Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સરકારી મહેમાન

મોદી 'ચાયવાલા'ની પાંચ વર્ષની નોકરી પૂરી, હવે ચોકીદાર શાસન કરવા તૈયાર

મતદારો મૂંઝાય કે મારે કોને મત આપવાનો છે? એવી શાલિનતા ક્યાંથી આવશે : કોંગ્રેસ લોકસભા તો ઠીક વિધાનસભાની ગુમાવેલી 5 બેઠક જીતે તો પણ ફાયદો છે : BJP ની મુશ્કેલીમાં વધારો કરતી VVIP બેઠક ગાંધીનગર: ત્રણેય મજબૂત દાવેદાર

ગુજરાત અને ભારતમાં ભાજપનો વિજય કોંગ્રેસને આભારી છે. રાજ્યની છેલ્લી ચાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓએ નરેન્દ્ર મોદીને આપેલા ઉપનામ તેમના માટે ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયા છે. મોદીના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો તેમને મળેલા ઉપનામો તેમના માટે સત્તાનો એક્કો સાબિત થયા છે. કોગ્રેસના નેતા મણીશંકર ઐયરે તો 2014માં હદ પાર કરીને એવું કહ્યું કે 'અમારી કોંગ્રેસની ઓફિસમાં મોદીને તો ચાયવાળા તરીકે પણ નોકરી મળે નહીં.' આ વિધાન કોંગ્રેસને ભારે પડ્યું અને 2014માં 'ચાય પે ચર્ચા' અને 'મોદી કિટલી' નો પ્રભાવ એટલો વધી ગયો કે ભાજપને દિલ્હીની સલ્તનત કોંગ્રેસે ભેટમાં આપી દીધી. મોદીએ જાતે જ કહ્યું કે હા, મેં વડનગરના રેલવે સ્ટેશન પર ચાય વેચી છે. 2007ની વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ મોદીને 'મોતના સોદાગર' કહ્યા અને મોદી મુખ્યમંત્રી બની ગયા. 2012માં કોંગ્રેસના એક નેતાએ મોદીની સરખામણી હિટલર સાથે કરી અને મોદીએ વિજયની હેટ્રીક કરી દીધી. ભાજપને ચૂંટણીમાં રૂપિયા ખર્ચવાની જરૂર ન રહી કેમ કે કોંગ્રેસે જ તેમને ચૂંટણીના મોટા મુદ્દા આપી દીધા. હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ના સોદાનો વિવાદ ઉભો કરીને નરેન્દ્ર મોદીને 'ચોકીદાર હી ચોર હૈ' ની નવી ઉપમા આપી છે. મોદીએ રાહુલના આ વિધાન સામે 'મૈં ભી ચોકીદાર હૂં' એવું સૂત્ર વહેતું કર્યું અને ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો અને શુભેચ્છકોએ 'મૈં ભી ચોકીદાર હું' નો હેશટેક લગાવીને ભાજપનો પ્રચાર શરૂ કરી દીધો છે. લોકસભાની બન્ને ચૂંટણીમાં ફરક એટલો છે કે 2014મા મોદી 'ચાયવાલા' હતા અને 2019માં 'ચોકીદાર' બની ગયા છે. હવે આ ચૂંટણીમાં 'ચાય પે ચર્ચા નહીં' પણ 'ચોકીદાર હી ચોર હૈ' વર્સિસ 'મૈં ભી ચોકીદાર હૂં' ના નારા દેશભરમાં શરૂ થયા છે.

ભાજપની જાન ગાંધીનગર બેઠકમાં અટકી છે...

