Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પ્રયાગરાજથી વારાણસીની બોટયાત્રાઃ યુપીમાં પ્રિયંકાનું પ્રચાર અભિયાન શરૂ

યાત્રા પૂર્વે પ્રિયંકાએ ગંગા પૂજન-આરતી કર્યાઃ બડે હનુમાનજી મંદિરમાં પૂજન કર્યું : જળમાર્ગ, બસ-ટ્રેન અને પદયાત્રા દ્વારા લોકોનું મન જાણશેઃ ગંગાજીનો સહારો લઈ તમારી વચ્ચે આવી છું

નવી દિલ્હી : પૂર્વીય ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી પોતાની ગંગા બોટ યાત્રાનો પ્રારંભ કરી રહેલ છે. પ્રિયંકા ગાંધીની ગંગા બોટ યાત્રા પ્રયાગરાજથી શરૂ થઇને પીએમ મોદીનાં સંસદિય મત વિસ્તાર વારાણસીમાં પુર્ણ થશે.

પોતાની ગંગા યાત્રા નાવ પે ચર્ચા પહેલા પ્રિયંકા ગાંધીએ યુપીની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં પ્રિયંકા ગાંધીએ જણાંવ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મને પૂર્વીય યુપીની જવાબદારી સોંપી છે. યુપીનાં લોકો સાથે મારો જુનો પુરાણો સંબંધ છે. તમારી સાથે મળીને યુપીની રાજનિતીમાં પરિવર્તન લાવવાની જવાબદારી એક સૈનિક તરીકે મને સોંપવામાં આવી છે.

પ્રિયંકાએ યુપીની જનતાને કહ્યું છે કે, તમારી વાત સાંભળ્યા વગર પરિવર્તન થઇ શકે નહિં. જેથી હું તમારી  પાસે આવી છું. હું જળમાર્ગ,બસ,ટ્રેન અને પદયાત્રાનાં માધ્યમથી આપની સાથે સંપર્ક કરીશ.

પોતાનાં પત્રમાં પ્રિયંકા ગાંધીએ ગંગાને સત્ય અને સમાનતાનાં પ્રતિક તરીકે ગણાવી જણાંવ્યું છે કે તે કોઇ સાથે ભેદભાવ કરતી નથી. ગંગાજી ઉત્તર પ્રદેશનો સહારો છે, હું ગંગાજીનો સહારો લઇને તમારી સૌની વચ્ચે આવી છું.

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ઉત્ત્।ર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી ચૂંટણી અભિયાનનું રણશિંગું ફૂંકયું હતું. પ્રચાર અભિયાન શરૂ કરતાં પહેલાં પ્રયાગરાજમાં સંગમ તટ પર પ્રિયંકા ગાંધીએ ગંગા પૂજન કર્યું હતું અને સાથે જ તેમણે ગંગા આચમન પણ કર્યું હતું. સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કર્યા બાદ પ્રિયંકાએ ગંગાજીની આરતી પણ ઉતારી હતી.

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી ગંગા નદીમાં બોટ યાત્રા કરીને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મતક્ષેત્ર વારાણસી જવા રવાના થયાં હતાં. પ્રિયંકાની બોટ પ્રચાર યાત્રા ૧૪૦ કિ.મી.ની હશે. આ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી પીએમ મોદીને સીધો જવાબ આપશે. યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી વિવિધ મંદિરનાં દર્શન પણ કરશે.

કોંગ્રેસના અગ્રણી નેતાઓની હાજરીમાં પ્રયાગરાજથી બોટયાત્રા શરૂ કરતાં પહેલાં પ્રિયંકાએ શરૂઆતમાં સૂતેલા હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. મંદિરમાં દર્શન દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું હતું કે મેં મારા માટે કંઇ જ માગ્યું નથી. દેશની પ્રગતિ અને શાંતિ થાય તે માટે મેં પ્રાર્થના કરી છે. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી ગંગા પૂજન માટે સંગમ જવા રવાના થયાં હતાં. પ્રિયંકાની આ બે દિવસની યાત્રાને ‘ગંગા-જમુની તહજિબ યાત્રાલૃનામ આપ્યું છે. રવિવારે લખનૌથી અલાહાબાદ પહોંચેલાં પ્રિયંકા સૌ પહેલાં સ્વરાજ ભવન ગયાં હતાં અને ત્યાં તેમણે પોતાનાં દાદી ઇન્દિરાજીને યાદ કર્યાં હતાં. પ્રિયંકાની યાત્રાનું સમાપન ર૦ માર્ચે વારાણસીમાં થશે. આવતી કાલે પ્રિયંકા પોતાની યાત્રા દરમિયાન મઢહા ગામ (મીરજાપુર) પહોંચશે. ત્યાર બાદ તેઓ વિંધ્યાચલના દર્શન કરશે. આ કાર્યક્રમ બાદ ચુનાર જવા રવાના થશે. ચુનારમાં પ્રિયંકા શીતળા માતાનાં દર્શન કરશે. પ્રિયંકા રાત્રી રોકાણ ચુનારમાં કરશે. ર૦ માર્ચના રોજ પ્રિયંકા વારાણસી જવા નીકળશે અને વારાણસીના અસ્સી ઘાટ પર યાત્રાનું સમાપન કરશે. વારાણસીની નજીક દમદમા ખાતે પ્રિયંકા એક સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રિયંકાની આ હાઇપ્રોફાઇલ યાત્રાને પ્રશાસને સતર્કતા દાખવીને રપ શરત સાથે મંજૂરી આપી છે.

(3:55 pm IST)