Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

તોફાન વળતરને લઇને હવે રાજનીતિ : આક્ષેપોનો દોર

પક્ષપાત કરવાનો વડાપ્રધાન મોદી ઉપર કમલનાથનો આક્ષેપ : પીએમઓ પાસે ગુજરાત તરફથી પહેલા અહેવાલ મળ્યો

જયપુર, ભોપાલ, તા. ૧૭ : દેશના જુદા જુદા ભાગોમાં ભારે આંધી તૂફાનથી ૩૨ લોકોના મોત થયા બાદ કેન્દ્રના વળતરને લઇને જોરદાર ઘમસાણની સ્થિતિ જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ગુજરાતમાં અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવ્યા બાદ ઘમસાણની શરૂઆત થઇ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે વડાપ્રધાન ઉપર વળતરને લઇને ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ભાજપે કમલનાથના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે, પીએમઓની પાસે ગુજરાતનો રિપોર્ટ સૌથી પહેલા આવ્યો હતો તેના આધાર પર વળતરની જાહેરાત કરવામાં આવી હતી. બે કલાક બાદ મોદીએ બીજી વખત ટ્વિટ કરીને કહ્યું હતું કે, બાકી અસરગ્રસ્ત રાજ્યો માટે પણ વળતરની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આ બે કલાકના ગાળા દરમિયાન જોરદાર રાજકીય ઘમસાણની સ્થિતિ રહી હતી. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાનમાં મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે-બે લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના લોકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. ગુજરાત સુધી જ વડાપ્રધાનની સંવેદના જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં પણ તોફાનથી ૧૬ લોકોના મોત થયા છે. જો કે, મોડેથી તમામ અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી હતી. કમલનાથના નિવેદન બાદ ભાજપના નેતા અનિલ બલુનીએ કહ્યું હતું કે, પીએમઓને ગુજરાતમાંથી સૌથી પહેલા રિપોર્ટ મળ્યો હતો. બીજા રાજ્યો પાસેથી નુકસાન અંગે રિપોર્ટ મળ્યો ન હતો. કમલનાથ તમામ બાબતોને લઇને વાકેફ હોવા છતાં રાજનીતિ રમી છે.

(12:00 am IST)