૬ બેઠકો જીતવી અધરી નથીઃ જે બેઠક નબળી છે ત્યાં માઇક્રો પ્લાનીંગ કરો

ગાંધીનગરમાં રાત્રીરોકાણ દરમ્યાન વડાપ્રધાન મોદીએ પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીઃ તમામ ૨૬ બેઠકોની છેલ્લી સ્થિતિનો તાગ મેળવ્યોઃ આપ્યા સલાહ-સુચનોઃ ગુજરાતમાં ભાજપને વધુ નુકશાન નથીઃ જયાં સ્થિતિ નબળી છે ત્યાં જનસભાનું આયોજન કરવા પણ નિર્દેશઃ ભાજપના સર્વેમાં ૧૩ ઉમેદવારોનો વિજય નિશ્ચત છેઃ કોંગ્રેસને બે-ત્રણ બેઠકો મળી શકે

નવીદિલ્હી, તા.૧૮: ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાં ગઇ ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ હતો તેવો માહોલ આ વખતે જોવા મળતો નથી તેની સ્વિકૃતિ ભાજપના પ્રદેશ નેતાઓ આપી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના ટોચના નેતાઓને મળીને રાજયની ૨૬ બેઠકોમાં છેલ્લી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બે દિવસના રોકાણ દરમ્યાન મોદી ગુજરાતનો મૂડ પારખી રહ્યાં છે અને તેમણે પ્રદેશના નેતાઓને સૂચના આપી છે કે હવે પછી ચૂંટણી પ્રચારના છેલ્લા રાઉન્ડમાં પાર્ટી માટે જે બેઠક નબળી હોય ત્યાં જનસભાનું આયોજન કરવું જોઇએ.

ગુજરાતમાં લોકસભાની તમામ વિજય મેળવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પાર્ટીએ ગાંધીનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની તમામ બેઠકોનો સર્વે કર્યો હતો. રાજભવનમાં રાત્રી રોકાણ દરમ્યાન મોદીને મળવા ગયેલા મુખ્યમંત્રી અને પ્રદેશના નેતાઓ પાસેથી મોદીએ ચૂંટણીની સ્થિતિનો ફિડબેક મેળવ્યો હતો.

૨૦૧૯ની લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક એક બેઠક કિમતી છે, કારણ કે કોંગ્રેસની વધતી જતી રફતાર અને મહાગઠબંધનને જોતાં ભાજપને ફરીથી સત્ત્।ા પર આવવા માટે મહેતન કરવી પડશે. ભાજપમાં સ્ટાર કેમ્પેનરોની ફોજ છે પરંતુ નરેન્દ્ર મોદી એક એવા કેમ્પેનર છે કે જેમની સામે પાર્ટીના તમામ કેમ્પેનરો ફિક્કા પડે છે. મોદીની જનસભા અને રોડ શો કરવાની જે કેપેસિટી છે તે ભાજપના બીજા કોઇ નેતા પાસે નથી. ભાજપનો ઇન્ટરનલ સર્વે કહે છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ થી સાત બેઠકો પર મજબૂત દાવેદારી કરી રહી છે પરંતુ જો તે બેઠકોમાં મતદાનના દિવસે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે તો ભાજપના ઉમેદવારો માટે આ બેઠકોમાં આશા જાગી શકે છે.

ભાજપના સર્વે પ્રમાણે પાર્ટીના ૧૩ ઉમેદવારો એવા છે કે જેમની જીત નિશ્યિત છે. કોંગ્રેસના સર્વેમાં પણ આ બેઠકો ભાજપને આપવામાં આવી છે. ભાજપ માટે નબળી બેઠકો છે તેમાં આણંદ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, બારડોલી, વસલાડ, સુરેદ્રનગર અને પોરબંદરનો સમાવેશ થાય છે. પ્રદેશના નેતાઓએ મોદીને ભાજપ અને કોંગ્રેસના સર્વેક્ષણથી માહિતગાર કર્યા છે.

પાર્ટીના ઇન્ટરનલ સર્વેમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્યિમ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત અને નવસારી બેઠકોમાં ઉમેદવારોને સૌથી વધુ સરસાઇ મળી શકે છે. પાર્ટીના પદાધિકારીઓ સાથેની સમીક્ષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ મહેનત કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે તેવી બેઠકોમાં કરવાનો અભિપ્રાય આપ્યો હતો. મોદી અને લોકસભાના પ્રભારી ઓમ માથુર સાથે થયેલી ચર્ચા પ્રમાણે કોંગ્રેસને ગુજરાતમાં બે કે ત્રણ બેઠકો મળે છે. કોંગ્રેસ આનાથી વધારે બેઠકો મેળવી શકે તેમ નથી. માથુરના અભિપ્રાય પ્રમાણે કોંગ્રેસને અમરેલી, જૂનાગઢ અને આણંદ કે પોરબંદર બેઠક પર ફાયદો થઇ શકે તેમ છે તેથી પાર્ટીએ આ વિસ્તારોમાં માઇક્રો પ્લાનિંગ કરવાની આવશ્યકતા હોવાનું સૂચન કર્યું છે.

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલે મતદાન છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવવાના છે ત્યારે તેઓ ફરીથી પ્રદેશ નેતાઓ સાથે રાજયની બેઠકોની સમીક્ષા કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ વિશ્વાસ સાથે કહે છે કે ગુજરાતમાં ભાજપ ૨૬ બેઠકો ફરી એકવાર જીતી જશે. મોદીએ કરેલી સમીક્ષા બેઠકમાં સ્ટેટ અને સેન્ટ્રલ આઇબીના રિપોર્ટ તેમજ વિવિધ ટીવી ચેનલોના પોલને પણ ધ્યાને લીધા છે.

મહત્વની બાબત એવી છે કે ભાજપની સમીક્ષા બેઠકમાં ભાજપના ૨૬ ઉમેદવારોના અભિપ્રાય અને તેમને પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્યો તેમજ કોંગ્રેસના જે આગેવાન કાર્યકરો ભાજપમાં જોડાયા છે તેમને પણ ચાર્જ કરવા અને ભાજપ તરફી મતદાન થાય તે માટે પ્રયાસ કરવાની સૂચના પણ હાઇકમાન્ડ દ્વારા આપવામાં આવી છે.

(12:11 pm IST)