ગુજરાત ભાજપમાં લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભાજપના પ્રદેશના મોટાભાગના નેતાઓએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ત્રણ દિવસ સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઉમેદવારોના નામની પેનલો તૈયાર કરીને નવી દિલ્હી મોકલશે અને રાજ્યના 26 ઉમેદવારોની ફાઇલન યાદી દર વખતની જેમ દિલ્હીથી રિલીઝ કરાશે. આ ચૂંટણીમાં મહત્વની બાબત એવી છે કે ચૂંટણી લડવાના દાવેદારોમાં અમિત શાહ, આનંદીબહેન પટેલ, વજુભાઇ વાળા અને કેટલાક નેતા પુત્રો મેદાનમાં છે. પાર્ટી સૂત્રો કહે છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આ વખતે હાઇકમાન્ડ ગાંધીનગરની લોકસભા બેઠકના ઉમેદવાર બનાવવા રાજી નથી, પરંતુ ગાંધીનગરની વીવીઆઇપી બેઠક પર અમિત શાહ અને આનંદીબહેન પટેલની દાવેદારી છે તેથી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી છે. 2014માં ભાજપની યાદીમાંથી અડવાણીને બાકાત કરી દેવામાં આવતા તેમણે વિવાદ ઉભો કર્યો હતો અને છેવટે અડવાણી ટીકીટ લઇ આવ્યા હતા પરંતુ આ વખતે એવો કોઇ સ્કોપ નથી. પાર્ટીએ મન બનાવ્યું છે કે ગાંધીનગર બેઠક પરથી અન્ય કોઇ આયાતી ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અડવાણી 1989થી ચૂંટાઇને આવે છે. તેમણે આ બેઠક 1996માં તેમના સાથી અટલ બિહારી વાજપેયી માટે ખાલી કરી હતી પરંતુ 1998થી અડવાણીએ આ બેઠક પરથી વિજય મેળવ્યો છે. 1084 પછી કોંગ્રેસનો કોઇપણ ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યો નથી. કોંગ્રેસના ફિલ્મી નેતા રાજેશ ખન્નાને પણ ભાજપના વિજય પટેલ જેવા જૂનિયર નેતાએ હરાવ્યા હતા.

પાંચ બેઠકોમાં કોંગ્રેસ ચૂંટણી ખર્ચ બચાવી શકે...

ગુજરાતની 26 લોકસભા બેઠકો પેકી પાંચ બેઠકો એવી છે કે જેમા કોંગ્રેસને કોઇ મજબૂત ઉમેદવાર મળતા નથી. અમદાવાદની પૂર્વ અને પશ્ચિમની બેઠકમાં તો કોંગ્રેસને વકરો એટલો નફો છે. કોઇ કાળે કોંગ્રેસ અમદાવાદની આ બન્ને બેઠકો જીતી શકે તેવી સ્થિતિ નથી. કોંગ્રેસ માટે નબળી બેઠકમાં વડોદરા અને સુરતની બેઠક આવે છે. સિટી વિસ્તારની આ બેઠકમાં કોંગ્રેસ પાસે કરિશ્માયુક્ત નેતા નથી. આ બેઠકોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી. રહી વાત ગાંધીનગર લોકસભા બેઠકની તો, કોંગ્રેસ પાસે આ બેઠકમાં પ્રતિસ્પર્ધી ભાજપને હંફાવી શકે તેવા નેતા નથી. કોંગ્રેસના એક સિનિયર આગેવાન કહે છે કે શહેરી વિસ્તારની આ પાંચ બેઠકોમાં કોંગ્રેસે ચૂંટણી ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે પાર્ટી પાસે વિજય મેળવી શકે તેવો કોઇ ઉમેદવાર નથી. જો કોંગ્રેસને આ પાંચ બેઠકો મળે તો ગુજરાતમા કોંગ્રેસને 26 બેઠકો જીતી જતાં મોદી કે ભાજપ રોકી શકે તેમ નથી.

લોકસભા સાથે વિધાનસભાનો પ્રચાર થશે...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 23મી એપ્રિલના રોજ થવાની છે ત્યારે તેની સાથે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી પાંચ બેઠકો પર એ જ દિવસે મતદાન થવાનું છે. બન્ને પાર્ટીઓ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરી રહી છે અને તેમનો લોકસભાની સાથે જ પ્રચાર થવાનો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં કેબિનેટ મંત્રી બનેલા જવાહર ચાવડા (માણાવદર)ને મંત્રીપદ બચાવવા માટે વિધાનસભાની ચૂંટણી ફરજીયાત લડવી પડશે. તેમને અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ (ઉંઝા), પુરૂષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા) અને વલ્લભ ધારવિયા (જામનગર-ગ્રામ્ય) ને ભાજપે ટીકીટ આપવાનું નક્કી કર્યું છે તેથી કોંગ્રેસે આ બેઠકો પર નવા ઉમેદવારો પસંદ કરવાના રહે છે. જ્યારે તલાલા બેઠક એવી છે કે ભ્રષ્ટાચારના કેસમાં સજા પામેલા કોંગ્રેસના ભગા બારડ તો ચૂંટણી લડી શકે તેમ નથી તેથી બન્ને પાર્ટીએ નવા ઉમેદવારો શોધવા પડશે. આ પાંચ બેઠકોની પેટા ચૂંટણી લોકસભા સાથે હોવાથી વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે લોકસભાના સ્ટાર કેમ્પેઇનરો કામ લાગશે. આ બેઠકો માટે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાત આવવું નહીં પડે. એટલું જ નહીં બન્ને પક્ષના આ પાંચ ઉમેદવારોને ચૂંટણી ખર્ચમાં પણ મોટી રાહત મળી શકે તેમ છે.

