Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

નાની પરેડ... ઓછા મહેમાન... આવો હશે ગણતંત્ર દિવસનો નજારો

કોરોનાના કારણે અલગ હશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

નવી દિલ્હી તા. ૧૮ : કોરોનાના કારણે આ વખતે ગણતંત્ર દિવસનો નજારો અલગ જ જોવા મળશે. રાજપથ પર વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડમાં કોરોના મહામારી અને ચાલી રહેલા ખેડૂત વિરોધના કારણે દર્શકો અને પ્રદર્શનીઓની સંખ્યામાં ઘટાડો થશે. ગણતંત્ર દિવસની તૈયારીઓમાં લાગેલ એક અધિકારીએ કહ્યું કે, દર વર્ષે ૧ લાખથી વધુ લોકોની સંખ્યામાં આ વખતે અંદાજે ૨૫ હજાર લોકોને રાજપથ પર પરેડ જોવાની મંજુરી મળશે. તેઓએ કહ્યું કે, સામાન્ય પ્રજાથી ફકત ૪ હજાર લોકોને જ મંજુરી આપવામાં આવશે. બાકીના દર્શકો વીવીઆઇપી અને વીઆઇપી મહેમાન હશે.

ગણતંત્ર દિવસ પરેડ જોવા માટે દર્શકો માટે પાસ અથવા ઇન્ડિયા ગેટ લોનમાં આવેલા ખુલ્લા સ્ટેન્ડીંગ વિસ્તારમાં આ વખતે કોઇને પણ આવવાની મંજુરી આપવામાં આવશે નહિ. જ્યાં ભવ્ય પરેડ જોવા માટે દર વર્ષે હજારો લોકો ભેગા થાય છે. અધિકારીઓએ કહ્યું કે, ફકત ૧૫ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછા વય ધરાવતા લોકોને જ પરેડ જોવાની મંજુરી મળશે.

દિલ્હી પોલીસના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સોશ્યલ ડિસ્ટન્સીંગને સુનિશ્ચિત કરવા માટે ખુરશીઓને બદલી દેવામાં આવી છે. કોરોનાની મહામારી જોઇને નવા માપદંડ નિર્ધારીત કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ત્રણ રક્ષા બળો અને શસ્ત્ર પ્રણાલિઓ અને અર્ધસૈનિકબળોના સમુહોને માર્ચ કરતી મુખ્ય પરેડ લાલ કિસ્સા સુધી પહોંચવાની જગ્યાએ ઇન્ડિયા ગેટ પર જ સમાપ્ત થઇ જશે. જો કે ઝાંખીને લાલ કિલ્લાના મેદાન સુધી જવાની મંજુરી આપવામાં આવશે. ગણતંત્ર દિવસના દિવસે નવી દિલ્હી જિલ્લાને સીલ કરી દેવામાં આવશે અને નવી દિલ્હી જિલ્લાની પરિધિ પર પ્રવેશ ટિકિટ અથવા પાસની તપાસ કરાશે. પરેડ જોનાર દરેક વ્યકિતએ ઓળખપત્રની સાથે તેમની ટિકિટ અથવા પાસ જોવા પડશે.

એટલું જ નહી ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થતી સશસ્ત્ર બળો અને અર્ધસૈનિક બળોની ટુકડીઓનું કદ નાનુ હશે. અધિકારીએ કહ્યું કે, દરેક એન્ટ્રીપોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા હશે અને સાથે જ ડોકટર અને હેલ્થ વર્કર પણ હશે. સેનેટાઇઝર ફેસ માસ્ક અને ગ્લોવ્સની પણ વ્યવસ્થા હશે.

(11:56 am IST)