Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ચીનના ઇન્સ્ટન્ટ લોન એપે અનેક ભારતીયોને ખંખેર્યા : ૨૦૦ ટકા વ્યાજ વસુલ્યુ

લોન પરત મેળવવા ધમકી તો ઠીક મોબાઇલના ફોટાને મોર્ફ કરી અશ્લીલ સામગ્રી દ્વારા બ્લેકમેલીંગ

નવી દિલ્હી,તા. ૧૮: કોરોના કાળમાં ભારતીય બેન્કીંગ અને સાઇબર સુરક્ષામાં ચીનના અનેક ઇન્સ્ટન્ટ લોન એપે ભારતીય બજારમાં પોતાની પકડ બનાવી છે. વગર કોઇ ખાસ પુરાવા વિના ફટાફટ લોનના ચક્કરમાં લોકોને ૨૦૦ ટકા વ્યાજ પણ ચુકવવું પડી રહ્યુ છે. લોન નહીં ચુકવી શકનાર ઘણા લોકોએ આત્મહત્યા કરી દીધી છે.

ભારતની બેંકીગ પ્રણાલી અને સાઇબર સુરક્ષામાં સેંધ લગાડવામાં ચીનની આ એપ્સ બેસ્ટ કંપનીઓએ માર્ચ ૨૦૨૦ પછીનો સમય પસંદ કર્યો, કેમ કે આ સમયમાં મોટી સંખ્યામાં લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડેલ. ગુગલ ઉપર આવી એપની ભરમાર છે.

આરબીઆઇએ છેલ્લા છ મહિનાથી વધુ સમયથી એડવાઇઝરી જાહેર કર્યા બાદ ગુગલે તો એવી કેટલીક એપ હટાવી પણ સરકારી સ્તરે હાલ પણ કોઇ ઠોસ કાર્યવાહી નથી થઇ.

ડ્રેગન કંપનીઓની લોન દેવાની રીતો જોઇએ તો તેઓ લોન લેનગૂની શાખની પરવાહ કર્યા વિના જ લોન આપે છે. કોઇ ડીફોલ્ટર બને તો પણ તોતીંગ વ્યાજના કારણે કંપનીને નુકશાની નથી થતી. લોન માટે કોઇ ખાસ દસ્તાવેજ નહીં. કેવાયસી કે કોઇ કરાર નહીં. ૯૫ ટકા એવા લોકો આ એપનો શિકાર બને છે. જેને બીજેથી લોન નથી મળતી. બધી એપ યુઝરના ડાટા અને ખાનગી માહિતી સ્ટોર કરવા ચીની સર્વરનો ઉપયોગ કરેલ.

રીકવરી માટે ટેલીકોલીંગ તો ઠીક ત્યારબાદ ચેતવણી અને ધમકી ચીની એપની સામાન્ય થઇ ચુકી છે. કેટલાક કેસમાં એપ ડાઉનલોડ કરતી વખતે અલાઉ કરાયેલ ફોન એકસેસ દ્વારા મોબાઇલથી ફોટો લઇ તેની સાથે છેડછાડ કરી અશ્લીલ સામગ્રી તૈયાર કરી તેના દ્વારા બ્લેકમેલ પણ કરવામાં આવે છે. વ્યાજ પણ ૨૦૦ ટકા સુધી લેવામાં આવે છે.

ચીની ઇન્સ્ટન્ટ લોન એપની કનડગત

હૈદ્રાબાદના ભુમના પ્રસાદે ૩૫૦૦ રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન લીધી અને ચુકવી દીધી. ત્યારબાદ થોડા દિવસ પછી અન્ય ૧૪ એપ દ્વારા તેના ખાતામાં ૨૬ હજાર જમા થઇ ગયા. આ ૧૪ એપ તેણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ જ ન કરેલ. હવે લોન ચુકવવા ધમકી મળી રહી છે. હાલ આ રકમ ૪૪ હજારે પહોંચી છે.આંધ્રપ્રદેશના શિક્ષક સેલ્વા રાજને ઓનલાઇન એપ કંપનીના ડાયરેકટર બનાવી દીધા. સેલ્વારાજના પુત્ર મધુએ પિતાના ડોકયુમેન્ટનો દુર ઉપયોગ કરેલ કેમ કે મધુને ચીની મહિલાઓ યુઇ અને જેનિફરે દ્વારા હની ટ્રેપમાં ફસાવાયેલ.ચેન્નઇના વિદ્યાર્થી વિજય રાધવને ઓકટોબર -૨૦માં સ્નેથીટએપ ઇન્સ્ટોલ કરી જરૂર પડતા ૯૦ હજારની લોન લીધી. પણ ૮ લાખનું લેણ -દેણ એપે તેની પરવાનગી વગર કરી રકમ સાફ કરી નાખેલ, હાલ તે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યો છે.એકસપર્ટના જણાવ્યા મુજબ આ એપમાંથી ૮૫ ટકા એપ ઓક જ જેવા સોફટવેરનો ઉપયોગ કરે છે. આ એક વાઇટલેબલ એપ બનાવે છે. પછી કંપની તેના ઉપર પોતાનું બ્રાન્ડ નેમ લગાવી દે છે.આ રીતે ઇન્સ્ટન્ટ લોન આપી મનમાફક વસુલીનો ધંધો ફાયદાનો સોદો સાબીત થતો રહ્યો છે. ઘણા દેશોએ તેને પ્રતિબંધીત કર્યું છે. જેમાં બ્રિટન, આફ્રીકી દેશો, ચીન, ઇન્ડોનેશીયા સામેલ છે. જ્યારે કેટલાક દેશો પ્રતિબંધ લગાડવાની તૈયારીમાં છે.

(3:21 pm IST)