Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

એક વર્ષમાં ૪ અબજ લોકો વિમાનમાં ઉડયા : એર ટ્રાફિક આસમાને

વિશ્વમાં પ લાખ લોકો સતત હવામાં હોય છે : ૧૯૯પની તુલનાએ વિમાન ભાડા ૬૦ ટકા સસ્તા : રોડ સાથે એર ટ્રાન્સપોર્ટેશનથી ગ્લોબલ વોર્મિંગને બમણો ફટકો : વિમાનોની ઉડાઉડમાં વધારો : ભારતમાં વર્ષ ર૦૧૮માં ૧૩.૮૯ કરોડ લોકોએ વિમાન મુસાફરી કરી : મુસાફરો ખેંચવા ગળાકાપ હરિફાઈ

રાજકોટ તા.૧૮ : ગ્લોબલ વોર્મિંગની ચિંતાઓ વચ્ચે હવામાં ફેલાઈ રહેલું પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહયું છે. જમીનમાંથી હવામાં ફેલાઈ રહેલા પ્રદૂષણને રોકવા વૈશ્વિક પ્રયાસો વચ્ચે હવે હવાથી હવામાં ફેલાઈ રહેલા પ્રદૂષણને ઘટાડવાની માંગ ઉઠી છે. પૃથ્વીના આવરણમાં સતત ઉડી રહેલા વિમાનોને કારણે પ્રદૂષણ વધી રહયાનો હોબાળો મચ્યો છે.

સતત ઘટી રહેલા વિમાન ભાડાને કારણે વિમાનમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. જેને કારણે વિમાનોની ધણધણાટી પણ વધી છે. વિશ્વમાં એક વર્ષમાં ૪ અબજ લોકો વિમાનમાં ઉડયા છે તો ભારતમાં વર્ષ ર૦૧૮માં ૧૩.૮૯ કરોડ લોકોએ વિમાન મુસાફરી કરી હતી. જે સંખ્યા ર૦૧૭ કરતાં ૧૮.૬ ટકા વધુ છે. ભારતમાં ઈન્ડિીગો, એર ઈન્ડિયા, જેટ એરવેઝ અને સ્પાઈસ જેટ વચ્ચે હરિફાઈ જામી છે.

વિમાનો આમ તેમ સતત ઉડતાં રહે છે. આવું આખા વિશ્વમાં બની રહયું છે. જેના પરિણામે વિમાનના ઈંધણમાંથી નિળકતાં કાર્બનનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે લોકોની હવામાં ઉડવાની વધી રહેલી ટેવ પર્યાવરણ માટે ઘાતક બની રહી છે. લોકો વિમાનની મુસાફરી ઓછી કરે તેવી સરકારોએ અપીલ કરવી પડે તેવો સમય આવી ગયો છે અથવા એવીએશન ક્ષેત્રે નવી ટેકનોલોજી ગ્રીન ફયુલ, ઈલેકટ્રીક પ્લેનનો ઉપયોગ કરવો પડશે. વિશ્વમાં સતત પાંચ લાખ લોકો કોઈને કોઈ સમયે વિમાનમાં મુસાફરી કરી રહયા હોય છે. કોઈ એક નાના શહેરની વસતી જેટલા લોકો કાયમ હવામાં રહેતા હોવાથી તેને કારણે વિમાનના ઈંધણનો વપરાશ સતત રહે છે.

એક અભ્યાસ અનુસાર એવીએશન ક્ષેત્રમાંથી હવામાં ફેલાઈ રહેલું કાર્બન ડાયોકસાઈડનું પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યું છે. પર્યાવરણને બચાવવા તમે કાર, બાઈકને છોડી સાયકલ ચલાવી શકો છો. ચાલીને પણ નિકળી શકો. પરંતુ લાંબા અંતરે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફટાફટ પહોંચવા માટે વિમાનને છોડી નહીં શકો. પર્યાવરણ બચાવવા અન્યો ઘણાં વિકલ્પો વિચારી શકાય પરંતુ વિમાનની મુસાફરીનો વિકલ્પ મુશ્કેલ છે.

નિષ્ણાંતો જણાવે છે કે ઉડવાની હવે આપણને ટેવ પડી ચૂકી છે. એક શહેરમાંથી બીજા શહેરમાં જલ્દી પહોંચવા અને પરત ફરવામાં આપણને વિમાન સિવાય બીજું કંઈ સરળ લાગતું નથી. વર્ષ ૧૯૯પમાં વિમાનની ટિકિટનો જે ભાવ હતો તે ર૦૧૭ના એક અભ્યાસ મુજબ ૬૦ ટકા જેટલો ઘટી ગયો છે. વિમાન ભાડા સસ્તા બનવાથી દર વર્ષે મુસાફરોની સંખ્યામાં સરેરાશ પ ટકાનો વધારો થઈ રહયો છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશનના અહેવાલ મુજબ એક વર્ષમાં સરેરાશ ૪ અબજ વિમાન ટિકીટો વેંચાઈ રહી છે અને ર૦૩૬ સુધીમાં આ સંખ્યા બમણાંથી પણ વધુ ૭.૮ અબજ થઈ શકે છે. આગામી ર૦ વર્ષની સંભવિત સ્થિતી ઘ્યાને લઈએ તો પૃથ્વીની એક બહોળી વસતી વિમાનની મુસાફરી કરતી હશે. વિમાનો જેટલા વધુ ઉડશે તેનો સીધો અર્થ એ છે કે હવામાં કાર્બન ડાયોકસાઈડ અને નાઈટ્રોજન ઓકસાઈડનું પ્રદૂષણ વધશે. રોડ ટ્રાન્સપોર્ટેશનની જેમ સ્કાય ટ્રાન્સપોર્ટેશન વધતાં જમીનથી હવામાં અને હવાથી હવામાં પ્રદૂષણમાં વધારો થશે. એટલે ઈંધણનો ગ્રીન વિકલ્પ શોઘ્યા વિના છૂટકો નથી.  ગ્લોબલ વોર્મિંગ રોકવામાં સિવિલ એવિએશન સેકટર એક મોટો પડકાર બની રહયું છે. વૈશ્વિક સ્તરે હાલ જે સ્થિતી ઉડયન ક્ષેત્રે જોવા મળે છે તેનાથી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાને કડક પ્રોટોકોલ હેઠળ આવરી લેવાનો સમય આવી ગયો છે. વિમાન કંપનીઓ તેમાં કેટલો સાથ સહકાર આપશે તે પણ એક મોટો સવાલ છે.(૨૧.૨૮)

(4:01 pm IST)