Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

એશિયાનું સૌથી મોટું ટયૂલિપ ગાર્ડન ૨૫મી માર્ચથી ખૂલશે

૧૦૦થી વધુ જાતના અને અંદાજે ૪૦ લાખ જેટલા ટયૂલિપ ફૂલોને નિહાળી શકશે

જમ્મુ તા. ૧૮ : કાશ્મીરમાં આવેલું એશિયાનું સૌથી મોટું ટયૂલિપ ગાર્ડન ૨૫મી માર્ચથી જનતા માટે ખોલવામાં આવશે.

ઇંદિરા ગાંધી ટયૂલિપ ગાર્ડન તરીકે ઓળખાતા અને ૩૦ હેકટર જમીન પર ફેલાયેલા આ ગાર્ડનને દર વર્ષે ૧૫ દિવસ માટે પર્યટકો માટે ખોલવામાં આવે છે. સાત વિભાગમાં બનાવવામાં આવેલા આ ગાર્ડનને ખાસ તો કાશ્મીરમાં પર્યટન અને ફૂલોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે બનાવાયું હતું. વિશ્રપ્રસિદ્ઘ દલ તળાવને કિનારે જબરવાન પહાડીની તળેટીમાં આવેલા અને માત્ર ૧૧ વર્ષ અગાઉ બનાવવામાં આવેલા આ ગાર્ડનમાં લોકો ૧૦૦થી વધુ જાતના અને અંદાજે ૪૦ લાખ જેટલા ટયૂલિપ ફૂલોને નિહાળી શકશે.

વધુ સંખ્યામાં પર્યટકો એની મુલાકાત લે એ માટે આ વખતે ગાર્ડનને એક નવો ઓપ આપવામાં આવ્યો છે. આમ તો કાશ્મીરમાં ફૂલોની ઋતુ એપ્રિલથી શરૂ થાય છે, પણ આ વખતે આ ગાર્ડનને ૨૫મી માર્ચથી જ શરૂ કરાશે. જોકે, બહાર-એ-કાશ્મીર મહોત્સવ ૧લીથી ૧૫મી એપ્રિલ સુધી ચાલશે. આ મહોત્સવમાં પર્યટકોને કાશ્મીરી વ્યંજનો ચાખવા તથા કાશ્મીરી હસ્તકલા નજીકથી જોવા, સમજવા અને ખરીદવાનો મોકો મળતો હોય છે. તાજેતરના કાળમાં કાશ્મીરમાં વધેલી હિંસા અને ત્રાસવાદને લીધે રાજયના પર્યટન ક્ષેત્રને ઘણું નુકસાન થયું હોવાથી પ્રશાસન દ્વારા વધુ પ્રમાણમાં પર્યટકોને આકર્ષવા માટે અનેક પ્રયત્ન થઇ રહ્યા છે.

(10:04 am IST)