Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

શપથ સમારોહમાં જો બાઈડેન ઉપર હુમલાની FBIને શંકા

૨૦ જાન્યુઆરીએ બાઈડેન રાષ્ટપતિપદે શપથ લેશે : નેશનલ ગાર્ડના ૨૫ હજારથી પણ વધારે જવાનો તહેનાત

વોશિંગ્ટન, તા. ૧૮ : ૨૦ જાન્યુઆરી જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. પણ આ સમારોહ દરમિયાન ફરીથી હિંસા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એફબીઆઈને ડર છે કે અંદરનો જ કોઈ માણસ બાઈડેન પર હુમલો કરી શકે છે. સમારોહ દરમિયાન સુરક્ષામાં તહેનાત કોઈ જવાન અથવા અંદરનો કોઈ વ્યક્તિ હુમલો કરી શકે છે. જે બાદ એફબીઆઈ દ્વારા વોશિંગ્ટન આવી રહેલાં જવાનો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

કેપિટલમાં હિંસા બાદ શપથગ્રહણ સમારોહમાં પણ હિંસાની આશંકા વચ્ચે હજારો પોલીસકર્મીઓ અને સુરક્ષા એજન્સીઓની સાથે-સાથે નેશનલ ગાર્ડના ૨૫ હજારથી પણ વધારે જવાનોને સમારોહ માટે તહેનાત કરવામાં આવ્યા છે. પણ હવે આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, સુરક્ષામાં તહેનાત આ જવાનોમાંથી જ કોઈ જો બાઈડેન અને કમલા હેરિસ માટે મોટો ખતરો બની શકે છે. સૈન્ય મામલાના મંત્રી રેયાન મેકકાર્થીએ કહ્યું કે, અધિકારી સંભવિત ખતરાને લઈ સતર્ક છે અને તમામ કમાન્ડરને શપથ સમારોહ પહેલા તેમની રેક્નમાં કોઈપણ પ્રકારની સમસ્યા પર ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. જો કે તેઓએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી કોઈપણ પ્રકારના ખતરાના સંકેત મળ્યા નથી. મેકકાર્થીએ કહ્યું કે, તે સતત આ પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છે. અને અભિયાનમાં તહેનાત તમામ લોકો પર નજર રાખી રહ્યા છે.

અનેક અધિકારીઓએ જણાવ્યું કે, ડીસીમાં નેશનલ ગાર્ડની તહેનાતીનું કામ એક અઠવાડિયા પહેલાથી શરૂ કરવામાં આવ્યું હતું. અને બુધવાર સુધી પૂરુ થઈ જશે. મેકકાર્થીએ કહ્યું કે, અમને સાવધાન રહેવાની જરૂર છે.અને અભિયાન સાથે જોડાયેલ તમામ પુરષ અને મહિલાઓ પર ચાંપતી નજર રાખવા માટે અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ અગાઉ એફબીઆઈએ ૫૦ રાજ્યોના સંસદ ભવનોમાં હથિયારબંધ પ્રદર્શનની આશંકા વ્યક્ત કરી હતી.

(9:06 pm IST)