Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ તેમજ ઈન્ટરનેટ સર્વિસ શરૂ

૧૦ જિલ્લાઓમાં ટુજી ઇન્ટરનેટની સેવા શરૂ : ૩૬ કેન્દ્રિય પ્રધાનો કાશ્મીરમાં વિકાસ સંબંધિત કામગીરી અંગે માહિતી ફેલાવશે : જમ્મુ કાશ્મીરને ઉચ્ચ પ્રાથમિકતા

શ્રીનગર, તા. ૧૮ : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ લાગુ કરવામાં આવેલા પ્રતિબંધ હવે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થતા હવે પ્રીપેડ સિમ કાર્ડ પર વોઈસ અને એસએમએસ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે. મોબાઈલ સેવા શરૂ થતા સામાન્ય લોકોને મોટી રાહત થઈ છે. દસ જિલ્લાઓમાં ટુજી ઈન્ટરનેટ સેવા પણ ફરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ૩૬ કેન્દ્રિય મંત્રી જમ્મુ કાશ્મીરમાં વિકાસ સંબંધિત કામોને લઈને જાગરુકતા જગાવવા માટે જનાર છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય સેક્ટરી રોહિત કંસલે માહિતી આપતા કહ્યું છે કે, ઉંડાણપૂર્વક સમિક્ષા કરવામાં આવ્યા બાદ આદેશ અપાયો છે કે, જમ્મુ કાશ્મીરમાં તમામ સ્થાનિક પ્રીપેડ સીમ કાર્ડ પર વોઈસ અને એસએમએસ સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે.

                 આની સાથે સાથે જમ્મુના તમામ ૧૦ જિલ્લાઓમાં પોસ્ટ પેડ પર ઇન્ટરનેટ સેવા પણ ફરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હાલમાં બડગાઉ, બારામુલ્લા, શ્રીનગર, કુલગામ, અનંતનાગ અને પુલવામામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. આની સાથે સાથે શનિવારથી ગુરુવારની વચ્ચે ૩૬ કેન્દ્રિય મંત્રી જમ્મુ કાશ્મીર જશે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ માહિતી આપતા કહ્યું છે કે, ૩૭૦ કલમને દુર કરવામાં આવ્યા બાદ લોકોની વચ્ચે તમામ જરૂરી બાબતો પહોંચાડવા જુદા જુદા આયોજન થઈ રહ્યા છે. રેડ્ડીએ કહ્યું છે કે, કાશ્મીરની સ્કુલો, કોલેજો અને હોસ્પિટલમાં જઈને જુદી જુદી માહિતી એકત્રિત કરવામાં આવશે અને લોકોને માહિતી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને લઈને ખુબ ગંભીર બનેલી છે. વિકાસ કામોને ઝડપી બનાવવા માટે પણ સંપૂર્ણ પણે તૈયાર છે. ટુજી ઇન્ટરનેટ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય લોકોને મોબાઈલ પર વાત કરવાની હવે તક મળી છે.

(7:50 pm IST)