Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સીએએ વિરોધી પ્રદર્શનોમાં રર મોત, ૮૩ ઘાયલ અને ૩રર જેલમાં: યુપી સરકારે અલ્હાબાદ હાઇકોર્ટમાં આપ્યો રિપોર્ટ

પ્રયાગરાજ તા. ૧૮: ઉત્તર પ્રદેશ સરકારે સીએએના વિરોધમાં પ્રદર્શન કરનારાઓ પર પોલિસ કાર્યવાહીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરી દીધો છે. કોર્ટના આદેશ પર રાજય સરકારે સોગંદનામું દાખલ કરીને અત્યાર સુધીમાં થયેલ પ્રગતિની માહિતી આપી હતી. કેસની આગામી સુનાવણી ૧૮ માર્ચે થશે.

કોર્ટે આ દરમ્યાન રાજય સરકાર અને અરજદારોના વકીલોને પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર અને જસ્ટીસ સિધ્ધાર્થ વર્માની બેંચ કરી રહી છે.

હાઇકોર્ટના નિર્દેશ પર રાજય સરકારના સીનીયર વકીલ મનીષ ગોયલે ઘરના સંબંધી રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ર૦ અને ર૧ ડીસેમ્બરે સીએએ વિરોધી દેખાવો દરમ્યાન રાજયમાં કુલ રર લોકોના મોત થયા હતા અને ૮૩ લોકો ઘાયલ થયા હતા જયારે ૪પ પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમણે ઘાયલોનું લીસ્ટ પણ રજૂ કર્યું હતું.

કોર્ટે ઘાયલ પોલિસ કર્મચારીઓ અંગે પણ માહિતી માંગી છે સીનીયર વકીલે જણાવ્યું કે ઘાયલોની સારવાર માટે ર૪ કલાક એમ્બ્યુલન્સ સેવા હાજર રાખવામાં આવી છે. ઘાયલોને ઉપચારની સંપૂર્ણ સુવિધાઓ અપાઇ છે. પોલિસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પીટલમાં જઇને તેમના ખબર અંતર પણ પૂછયા હતા.

સીનીયર વછકીલ મનીષ ગોયલે જણાવ્યું કે તોફાન અને તોડફોડની ઘટનાઓ દરમ્યાન રાજયભરમાં કુલ ૮૮૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી પ૬૧ લોકો જામીન પર છુટી ગયા છે. ૩રર લોકો હજુ પણ જેલમાં છે જયારે ૧૧૧ લોકોની જામીન અરજી કોર્ટમાં છે.

અરજદારોની મુખ્ય ફરિયાદ એ હતી કે આખી ઘટનામાં એક પણ પોલિસ કર્મચારી વિરૂધ્ધ રિપોર્ટ નથી નોંધવામાં આવ્યો. મનીષ ગોયલે જણાવ્યું કે ઘટના દરમ્યાન ૮ પોલિસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદો મળી છે. બે ફરિયાદો કોર્ટમાં દાખલ કરાઇ છે. આમ, નાગરિકો તરફથી પોલિસ વિરૂધ્ધ દસ ફરિયાદો મળી છે.  જેની તપાસ કરવામાં આવી રહી છે.

(11:48 am IST)