Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

૧ કરોડની લાંચ લેતા રેલ્વે એન્જીનીયર રંગેહાથ ઝડપાયાઃ સીબીઆઈના ૨૧ ઠેકાણે દરોડા

નવી દિલ્હી, તા. ૧૮ :. રેલ્વેના ઉચ્ચ અધિકારી અને બે અન્ય લોકોને ૧ કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ઝડપી લેવાયા છે. આ અનુસંધાને ૫ રાજ્યોના ૨૧ ઠેકાણા પર સીબીઆઈએ દરોડા પાડયા છે.

કેન્દ્રીય જાંચ બ્યુરો (સીબીઆઈ)ના અધિકારીઓએ જણાવ્યુ કે ૧૯૮૫ બેચના આઈઆરઈએસ અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણા (ઉ.વ.૫૮)ને ખાનગી કંપની પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાયા છે. લાંચની રકમ અને આ સાથે જોડાયેલા દસ્તાવેજો કબ્જે કરી લેવાયા છે. ચૌહાણ ઉપર પૂર્વોત્તર ફ્રન્ટીયર રેલ્વેની યોજનાઓના ટેન્ડર દેવડાવવામાં મદદ કરવાનો આરોપ છે. ચૌહાણ આસામના માલીગાવ સ્થિત એનએફઆર મુખ્યાલયમાં ફરજ બજાવી રહ્યા છે. સીબીઆઈએ દિલ્હી, આસામ, ઉત્તરાખંડ સહિતના અન્ય ઠેકાણા પર દરોડા પાડયા છે.

સીબીઆઈએ રેલ્વેના ઉપમુખ્ય એન્જીનીયર હેમચંદ વોરા, સહાયક કાર્યકારી અભિયંતા લક્ષ્મીકાંત વર્મા અને કંપનીના ડાયરેકટર પવન વૈદ્ય વિરૂદ્ધ પણ કેસ નોંધ્યો છે. મહેન્દ્ર ચૌહાણને આસામના માલીગાવ સ્થિત એનએફઆર મુખ્યાલયમાંથી જ્યારે અન્ય ભૂપેન્દ્ર રાવત અને ઈન્દ્રસિંહને દેહરાદુનથી ઝડપી લેવાયા છે. આ બન્ને એબીસીઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે કામ કરે છે.

(1:32 pm IST)