Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અહંકાર ચોર છે

એક હતા રાજા. રાજાનું વિશાળ રાજ્‍ય હતું. રાજા ભલા, પ્રજા વત્‍સલ, સમર્થ અને ડાહ્યા હતા. રાજ્‍યની પ્રજા સમૃધ્‍ધ અને સુખી હતી. રાજ્‍યમાં માગ્‍યા મેઘ વરસતા અને ઘી-દૂધની નદીઓ વહેતી હતી.

સર્વ વાતે સુખ છતાં રાજ્‍યમાં એક દુઃખ હતું, એક વિટંબણા હતી. આ રાજ્‍યમાં એક ચોક હતો. આ ચોર અઠંગ ચોર હતો. ખૂબ મોટી ચોરી કરે, અનેક ચોરી કરે અને પકડાય નહિ. રાજાના મહેલમાં ચોરી કરે, રાજ્‍યના ખજાનામાં ચોરી કરે, મહાઅમાત્‍યના ઘરમાં પણ ચોરી કરે, પુરોહિતના ઘરમાં પણ ચોરી કરે અને રાજ્‍યના મોટા ધનપતિઓના વિશાળ ભવનમાં પણ ચોરી કરે. ચોર એવો અઠંગ અને ચતુર કે આવી અને આટલી ચોરી કરે, તો પણ પકડાય નહિ ! સમગ્ર રાજ્‍યમાં હાહાકાર મચી ગયો.

રાજ્‍યના આગેવાન નાગરિકોની એક મંડળી રાજા પાસે આવી અને તેમણે રાજાને પ્રાર્થના કરી.

‘મહારાજ ! આપ આવા સમર્થ પુરૂષ છો અને છતાં પ્રજા એક ચોરના ત્રાસથી ત્રાસી ગઇ છે. સમગ્ર પ્રજાવતી અમારી આપને પ્રાર્થના છે કે અમને સૌને, આપની પ્રજાને આપ આ ચોરના ત્રાસથી મુક્‍ત કરો. સમગ્ર પ્રજાની ભાવના અમે આપ સુધી પહોંચાડીએ છીએ.'

રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા અને પછી તેઓ પ્રજાના આગેવાનોને ઉત્તર આપે છે...

‘આપની વાત સત્‍ય છે. પ્રજાનું રક્ષણ, તે રજાનો પ્રથમ અને પરમ ધર્મ છે. આ ચોરના ત્રાસથી પ્રજાને મુક્‍ત કરવાનું મારૂં કર્તવ્‍ય છે અને આપ સૌ નિંિત રહો. હું સમગ્ર પ્રજાને આ અઠંગ ચોરના ત્રાસથી અવશ્‍ય મુક્‍ત કરીશ.'

બીજે જ દિવસે રાજાએ ઢંઢેરો પિટાવ્‍યો, ‘જે કોઇ વ્‍યકિત આ ચોરને પકડી દેશે, તેને રાજા અડધું રાજ્‍ય ઇનામમાં આપશે. એટલું જ નહિ પરંતુ તેની ચોર પકડવાની કાર્યવાહી દરમિયાન તેને સમગ્ર પોલિસ દળનો વડો બનાવવામાં આવશે. સમગ્ર પોલિસ દળ તેના અંકુશમાં રહેશે અને તેના આદેશ પ્રમાણે કામ કરશે.' આ ઢંઢેરાની સમગ્ર રાજ્‍યમાં જાહેરાત થઇ.

ચોરને પકડવાની જવાબદારી સ્‍વીકારવા માટે અરજીઓ માગવામાં આવી. તેના પ્રતિભાવરૂપે અનેક અરજીઓ આવી. અડધું રાજ્‍ય ઇનામમાં મળશે અને સૌથી પહેલા તો પોલિસ દળના વડા પણ બનશે. ચોરને પકડવાનું આ વળતર ઘણું મોટું છે. આટલા મોટા વળતરની લાલચે અનેક માનવોએ અરજી કરી.

હવે જેને પકડવા માટે આ બધી કાર્યવાહી થઇ રહી છે, તે ચોરે પણ અરજી કરી. બધી અરજી પર વિચાર થયો અને બન્‍યું એવું કે તે ચોરની અરજી મંજુર થઇ. આનો અર્થ એમ થયો કે જે ચોરને પકડવાનો હતો તે ચોર જ તે ચોરને પકડવા માટે પોલિસદળનો વડો બની ગયો. કહો, હવે તે ચોર પકડાય કેવી રીતે ? ચોર જ પોલિસવડા બને તો તે ચોરને કોણ પકડી શકે ? કેવી રીતે પકડી શકે ?

ચોરે પોલિસવડાનો યુનિફોર્મ ધારણ કર્યો. દરરોજ સવારે રાજાને સલામ કરવા માટે જાય છે. આખો દિવસ ચોરને પકડવા માટેની પેરવી કરતો હોય તેવું નાટક કરે છે. રાત્રે જે વિસ્‍તારમાં ચોરી કરવા જવું હોય તે વિસ્‍તારમાં કોઇ પોલિસને મૂકે નહિ. બાકીના વિસ્‍તારમાં પોલિસ ગોઠવી દે છે. રાત્રે પોલિસવડાનો યુનિફોર્મ ઉતારીને ચોરી માટે આવશ્‍યક અને ઉપયોગી કપડા પહેરી લે છે. તે વિસ્‍તારમાં બેધડક ચોરી કરે છે. હવે કહો - આ ચોરને પકડવો કેવી રીતે ? આ ચોર પકડાય કેવી રીતે ? ઉપાય શો ?

ઉપાય એક જ છે...

ચોરને પોલિસવડા બનાવવાને બદલે રાજા પોતે જ પોલિસવડા બને તો અને તો જ આ ચોરને પકડી શકાય. આ સિવાય ચોરને પકડવાનો અન્‍ય કોઇ ઉપાય નથી.

આપણા જીવનમાં અહંકારરૂપી ચોર છે. આ ચોર જ આપણા જીવનનો સંચાલક અર્થાત પોલિસવડો બની બેઠો છે. આ ચોરને પકડવો કેવી રીતે ? રાજા એટલે આત્‍મા ! જીવનનું સંચાલન અહંકારને બદલે આત્‍મા સંભાળી લે તો જ આ અહંકારરૂપી ચોરના ત્રાસમાંથી મુકિત મળી શકે.

આત્‍મરાજ ! અહંકારરૂપી ચોરના હાથમાં જીવનનું સંચાલન સોંપવાને બદલે તમે જ જીવનનું સંચાલન સંભાળી લો.

 

: આલેખન :

ભાણદેવ

સરસ્‍વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(11:44 am IST)