Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પીએનબી ફ્રોડ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

શેરબજારમાં નાણાં રોકવાને લઇને કારોબારીઓ સાવધાન : પીએનબી ફ્રોડ, વૈશ્વિક વેચવાલીની સ્થિતિ, ક્રૂડની કિંમતો, રૂપિયાની ચાલ, ફેડ રિઝર્વની બેઠક સહિતના વિવિધ પરિબળોની અસર બજાર પર રહી શકે

મુંબઈ, તા. ૧૮ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેસનમાં ઉતારચઢાવ જારી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૭ શેરબજાર માટે શાનદાર રહ્યા બાદ અને જાન્યુઆરી ૨૦૧૮ પણ જોરદાર રહ્યા બાદ એકાએક શેરબજારમાં સ્થિતી વણસી ગઇ હતી. વૈશ્વિકની સાથે સાથે સ્થાનિક પરિબળો વચ્ચે શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. જે પરિબળોના કારણે શેરબજારમાં મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ તેમાં પહેલા શેરબજારમાં લેવામાં આવેલા જુદા જુદા પગલા, ત્યારબાદ અમેરિકા સહિતના વૈશ્વિક બજારોમાં વેચવાલી અને છેલ્લે પીએનબી ફ્રોડના કારણે અફડાતફડી રહી છે. પીએનબી ફ્રોડની અસર હાલમાં રહી શકે છે. બેકિંગ શેર પર પ્રતિકુળ અસર રહી શકે છે. શુક્રવારના દિવસે કારોબારના અંતે અંતે સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૧૧ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૩ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૨ન નીચી સપાટી પર રહ્યો હતો.શેરબજારમાં હાલમાં ઓલટાઇમ હાઇ સપાટી પર સેંસેક્સ અને નિફ્ટી પહોંચ્યા બાદ ભારે કડાકો બોલાઇ ગયો છે. હાલમાં પાંચ ટકા સુધીનો ઘટાડો થયો છે. પીએનબી ફ્રોડનો ખુલાસો ગયા બુધવારના દિવસે થયા બાદથી અફડાતફડી રહી છે. ૧૧૪૦૦ કરોડનો મામલો હાલમાં સપાટી પર આવ્યો હતો. માર્કેટમાં આગામી સપ્તાહમાં ઉથલપાથલ રહી શકે છે. દલાલ સ્ટ્રીટમાં એફએન્ડઓ સેગ્મેન્ટની અસર જોવા મળી શકે છે.  સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ફુગાવો ૨.૮૪ ટકાની નીચી સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત થઇ છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી બાજુ શાકભાજીની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે.   સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.

તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. શેરબજારમાં નવા સપ્તાહમાં ક્રુડ ઓઇલની કિંમતો, રૂપિયાની ચાલ, યુએસ પેડરલની બેઠક, પીએનબી બેંક ફ્રોડ સહિતના પરિબળોની અસર રહેશે. 

(7:24 pm IST)