Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોદી સરકાર માટે અચ્છે દિનઃ બ્રિટન -ફ્રાંસને પાછળ રાખી દીધા

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી

અનેક નકારાત્મક અહેવાલો વચ્ચે મોદી સરકાર માટે રાહતરૂપ સમાચારઃ ભારત ૨.૯૪ લાખ કરોડની અર્થવ્યવસ્થા બન્યું: બ્રિટન ૨.૯૩ ટ્રીલીયન ડોલર તથા ફ્રાંસની ઇકોનોમી ૨.૭ ટ્રીલીયન ડોલર છે

નવી દિલ્હી,તા.૧૮: ઘણા બધા નકારાત્મક સમાચારો વચ્ચે મોદી સરકારે માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. ૨.૯૪ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ભારતે ૨૦૧૯માં બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દીધા છે. વડાપ્રધાન મોદીએ આગામી પાંચ વર્ષમાં ભારતને ૫ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

અમેરિકન રિસર્ચ સંસ્થા વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, આત્મનિર્ભર બનવાની પોતાની પહેલાની નીતિથી આગળ વધતા ભારત હવે એક ખુલ્લી બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસીત થઇ રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સકલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) બાબતે ભારતે ૨.૯૪ લાખ કરોડ (ટ્રીલીયન) ડોલરની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. આ બાબતે ૨૦૧૯માં તેણે બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દીધા છે.

ન્યુઝ એજન્સી પીટીઆઇ અનુસાર, બ્રિટનની અર્થવ્યવસ્થા ૨.૮૩ ટ્રીલીયન ડોલર અને ફ્રાંસની ૨.૭ ટ્રીલીયન ડોલર છે. ખરીદ શકિત સમાનતા (પીપીપી)ના આધાર પર ભારતનો જીડીપી ૧૦.૫૧ ટ્રીલીયન ડોલર છે અને તે જાપાન તથા જર્મનીથી આગળ છે. જોકે, ભારતમાં વધારે વસ્તીના કારણે વ્યકિત દીઠ જીડીપી ફકત ૨૧૭૦ ડોલર છે, જે અમેરિકામાં ૬૨૭૯૪ ડોલર છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે ભારતનો વાસ્તવિક જીડીપી વૃધ્ધિ દર સતત ત્રીજા ત્રિમાસીક ગાળામાં પણ નબળો એટલે કે પાંચ ટકા જેવો રહી શકે છે.

રિપોર્ટમાં કોંગ્રેસના સમયમાં શરૂ થયેલ ઉદારીકરણના વખાણ કરાયા છે. તેમાં કહેવાયું છે કે, ભારતમાં આર્થિક ઉદારીકરણ ૧૯૯૦ના દાયકામાં શરૂ થયું હતું. ઉદ્યોગોને નિયંત્રણ મુકત કરાયા અને વિદેશી વેપાર અને રોકાણ પરના નિયંત્રણો ઘટાડાયા હતા. સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપાયલની ભારતને આર્થિક વૃધ્ધિ દર તેજ કરવામાં મદદ મળી છેે. રિપોર્ટ જાહેર કરનાર વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ અમેરીકાની એક સ્વતંત્ર સંસ્થા છે.

(11:00 am IST)