લોકસભા પછી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણી...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી એપ્રિલ 2020માં રાજ્યસભાના ચાર સભ્યોની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સામાન્ય રીતે માર્ચ મહિનામાં થતી હોય છે. આ વખતે કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી નિવૃત્ત થઇ રહ્યાં છે, જ્યારે ભાજપમાંથી લાલસિંહ વડોદિયા, શંભુપ્રસાદ ટુંડિયા અને ચીનુભાઇ ગોહિલ નિવૃત્ત થવાના છે. વિધાનસભામાં સંખ્યાબળની રીતે જોઇએ તો પહેલાં કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવાનો ચાન્સ હતો પરંતુ છ ધારાસભ્યો ખોઇ દેતાં હવે બીજી બેઠક મળી શકે તેમ નથી. ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધતાં હવે ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો મળી શકે છે. ગુજરાત વિધાનસભામાં હાલ ભાજપના સભ્યોની સંખ્યા 100 છે જ્યારે કોંગ્રેસના સભ્યો ઘટીને 71 થયાં છે. એનસીપીના એક સભ્ય, ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે અને ત્રણ અપક્ષ સભ્યો છે. પાંચ બેઠકો ખાલી છે જેની ચૂંટણી 23મી એપ્રિલે થવાની છે. ભાજપે કોંગ્રેસના તૈયાર સભ્યોને લઇને 99 બેઠકોનું મહેણું ભાગ્યું છે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના સભ્યોને ભાજપમાં જોડી દેતાં ભાજપ માટે લોકસભાની નબળી બેઠકો સબળ બની હોવાનું કહેવાય છે. કોંગ્રેસમાં જો દમ હોય તો લોકસભાની પાંચ થી સાત બેઠકો ઉપરાંત વિધાનસભાની પાંચ પેટા ચૂંટણી જીતે તો પણ ગુજરાત એકમનું નાક જળવાઇ રહેશે.

પ્રચારમાં રામ મંદિર અને બેકારી શબ્દ નહીં હોય...

લોકસભાની ચૂંટણીમાં દેશની આર્થિક અને સામાજીક સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોની બેકારી, મોંઘવારી, ભાવવધારો, કાયદો અને વ્યવસ્થા, ત્રાસવાદ, નક્સલ વાદ, પ્રાંતવાદ, જાતિવાદ અને છેલ્લા દિવસોમાં બહુ ચગેલા રામમંદિર બાંધવાના મુદ્દાઓ વિસરાઇ ગયા છે. હવે તો માત્ર 'ચોકીદાર ચોર હૈ' અને 'મૈં ભી ચોકીદાર હૂં' વચ્ચે લોકસભાનો જંગ ખેલાવાનો છે. કેન્દ્રની મોદી સરકાર નોટબંધી અને જીએસટીના અમલ પછી દેશની આર્થિક સ્થિતિ નબળી પડી છે પરંતુ તે મુદ્દો ચૂંટણીનું લક્ષ્ય બની શકે તેમ નથી. આજે પેટ્રોલ અને ડીઝલના રોજબરોજ વધતા જતાં ભાવને પણ કોઇ પૂછતું નથી. લોકો માત્ર ચોકીદારને પૂછે છે. લોકોને એરસ્ટ્રાઇકની મજા આવી છે. ત્રાસવાદના એપિસેન્ટર પાકિસ્તાનને નરેન્દ્ર મોદી અને તેમના સ્ટાર પ્રચારકો કેટલા ઝનૂનથી ગાળો બોલે છે તેના પર વિજયનો સિક્કો લાગવાનો છે. રાજકીય તજજ્ઞોના મતે મોદી સરકારના સમયમાં એરફોર્સની સર્જીકલ સ્ટ્રાઇક ભાજપની વિજયનું મહત્વનું કારણ બની શકે છે. કોંગ્રેસનો મુખ્ય ચૂંટણી મુદ્દો રાફેલ ડીલ અને નરેન્દ્ર મોદી ('ચોકીદાર હી ચોર હૈ') હોઇ શકે છે, આમ છતાં ગુજરાતમાં બદલાતા જતાં રાજકીય સમીકરણો વચ્ચે ભાજપ માટે હજી પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠક નબળી માનવામાં આવે છે. આ વિસ્તારોમાં એકફોર્સની સર્જીકલ સ્ટ્રાઇક, પાકિસ્તાન અને 'મૈં ભી ચોકીદાર હૂં' સૂત્ર કેટલું સફળ થાય છે તે મતદારોના મૂડ પર આધારિત છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતના મતદારો ઇમોશનલ છે. તેમને ક્યા નેતા ઇમોશનલ બનાવે છે તેના પર બઘો આધાર છે.

