Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકસભા ચૂંટણી : બિહારમાં બેઠકોની વહેંચણીની ઘોષણા

એનડીએ દ્વારા સાનુકુળ માહોલમાં બેઠકોની જાહેરાત કરી : શાહનવાઝની સીટ જેડીયુને અને ગિરિરાજ સિંહન સીટ એલજેપીને આપવાની ભાજપની જાહેરાત : બેઠકોની વહેંચણી મામલે એનડીએ હરિફો કરતા આગળ

નવીદિલ્હી, તા. ૧૭ : બિહારમાં લોકસભા ચૂંટણીને લઇને એનડીએ દ્વારા સીટોની જાહેરાત આજે કરી દેવામાં આવી છે. શાહનવાઝની સીટ જેડીયુને આપી દેવામાં આવી છે. સાનુકુળ માહોલમાં બેઠકોની વહેંચણી એનડીએ દ્વારા કરીને પ્રાથમિકરીતે બિહારમાં બાજી મારી લીધી છે. ભાજપ, જેડીયુ અને એલજેપી દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને કોણ કેટલી સીટ પર ચૂંટણી લડશે તેને લઇને આજે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ ૧૭-૧૭ સીટો ઉપર ચૂંટણી લડનાર છે જ્યારે લોકજનશક્તિ પાર્ટી છ સીટો ઉપર ચૂંટણી લડનાર છે. આ યાદીમાં કેટલીક સીટો એવી પણ છે જેને લઇને ખેંચતાણ હતી પરંતુ સાનુકુળ માહોલમાં વિવાદને ઉકેલી લેવામાં આવ્યા છે. જનતાદળ યુનાઇટેડ જે સીટો ઉપર ચૂંટણી લડનાર છે તેમાં કટિહાર, પુર્ણિયા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, કારાકાટ, ગયા, જેહાનાબાદ, સુપૌલ, કિશનગંજ, મધેપુરા, વાલ્મિકીનગર, સીતામઢી, ઝંઝારપુરનો સમાવેશ થાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી જે સીટ ઉપર ચૂંટણી લડનાર છે તેમાં પશ્ચિમી ચંપારણ, પૂર્વીય ચંપારણ, મહારાજગંજ, મધુબાની, અરેરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, સારન, ઉજિયારપુર, બેગુસરાય, પટણા સાહિબ, પાટલીપુત્ર, આરા, શિવહર, બક્સર, સાસારામ અને ઔરંગાબાદનો સમાવેશ થાય છે. એલજેપીને જે સીટ આપવામાં આવી છે તેમાં વૈશાલી, સમસ્તીપુર, હાઝીપુર, ખગડિયા, જમુઈ અને નવાદાનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે, રામવિલાસ પાસવાન લોકસભાની ચૂંટણી લડનાર નથી. તેમની જગ્યાએ રામવિલાસ પાસવાન હવે રાજ્યસભામાં જશે જ્યારે તેમના પુત્ર ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં છે. બિહારની ૪૦ સીટો ઉપર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને નીતિશકુમારના નેતૃત્વમાં જેડીયુની સાથે રામવિલાસની પાર્ટી એલજેપી ગઠબંધનમાં છે. કાગળ ઉપર ગઠબંધન ખુબ મજબૂત છે. દિલ્હીમાં મોદી, બિહારમાં નીતિશકુમારના ચહેરાના કારણે પાર્ટીને ફાયદો થઇ રહ્યો છે. રામવિલાસ પાસવાનની ઉપસ્થિતિમાં સામાજિક વિસ્તરણ પણ થયું છે. ૨૦૦૪ બાદ તમામ ચૂંટણી ઉપર નજર કરવામાં આવે તો ત્રણેયને મળીને ૪૫ ટકા મત મળ્યા હતા. મોદીની લોકપ્રિયતા બિહારમાં હજુ પણ અકબંધ રહી છે. રાજ્યમાં જેડીયુ અને ભાજપ ૧૭-૧૭ સીટો અને એલજેપી છ સીટો ઉપર ચૂંટણી લડનાર છે. અનેક પડકારો પણ રહેલા છે. સામાજિક સમીકરણની દ્રષ્ટિએ આશરે એક ડઝન સીટ એવી છે જ્યાં એનડીએને મુસ્લિમ-યાદવ સમીકરણમાં ગાબડા પડવાની જરૂર છે. બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ચાર સીટો ઉપર ૧૧મી એપ્રિલના દિવસે, ૫ સીટો ઉપર ૧૮મી એપ્રિલના દિવસે, પાંચ સીટો પર ૨૩મી એપ્રિલના દિવસે, પાંચ સીટો ઉપર ૨૯મી એપ્રિલના દિવસે, પાંચ સીટો પર છઠ્ઠી મેના દિવસે, આઠ સીટો ઉપર ૧૨મી મેના દિવસે અને બાકી ૮ સીટો ઉપર ૧૯મી મેના દિવસે મતદાન થનાર છે. ૨૩મી મેના દિવસે મતગણતરી થશે. બિહારમાં લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારી કરી ચુક્યા છે. લોકસભા ચૂંટણીમાં એનડીએ અન્ય પાર્ટીઓ કરતા હજુ આગળ દેખાઈ રહી છે. ભાજપને લઇને વિરોધાભાષી વલણ અપનાવનાર શત્રુઘ્ન સિંહાનું પત્તુ સ્પષ્ટપણે કપાઈ ગયું છે. તેમને આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા નહીવત છે. પટણાસાહેબમાંથ અન્યને ટિકિટ મળી શકે છે. ભાગલપુર સીટ પરથી શાહનવાઝ હુસૈનને મેદાનમાં ઉતારવાના બદલે આ સીટ જેડીયુને આપ દેવામાં આવી છે. ભાજપે નવાદા બેઠક એલજેપીને આપી છે. હાલમાં આ સીટ ભાજપના ગિરીરાજસિંહ પાસે છે.

(8:33 am IST)
  • સુરતના એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરી : ૨૫ હજાર યુએસ ડોલર, ૩૦૦૦ દિનાર સાથે ૨ની અટકાયતઃ એર ઇન્ટેલીજન્સ યુનિટ દ્વારા કાર્યવાહીઃ શાહજહાથી આવેલી ફલાઇટમાં કરતા હતા ચલણની ફેરાફેરીઃ કપડાની બેગમાં સંતાડીને વિદેશી કરન્સીની કરતા હતા હેરાફેરી access_time 3:52 pm IST

  • લોકસભા ચૂંટણી માટે પૂર્વોત્તર-દક્ષિણ ભારતમાં મહિલા મતદાતાની સંખ્યા પુરુષો કરતા વધુ :મતદારયાદી મુજબ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના નવ રાજ્યોમાં પુરુષોની તુલનાએ મહિલા મતદારોની સંખ્યામાં વધારે છે access_time 12:52 am IST

  • પશ્ચિમ બંગાળમાં એકલે હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ : માર્કસવાદી સામ્યવાદી પક્ષના ડાબેરી મોરચા સાથેની વાતો ગઈકાલે પડી ભાંગ્યા પછી પશ્ચિમ બંગાળ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે access_time 3:54 pm IST