Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

હિમાચલના કુલુ જિલ્લાના 9 ગામડા 42 દિવસ સાઇલન્ટ મોડમાં રહેશે :રેડીઓ,ટીવી અને મોબાઈલ બંધ રાખશે : કરશે ઉપસના

દેવી-દેવતા ઉત્તરાયણ પછી ૪૨ દિવસ માટે હિમાલય છોડીને સ્વર્ગમાં અન્ય દેવતાઓને મળવા જતા હોય ખલેલ નહિ પહોંચાડે

મંડી: હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના ૯ ગામડાં ૪૨ દિવસ સુધી સાઇલન્ટ મોડમાં રહેશે  રેડિયો, ટીવી, મોબાઈલ સહિતના મનોરંજનના સાધનો બંધ રાખીને આ બધા જ ગામડાં દેવી-દેવતાની ઉપાસના કરશે. મકરસંક્રાંતિ પછી દર વર્ષે આ પરંપરા નિભાવવામાં આવે છે.

 કુલુ જિલ્લાના ૯ ગામ - ગોશાલ, સોલંગ, શનાગ, કોઠી, પલ્ચન, રુઆર, કુલંગ, મઝાચ અને બુરુઆના લોકો સ્વયંભૂ રીતે સાઈલન્ટ મોડમાં જતા રહ્યા છે. રેડિયો, ટીવી સહિતના મનોરંજનના સાધનો બંધ રાખીને ગામવાસીઓ ઉપાસના કરશે.

 આ પરંપરાગત ટ્રેનિશન પાછળ ગામલોકોની એક અનોખી માન્યતા જવાબદાર છે. ગામલોકો માને છે કે સ્થાનિક દેવી-દેવતા ઉત્તરાયણ પછી ૪૨ દિવસ માટે હિમાલય છોડીને સ્વર્ગમાં અન્ય દેવતાઓને મળવા જાય છે. પૃથ્વીના ઘોંઘાટથી તેમને સ્વર્ગમાં પરેશાની ન થાય તે માટે આ પરંપરા નિભાવવામાં આવે છે.

 આ ૪૨ દિવસ દરમિયાન ગામલોકો રેડિયો-ટેલિવિઝન-મોબાઈલ વગેરેમાંથી મનોરંજન મેળવવાને બદલે સફરજનની ખેતીમાં ધ્યાન આપે છે. જેમને વાવેતર કરવાનું હોય છે, એ વાવેતર કરે છે. રસપ્રદ બાબત એ છે કે આ લોકો શાંતિથી ઉપાસના કરે છે, પરંતુ મંદિરોમાં ૪૨ દિવસ સુધી પૂજા થતી નથી. તેમની માન્યતા છે કે મંદિરોમાં ભગવાનની હાજરી ન હોવાથી ત્યાં પૂજા કરવી ન જોઈએ, પરંતુ તેમના પાછા આવવાની પ્રાર્થના કરવી જોઈએ.

 આ ગામવાસીઓ તેમને ગૌતમ ઋષિના વારસાદારો ગણાવે છે. ઋષિ ગૌતમનો ઉલ્લેખ છેક ઋગ્વેદમાં પણ મળે છે. ઈન્દ્રએ તેમની પત્ની અહલ્યાને ગૌતમનું રૂપ લઈને છેતરી હતી અને તે પછી ગૌતમ ઋષિએ અહલ્યાને શિલા થઈ જવાનો શ્રાપ આપ્યો હતો. ભગવાન રામના પાવન ચરણોના સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો એવી કથા રામાયણમાં છે.

(1:09 pm IST)