દેશમાં લોકશાહીની તંદુરસ્તીને નેતાઓનું ગ્રહણ...

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનો વાણી વિલાસ જોતાં એવું લાગે છે કે લોકશાહીની તંદુરસ્તીને નેતાઓનું ગ્રહણ લાગ્યું છે. સાક્ષરતા જેમ વધતી જાય છે તેમ નિરક્ષરોનું પ્રમાણ વધી રહ્યું છે. ચૂંટણી સભામાં વ્યક્તિગત આક્ષેપબાજીથી વિરોધી વ્યક્તિને હલકી ચિતરવાની ફેશન શરૂ થઇ છે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીમાં જ્યારે ચૂંટણી લડવામાં આવતી હતી ત્યારે પ્રવચનોની તંદુરસ્તી આંખ સામે તરી આવતી હતી. મતદારોને મૂંઝવણ હતી કે કોને મત આપવો અને કોને જાકારો આપવો. મતદારો નિર્ણય લઇ શકતા ન હતા. ભાજપમાં અટલ બિહારી વાજપેયીનો સમય હતો ત્યારે તેઓ ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીની સરકારોની ટીકાઓ કરતા હતા પરંતુ વ્યક્તિગત આક્ષેપોથી તેઓ દૂર રહેતા હતા. વાજપેયી જ્યારે સભા સંબોધે ત્યારે પહેલી હરોળમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ગોઠવાઇ જતા હતા. વાજપેયીની ચૂંટણી સભાઓ સાંભળવી એ લહાવો હતો. સુંદરતા અને કાવ્યાત્મક રીતે તેઓ ઇન્દિરા ગાંધીના શાસનની ટીકા કરતાં હતા. આજના રાજકીય નેતાઓ પાસેથી શાલિનતા અને ખેલદિલી શબ્દોની અપેક્ષા રાખી શકાય તેવી નથી. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમણે જે પ્રથમ પ્રવચન કર્યું તે સોચનિય છે. તેમણે મોદીના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો અને તેમની સરકારને ઝાટકી હતી. એક તબક્કે તેમનામાં ઇન્દિરા ગાંધીની ઝલક દેખાતી હતી. પ્રચારમાં જ્યાં સુધી સૌમ્યતા નહીં હોય ત્યાં સુધી મતદારોને નેતાઓ મૂંઝવી શકતા નથી. ખરી ચૂંટણી તો એ છે કે મતદારો વિચાર કરતો થઇ જાય કે બન્ને બળિયામાંથી કોને મત આપવો. આ જ ખરો પ્રચાર છે. આ જ ખરી કસોટી છે. બાકી તો ભાજપ અને કોંગ્રેસ ભક્તોની દેશમાં ખોટ નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:43 am IST)
  • ઘઉંની સીઝન સૌરાષ્ટ્રમાં ઘઉંની સિઝન શરૂ થતા ઘઉંની લણણીની કામગીરી કરતાં ધરતીપુત્રો સહકુટુંબ કોટડાસાંગાણી રોડ પર ઘઉંના વાવેતરમાં નજરે પડે છે access_time 11:21 am IST

  • લોકસભા ચૂંટણી માટે પૂર્વોત્તર-દક્ષિણ ભારતમાં મહિલા મતદાતાની સંખ્યા પુરુષો કરતા વધુ :મતદારયાદી મુજબ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના નવ રાજ્યોમાં પુરુષોની તુલનાએ મહિલા મતદારોની સંખ્યામાં વધારે છે access_time 12:52 am IST

  • આજમગઢમાં ફટાકડાના ગોડાઉનમાં આગ ભભૂકી :ચાર લોકોના મોત :અનેક દાઝ્યા : ઉત્તર પ્રદેશના આજમગઢમાં કોતવાલી વિસ્તારમાં રવિવારે મોડીસાંજે હરાની ચૂંગી પાસે વેલ્ડીંગની દુકાનમાંથી તિખારો ઉડતા ફટાડકાના ગોડાઉનમાં આગ લાગી :આગમાં ચાર લોકોના મોત નિપજ્યા ;અનેક લોકો દાઝયા ;ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડ્યું access_time 12:55 am IST