Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

હત્યા-લૂંટફાટના અપરાધમાં બે ભારતીયોને સાઉદી અરબે આપી ફાંસી

બંને મૃતકોના શબ કદાચ તેમના પરિવારને નહીં સોંપવામાં આવે કારણ કે, આ સાઉદ અરબના નિયમોની વિરુદ્ઘ છે

ચંદીગઢ, તા.૧૮: સાઉદી અરબમાં બે ભારતીય નાગરિકોને હત્યાના ગુનામાં ફાંસી આપી હોવાની ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે. હોંશિયારપુરના સતવિન્દર કુમાર અને લુધિયાણાના હરજીતસિંહને એક અન્ય ભારતીય નાગરિકની હત્યા કરવાના ગુના હેઠળ ફાંસી આપવામાં આવી. બંનેને ૨૮ ફેબ્રુઆરીના રોજ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસને આ  અંગેને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. બંને મૃતકોના શબ કદાચ તેમના પરિવારને નહીં સોંપવામાં આવે કારણ કે, આ સાઉદ અરબના નિયમોની વિરુદ્ઘ છે. હરજીત અને સતવિન્દરે ઈમામુદીન નામના ભારતીય વ્યકિતની હત્યા પૈસાના વિવાદ મામલે કરી હતી. ત્રણેય લોકોએ આ પૈસા લૂંટ મારફતે એકઠા કર્યા હતાં.

હરજીતની પત્ની સીમા રાનીએ એક અરજી દાખલ કરી ત્યાર બાદ બંનેને ફાંસીની સજા થઈ હોવાની સ્પષ્ટતા થઇ હતી. અરજી પર કાર્યવાહી હાથ ધરતાં વિદેશ મંત્રાલયને સમગ્ર દ્યટનાક્રમની જાણકારી મળી હતી. સીમા રાનીને મોકલેલા પત્ર અનુસાર સતવિન્દર અને હરજીતની ૨૦૧૫માં ૯ ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બંને પર આરીફ ઈમામુદીનની હત્યાનો આરોપ હતો.extortion crime gfx

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંનેને ટ્રાયલ માટે રિયાધની જેલમાં મોકલવામાં આવ્યાં જયાં બંનેએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો. ૩૧ મે ૨૦૧૭ના રોજ તેમના કેસની સુનાવણી દરમિયાન એક ભારતીય અધિકારી પણ ત્યાં હાજર રહ્યાં હતાં. જો કે, કેસની સુનાવણી દરમિયાન જ બંને પર હિરાબા (હાઈવે પર લૂટફાટ)નો કેસ શરુ થઈ ગયો હતો, જેના હેઠળ ફાંસીની સજાની જોગવાઈ છે.

પ્રકાશ ચંદ, ડાયરેકટરના હસ્તાંક્ષર કરેલા પત્રમાં જાણકારી આપવામાં આવી કે, બંન્નેના કેસના ટ્રાયલ દરમિયાન કેટલાક ભારતીય અધિકારીઓએ તેમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ બંન્નેને ફાંસી આપી દેવાઈ, પરંતુ આ અંગેની જાણ ભારતીય દૂતાવાસને કરવામાં નહતી આવી. મંત્રાલય તરફથી મૃતકોના અવશેષો પરત મેળવવા માટે ઘણા પત્ર લખવામાં આવ્યા પરંતુ આ પ્રકારની જોગવાઈ સાઉદી કાયદામાં ન હોવાથી એ સંભવ ન થઈ શકયું.

(10:03 am IST)