Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અયોધ્યામાં મસ્જિદની જગ્યા પર હોસ્પિટલ કે સ્કૂલ બાંધવા સુન્ની વકફ બોર્ડ નિર્ણય કરશે

રામમંદિર કોમ્પ્લેકસથી આશરે રપ કીમી દૂર સોહવાલ તાલુકાના ધાનીપુર ગામમાં મુસ્લિમ સમુદાયના પક્ષને ઉત્તરપ્રદેશ સરકારે પ એકર જમીન મસ્જિદ બાંધવા માટે ફાળવી છે

લખનૌ, તા. ૧૮ : સુન્ની વકફ બોર્ડે આગામી ર૪ ફેબ્રુઆરીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં અયોધ્યા બાબરી મસ્જિદ વિવાદમાં યુપી સરકાર દ્વારા ફાળવામાં આવેલી જમીનને સ્વીકારવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સુન્ની વકફ બોર્ડના તમામ આઠ સભ્યોને આ બેઠકમાં તાકીદે હાજરી આપવી સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રામમંદિર કોમ્પ્લેકસથી આશરે રપ કિમી દૂર સોહવાલ તાલુકાના ધાનીપુર ગામમાં મુસ્લિમ સમુદાયના પક્ષને ઉત્તરપ્રદેશ સરકારે પ એકર જમીન મસ્જિદ બાંધવા માટે ફાળવી છે. આ જમીન સુપ્રીમકોર્ટના એ આદેશ પર આપવામાં આવી છે જેમાં અયોધ્યા બાબરી મસ્જિદ વિવાદ કેસમાં ચૂકાદો સંભળાવાયો હતો અને બાબરી મસ્જિદની જમીન રામલલ્લાને સોંપી દેવામાં આવી હતી અને તેના બદલામાં નવી જમીન મસ્જિદ બાંધવા માટે ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

સુન્ની વકફ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ફકત એ જ નિર્ણય નહીં કરવામાં આવે કે યુપી સરકાર દ્વારા આપવામાં આવેલી જમીનને સ્વીકારવામાં આવે કે નહીં ? પરંતુ તેની સાથે સાથે એ પણ નિર્ણય લેવામાં આવશે કે આ જમીન પર પછી મસ્જિદ બાંધવી કે તેની જગ્યાએ હોસ્પિટલ કે સ્કૂલનું નિર્માણ કરવું ?

સુન્ની વકફ બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે બોર્ડના તમામ સભ્યોને તાકીદે આ બેઠકમાં હાજરી આપવા સુચના આપવામાં આવી છે. બોર્ડ સૌથી પહેલા તો બેઠકમાં એ નિર્ણય કરશે કે જમીન સ્ીકારવી કે નહિ ? અને જો જમીન સ્વીકારવાનો નિર્ણય થશે તો તેના પર સ્કૂલ બાંધવી કે હોસ્પિટલનું નિર્માણ કરવું તે અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

(11:50 am IST)