Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનો ધડાકો

રાહુલ ગાંધીને ચૂંટીને કેરળની પ્રજાએ મોટી ભુલ કરીઃ મોદી સામે તેમનું ભવિષ્ય શુન્ય

નવી દિલ્હી, તા.૧૮: ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીને ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. ગુહાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સામે રાહુલ ગાંધીનું કોઇ ભવિષ્ય નથી.

કેરળના સાહિત્ય મહોત્સવના બીજા દિવસે 'રાષ્ટ્ર ભકિત બનામ અંધરાષ્ટ્રીયતા' વિષય પર રામચંદ્ર ગુહાએ કહ્યું કે 'ખાનદાનની પાંચમી પેઢી' રાહુલ ગાંધી પાસે ભારતીય રાજકારણમાં 'કઠોર પરિશ્રમ અને પોતા જાતે પોતાનું સ્થાન બનાવનાર' નરેન્દ્રભાઇ મોદી સામે કોઇ તક નથી.

જો કે રામચંદ્ર ગુહાએ કહ્યું કે જો કે હું રાહુલ ગાંધી વિરુદ્ઘ નથી. તેઓ શાંત અને સરળ સ્વભાવના છે પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને સ્વીકારતી નથી. જો તમે મલયાલી લોકો ૨૦૨૪માં બીજી વખત રાહુલ ગાંધીને જીતાડવાની ભૂલ કરશો તે કદાચ નરેન્દ્રભાઇ મોદીને જ એક તરફથી મદદ કરશો.

રામચંદ્ર ગુહાએ કહ્યું કે નરેન્દ્રભાઇ મોદીએ ૧૫ વર્ષ સુધી સતત એક રાજયની સત્તા સંભાળી છે. તેમને રાજકીય-પ્રશાસનનો અનુભવ છે. મોદી ખૂબ મહેનતું છે, તેઓ કયારેય યૂરોપમાં રજા ગાળવા જતા નથી. આ બધુ હું ઘણુ ગંભીરતાથી બોલી રહ્યું છું.

ગુહાએ કહ્યું કે જો કેરળના લોકો બીજી વખત રાહુલ ગાંધીને જીતાડશે તો નરેન્દ્રભાઇ મોદીને ફાયદો પહોંચાડશે કારણ કે નરેન્દ્રભાઇ મોદીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી.

(11:38 am IST)