Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ખેડૂતોની ટ્રેકટર રેલી અંગે સુનાવણી ટળી : વધુ સુનાવણી ૨૦ જાન્‍યુઆરીએ

દિલ્‍હીમાં કોણ આવશે ? એ નક્કી કરવાનું કામ પોલીસનું : સુપ્રીમ

નવી દિલ્‍હી તા. ૧૮ : કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ની વચ્‍ચે હવે દરેક લોકોની નજર ૨૬મી જાન્‍યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર ટકેલી છે. ખેડૂતોએ આ દિવસે મોટી ટ્રેકટર રેલી કાઢવાની વાત કહી છે, જેનો દિલ્‍હી પોલીસએ વિરોધ કર્યો. હવે જયારે સોમવારના રોજ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ તો ચીફ જસ્‍ટિસે ટિપ્‍પણી કરી કે માર્ચ કે ધરણાની મંજૂરી આપવાનું કામ કોર્ટનું નહીં પોલીસનું છે.ᅠᅠ

ખેડૂતોએ એલાન કર્યું કે ગણતંત્ર દિવસના અવસર પર તેઓ દિલ્‍હીમાં ટ્રેકટર રેલી નીકાળશે. આ ટ્રેકટર રેલી દિલ્‍હીના રિંગ રોડ પર હશે. જો કે દિલ્‍હી પોલીસે તેનો વિરોધ કર્યો અને કાયદો વ્‍યવસ્‍થા બગડવાનો હવાલો આપ્‍યો. તેને લઇ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ. સોમવારે જયારે આ મુદ્દાની સુનવણી થઇ તો ચીફ જસ્‍ટિસ તરફથી આકરી કડક ટિપ્‍પણી કરાઇ. કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસને નિર્ણય કરવાનો છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે શહેરમાં કેટલાં લોકો, કેવી રીતે આવશે એ પોલીસ નક્કી કરશે.

ચીફ જસ્‍ટિસે કહ્યું કે શું હવે કોર્ટ કહેશે કે સરકારની પાસે પોલીસ એક્‍ટની અંતર્ગત શું શક્‍તિ છે. જો કે જયારે સોલિસિટર જનરલ તરફથી ગણતંત્ર દિવસનો હવાલો આપી કોર્ટના નિર્દેશની અપીલ કરી તો હવે તેના પર વિસ્‍તારથી બુધવારના રોજ સુનવણી કરાશે.

સુપ્રીમ કોર્ટ પહેલાં જ આ મુદ્દાની સુનવણી કરી રહ્યું છે. જયાં કોર્ટે એક કમિટીની રચના કરી છે, જે ખેડૂતો અને સરકારની વચ્‍ચે ચાલી રહેલા કૃષિ કાયદાને લઇ વિવાદને ઉકેલવાનું કામ કરશે. આ બધાની વચ્‍ચે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે, ખેડૂતો કમિટીનો બહિષ્‍કાર કરવાની વાત કહી છે.

(4:23 pm IST)