Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

બેહમઈ હત્યાકાંડ ફૂલનદેવીએ ૩૫ સાથીઓની સાથે ૨૬ લોકો પર ગોળીઓ વરસાવેલઃ ૩૯ વર્ષ બાદ આજે ચુકાદાની શકયતા

બેહમઈ કાંડમાં ૬ જાન્યુઆરીએ ચુકાદો આવવાનો હતો, જોકે આરોપીઓના વકીલે દલીલ માટે અરજી દાખલ કરી હતી

કાનપુરઃ કાનપુરના બેહમઈ ગામમાં ૩૯ વર્ષ પહેલા થયેલા હત્યાકાંડમાં સેશન કોર્ટ આજે શનિવારે ચુકાદો આપે તેવી શકયતા છે. અગાઉ આ કેસમાં ૬ જાન્યુઆરીએ ચુકાદો આવવાનો હતો. જોકે ત્યારે બચાવ પક્ષે દલીલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. બાદમાં કોર્ટે ચુકાદાની તારીખ ૧૮ જાન્યુઆરી નક્કી કરી હતી અને દલીલ કરવા માટે વકીલોને ૧૬ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.

૧૪ ફેબ્રુઆરી ૧૯૮૧એ ફૂલને તેના ૩૫ સાથીઓને સાથે લઈને બેહમઈના ૨૬ લોકો પર ૫ મિનટમાં દ્યણી ગોળીઓ વરસાવી હતી. તેમાંથી ૨૦ના મોત થયા હતા. ફૂલન જ મુખ્ય આરોપી હતી. જોકે મોત બાદ તેનું નામ હટાવવામાં આવ્યું હતું. બાદમાં ૫ આરોપીઓ શ્યામ બાબૂ, ભીખા, વિશ્વનાથ, પોશા અને રામ સિંહ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાંથી રામ સિંહનું ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જેલમાં મોત થયું હતું. પોશા જેલમાં છે. ત્રણે આરોપીઓ જામીન પર છે.

 બેહમઈ હત્યાકાંડની મુખ્ય આરોપી ફૂલન દેવી હતી. તેણે ૧૯૮૩માં મધ્યપ્રદેશમાં સરન્ડર કર્યું હતું. ૧૯૯૩માં ફૂલન જેલની બહાર આવી. બાદમાં મિર્ઝાપુર લોકસભા સીટ પરથી તે બે વખત સપાની ટિકિટ પર સાંસદ બની હતી. ૨૦૦૧માં શેર સિંહ રાણાએ ફૂલનની દિલ્હીમાં હત્યા કરી હતી. બાદમાં ફૂલનનું નામ કેસમાંથી હટાવવામાં આવ્યું.

(3:46 pm IST)