Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યોઃ શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ પાથરીને સાંઈબાબાની જન્મભૂમિ ગણાવતાં શિરડીમાં વિરોધના સૂર

શિરડી, તા.૧૮: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે તરફથી સાંઇબાબાના જન્મને લઈ આપવામાં આવેલું નિવેદન હવે વિવાદોમાં દ્યેરાયું છે. ઉદ્ઘવ ઠાકરેના નિવેદનથી નારાજ લોકોએ રવિવારથી શિરડીને અનિશ્યિતકાળ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પાથરીને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવ્યું હતું. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું હતું કે, પાથરીને સાંઈની જન્મભૂમિ તરીકે વિકસિત કરવામાં આવશે અને તેના માટે ૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, શિરડી સાંઈબાબાની કર્મભૂમિ હતી અને પાથરી જન્મભૂમિ. ઉદ્ઘવ ઠાકરેના આ નિવેદન બાદથી લોકોમાં ઘણો ગુસ્સો છે.

શિરડીના નિવાસીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેના નિવેદન પર વાંધો ઉઠાવતાં કહ્યું છે કે સાંઈબાબાએ પોતાના સમગ્ર જીવનકાળમાં પોતાના જન્મસ્થળનો ઉલ્લેખ કયારેય કર્યો નહોતો. તેઓ હંમેશાથી તમામ ધર્મોને માનનારા અને પોતાના જાતિ પરવરદિગાર ગણાવતા હતા. ઉદ્ઘવ ઠાકરેના નિવેદનથી નારાજ બીજેપી સાંસદ સુજય વિખે પાટિલે કાયદાકિય લડાઈની ચેતવણી આપતાં ૧૯ જાન્યુઆરીથી શિરડી બંધનું આહ્વાન આપ્યું છે.

ઉદ્ઘવ ઠાકરેના નિવેદન બાદ વધેલા વિવાદને જોતાં સાંઈબાબા સનાતન ટ્રસ્ટના સભ્ય ભાઉસાહબ વાખુરેએ જણાવ્યું કે, સાંઈબાબાના જન્મસ્થળને લઈ જે પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેની વિરુદ્ઘ અમે શિરડી અનિશ્યિતકાળ માટે બંધ કરવાનું આહ્વાન આપ્યું છે. શનિવારે ગામમાં આ મુદ્દે એક બેઠક પણ મળશે. ટ્રસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બંધની અસર મંદિરમાં દર્શન કરનારા ભકતો પર નહીં પડે. ટ્રસ્ટનો પ્રયાસ રહેશે કે આ દરમિયાન શ્રદ્ઘાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પ્રસાદાલય અને ધર્મશાળાનું કામ રાબેતા મુજબ જ ચાલુ રહેશે.

કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે, સાંઈબાબાની જન્મભૂમિ વિવાદના કારણે શ્રદ્ઘાળુઓની સુવિધાઓને નજરઅંદાજ ન કરી શકાય. શિરડીમાં દર વર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. બીજી તરફ, એનસીપી નેતા દુર્રાની અબ્દુલ્લાહ ખાને પણ દાવો કર્યો છે કે એ વાતના પૂરતા પુરાવા છે કે સાંઈબાબાની જન્મભૂમિ પાથરી છે. તેઓએ કહ્યું કે, શિરડી સાંઈબાબાની કર્મભૂમિ હતી, તો પાથરી જન્મભૂમિ હતી.

વિવાદનું મૂળ કારણ શું છે?

આ વિવાદ ત્યારે શરૂ થયો જયારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ પોતાના ભાષણમાં સાંઈબાબાની જન્મભૂમિનું નામ પાથરી ગણાવ્યું. પાથરી શિરડીથી ૨૭૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પરભણી જિલ્લામાં આવેલા પાથરીના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરતાં તેને સાંઈની જન્મભૂમિ કહી હતી.

(11:40 am IST)