Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પર્રિકરના નિધન બાદ ગોવામાં રાજકીય સંકટ : ગડકરીએ યોજી બેઠક

બીજેપી સરકાર પર સંકટના વાદળો : કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો

પણજી તા. ૧૮ : પેનક્રિયાસના કેન્સરથી લડી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું રવિવારે સાંજે નિધન થઈ ગયું હતું. તેમના નિધનની સાથે જ ગોવામાં રાજકીય સંકટ ઉભું થયું છે. કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ બીજેપીના નેતૃત્વએ નવા સીએમની ચહેરો શોધવાની કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રવિવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યે રાજયમાં સરકાર બનાવવાની સંભાવના પર વાતચીત માટે ગોવા પહોંચી ગયા હતા.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ રાજયમાં બીજેપીને ગઠબંધન દળોએ એક નવા નેતાની શોધમાં બેઠક કરી. કેન્દ્રીય મંત્રી નીડિત ગડકરી પણ આ બેઠકમાં સામેલ થવા માટે મોડી રાત્રે પણજી પહોંચ્યા હતા. બેઠકમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈ સહિત તેમના ત્રણ ધારાસભ્યો અને એમજીપીના ત્રણ ધારાસભ્યોએ રાજય પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નેતૃત્વમાં ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશ બીજેપીના સંગઠન મહાસચિવ સતીષ ધોંડ, નિર્દળીય ધારાસભ્ય અને રાજયના રાજસ્વ મંત્રી રોહન ખૌંતે તથા કલા તેમજ સંસ્કૃતિ મંત્રી ગોવિંગ ગાવડે પણ હાજર રહ્યા હતા.

બેઠક બાદ ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને બીજેપી ધારાસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા સુદીન ધાવાલિકર મુખ્યમંત્રી બનવા માંગે છે. તેઓ બીજેપીને સમર્થન આપવા માટે અનેકવાર બલિદાન આપી ચૂકયા છે. તેમણે પોતાની માંગ રાખી છે, પંરતુ બીજેપી હજી આ વાત પર સહમત નથી.

પારિકરની જગ્યાએ બીજેપી તરફથી વિશ્વજીત રાણે અને પ્રમોદ સાવંતના નામ આગળ ધરવામાં આવ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીના સાથી દળો મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી), ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષ ધારાસભ્યો વચ્ચે આ નામને લઈને એકમત નથી થયો. એટલે કે નવા સીએમ માટે ગોવાએ હજી રાહ જોવી પડશે.

શનિવારે મનોહર પારિકરની હાલત ખૂબ જ નાજુક હોવાની જાણ થયા બાદ બીજેપીના નેતૃત્વએ પણજી પહોંચીને સાથી પક્ષો સાથે બેઠક કરી હતી.

બેઠક મીડિયા સાથે વાતચીત કરતા ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇએ કહ્યુ કે, 'અમે મનોહર પારિકરને સમર્થન આપ્યું હતું, બીજેપીને નહીં. હવે તેઓ નથી રહ્યા ત્યારે તમામ વિકલ્પ ખુલ્લા છે. અમે ગોવામાં સ્થિરતા ઇચ્છીએ છીએ. અમે નથી ઇચ્છતા કે વિધાનસભાને ભંગ કરવામાં આવે. અમે બીજેપી ધારાસભ્યોની બેઠકના નિર્ણયની રાહ જોઈશું અને બાદમાં કોઈ પગલું ભરીશું.' પણજી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહેલા સીએમ પારિકરના નિધન બાદ ગોવામાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગોવામાં આ ચોથી પેટાચૂંટણી હશે. અહીં ૨૩મી એપ્રિલના રોજ શિરોડા, માંડરેમ અને માપુસા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે.આ વચ્ચે કોંગ્રેસે શુક્રવારે રાજયપાલ મૃદુલા સિંહાને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જે બાદમાં હરકતમાં આવેલી બીજેપીએ તાબડતોડ ધારાસભ્યો અને કોર કમિટીના સભ્યોની બેઠક બોલાવી હતી.

(11:33 am IST)