Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરના બ્લાસ્ટમાં મૃતાંક વધી૧૪ થયો

હજુ પણ અનેક લોકો લાપત્તા હોવાના અહેવાલ : કાટમાળ હેઠળ મૃતકોની શોધખોળ હજુ યથાવતરીતે જારી

બ્યાવર, તા. ૧૮ : રાજસ્થાનના અજમેર જિલ્લાના બ્યાવર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટ મામલામાં મોતનો આંકડો વધીને હવે ૧૪ ઉપર પહોંચી ગયો છે. આ બનાવમાં હજુ પણ અનેક લોકો લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. તેમના મૃતદેહ કાટમાળ હેઠળથી મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યા છે. કાટમાળને દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. આ બનાવના સમાચાર સમગ્ર બ્યાવરમાં આગની જેમ ફેલાયા હતા. ઘાયલ થયેલા લોકોને રાજકીય અમૃતકોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી ગંભીર ઘાયલ લોકોને અન્યત્ર લઇ જવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના વિસ્તારોના મકાનની બારીઓ પણ તુટી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરતી વેળા આ બનાવ બન્યો હતો.

સેકન્ડોના ગાળામાં જ આગે વિનાશક સ્વરુપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક ત્રણ સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાના કારણે લગ્ન પ્રસંગ આઘાતમાં ફેરવાઈ જતાં અફડાતફડી મચી ગઈ હતી. બ્યાવરના જે વિસ્તારમાં આગ બ્લાસ્ટ થયો તે વિસ્તારમાં સાંકડી શેરીઓ આવેલી છે. બ્લાસ્ટના કારણે ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. આસપાસના વાહનોને પણ નુકસાન થયું હતું. કાટમાળ હેઠળ લોકો દબાઈ ગયા હતા. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આગમાં દાઝી ગયેલા લોકોને તરત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજસ્થાન સરકારે આ બનાવને લઇને દુખની લાગણી વ્યક્ત કરી છે.

(7:29 pm IST)