Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

આર્ટિકલ ૩૭૦, બાલાકોટ એર સ્ટ્રાઇક... અર્નબને દેશમાં શું થવાનું હતું તેના વિશે પહેલાથી જાણ હતી ?

મુંબઈ તા. ૧૮ : રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની કથિત ચેટ સામે આવ્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાછલા અઠવાડિયે નકલી ટીઆરપી કેસની ચાર્જશીટમાં કોર્ટમાં જમા કરી. આ કથિત ચેટ્સથી એ ખ્યાલ આવે છે કે અર્નબ પાસે બે વર્ષ પહેલા બાલાકોટમાં કરાયેલા હુમલાની જાણકારી અગાઉથી હતી. અર્નબના બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ CEO પાર્થ દાસગુપ્તા સાથે વાતચીતમાં કહ્યું હતું કે કંઈક મોટું થવાનું છે.

જયારે દાસગુપ્તાએ અર્નબને સવાલ કર્યો કે શું તેનો મતલબ દાઉદ સાથે છે, તો રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફએ BARCના પૂર્વ CEOને કહ્યું કે, '..ના સર, પાકિસ્તાન. આ વખતે આ સામાન્ય હુમલા કરતા મોટું હશે.' પછી દાસ ગુપ્તા તેના પર જવાબ આપે છે, સારું છે. આ વોટ્સએપ ચેટ ૨૦૧૯ના છે. તેમ નવભારત ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.

ત્રણ દિવસ પછી એટલે કે ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આંતકી કેમ્પ પર હુમલો કર્યો હતો. ઘણાં લોકોએ સોશિયલ મીડિયા પર આ વાત પર આશ્યર્ય વ્યકત કર્યું છે કે અંગત સૈન્ય કાર્યવાહીની અર્નબને આખરે કોણે માહિતી આપી? વિરોધીઓ આ લીક મામલે ઈન્કવાયરી કરવાની માંગ કરી રહી છે.

કેન્દ્ર સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯એ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ્દ કર્યો હતો. અર્નબ અને પાર્થ દાસગુપ્તાના વોટ્સએપથી સાફ સંકેત મળે છે કે અર્નબને આ વિશે પહેલાથી જ ખબર હતી. ૨ ઓગસ્ટ ૨૦૧૯એ દાસગુપ્તા ગોસ્વામીને ચેટ કરે છે કે 'શું આર્ટિકલ ૩૭૦ ખરેખર દૂર કરવામાં આવી રહ્યો છે?' જવાબમાં અર્નબ કહે છે કે આ સ્ટોરી અમારી છે.

૫ ઓગસ્ટ ૨૦૧૯એ અર્નબ એક ચેટમાં દાસગુપ્તાને કહે છે કે, '..રિપબ્લિક નેટવર્કે વર્ષની સૌથી મોટી સ્ટોરી બ્રેક કરી છે.' એક ચેટમાં અર્નબ એ પણ કહે છે કે 'અજીત ડોભાલ પણ જાણવા માગતા હતા કે તેમને ખબર કઈ રીતે મળી?'

૨૫ માર્ચ, ૨૦૧૯ની પણ એક ચેટ ઘણી ચર્ચામાં છે. તેનાથી ખ્યાલ આવે છે BARC ચીફ પાર્થ દાસગુપ્તાએ એકદમ અંગત કાગળ અર્નબને મોકલ્યો હતો અને કહ્યું હતું તેમણે નેશનલ બ્રોડકાસ્ટ એસોસિએશન (NBA)ને જામ કરી દીધું છે. રજત શર્મા NBAના અધ્યક્ષ છે.

દાસગુપ્તા કહે છે કે જયારે સમય મળે, તો પત્ર વાંચી લેજો. અર્નબ જવાબ આપે છે કે રજતની એન્ટ્રી નહીં થાય. દાસગુપ્તા એ ચેટમાં કહે છે કે કોઈને કહો કે રજત, NBA અને TRAI અમને હેરાન ના કરે.

કેટલીક ચેનલોએ TRAIથી BARCની કેટલીક મનમાનીઓને લઈને ફરિયાદ હતી. ૪ એપ્રિલ, ૨૦૧૯ની એક ચેટ વાંચીને એ સ્પષ્ટ થાય છે કે, દાસગુપ્તા તેને લઈને ઘણાં પરેશાન છે. તેઓ અર્નબને કહે છે કે શું તેઓ AS સાથે આ વિષયમાં વાત કરી શકે છે અને કહી શકે છે કે BARC સામે TRAI નરમાશ રાખે?

૪ એપ્રિલ, ૨૦૧૯ની એક અન્ય ચેટમાં દાસગુપ્તાને અર્નબ જણાવે છે કે BARCને સીધી રીતે ASની નજરમાં ના લાવી શકાય. અર્નબે તેની આગળની લાઈનમાં સ્પષ્ટ કર્યું છે કે ASનો મતલબ અહીં કોઈ મોટા રાજકીય નેતા સાથે થાય છે, અર્નબ આગળ કહે છે કે રાજકીય નેતાઓનો આ પ્રકારના મુદ્દાઓમાં હસ્તક્ષેપ એક રીતે હોય છે.

૭ જુલાઈ, ૨૦૧૭ની એક ચેટમાં પાર્થ દાસગુપ્તા અર્નબને જણાવે છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રિપબ્લિક ટીવી સામે એક ફરિયાદ આવી છે. જવાબમાં અર્નબ કહે છે કે, 'ફ્રી ટૂ એર ડિશ વિશે રાઠોડે મને જણાવ્યું અને કહ્યું કે આ ફરિયાદને હાશિયામાં ધકેલી દેવાઈ છે.'

અર્નબ ગોસ્વામી અને BARCના પૂર્વ સીઈઓ પાર્થ દાસગુપ્તાની મીડિયા સામે ઘણી કથિત વોટ્સએપ ચેટ આવ્યા બાદ ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. આ ચેટ્સની માહિતી આશ્ચર્ય ઉભું કરનારી છે. તેમાં ઘણાનું માનવું છે કે બાલાકોટ એરસ્ટ્રાઈકના ત્રણ દિવસ પહેલા જ અર્નબને તેના વિશે માહિતી મળી ગઈ હતી.

વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમાં AS કોણ છે? આર્ટિકલ ૩૭૦ વિશે અર્નબને કઈ રીતે ખબર પડી? દેશની સુરક્ષા સાથે જોડાયેલી માહિતી અર્નબ પાસે કઈ રીતે પહોંચી? સરકારમાં એવું કોણ છે જેણે અર્નબ સાથે માહિતી શેર કરી? વડાપ્રધાન કાર્યાલયમાં અર્નબની પહોંચ કેટલી છે અને તેનાથી બિઝનેસમાં કેટલો ફાયદો થયો છે?

(1:33 pm IST)