Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશેઃ અમદાવાદમાં 'હાઉડી મોદી' જેવો કાર્યક્રમ

અમેરિકાના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત ૩ દિવસની રહેશેઃ તારીખો અને કાર્યક્રમોને લઈને બન્ને દેશો વચ્ચે મંત્રણાઓનો ધમધમાટઃ હયુસ્ટનમાં સફળ 'હાઉડી મોદી'ની જેમ અમદાવાદમાં 'હાઉડી ટ્રમ્પ' કાર્યક્રમ યોજવા વિચારણાઃ મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીઓ પણ આવશેઃ અમેરિકામાં ગુજરાતીઓની વધુ સંખ્યા હોય આ કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હી, તા. ૧૮ :. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનામાં ભારતની મુલાકાતે આવી શકે છે. જે રીતે અમેરિકાના હયુસ્ટનમાં પીએમ મોદી માટે 'હાઉડી મોદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ તે જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવા જ એક કાર્યક્રમની યોજના પર કામ ચાલી રહ્યુ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં હયુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની જેમ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની યાત્રા દરમિયાન 'હાઉડી ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આ માટે બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એજન્ડા પર કામ ચાલી રહ્યુ છે. આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ આવતા મહિને ભારત આવી રહ્યા છે. જો કે તારીખો નક્કી થઈ નથી, પરંતુ તેને લઈને બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે. એવુ માનવામાં આવે છે કે ટ્રમ્પ ૩ દિવસની ભારતની મુલાકાતે આવી શકે છે. જે દરમિયાન તેઓ દિલ્હી ઉપરાંત એક અન્ય શહેરની મુલાકાત પણ લેશે. હાઉડી ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજવાની તૈયારી થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ શકે છે. આ કાર્યક્રમમાં મોદી પણ ભાગ લ્યે તેવી શકયતા છે.

સૂત્રોનું માનીએ તો ગુજરાતી મૂળના અમેરિકીઓ પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામેલ થાય તેવી શકયતા છે. માનવામાં આવે છે કે અમેરિકામાં યોજાનારી ચૂંટણીને જોતા ટ્રમ્પ માટે તેમની ટીમ આ યોજના પર કામ કરી રહી છે. આનુ કારણ એ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે. એટલે જ ટ્રમ્પ માટે હાઉડી મોદી જેવા કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે અમેરિકા અને બ્રિટનમાં ભારતીય પ્રવાસી એક મહત્વની વોટ બેન્ક છે.

એવી આશા રાખવામાં આવે છે કે ટ્રમ્પ અને મોદી ટૂંકાગાળાના વ્યાપારી સોદા પર હસ્તાક્ષર કરશે જે અમેરિકી કંપનીઓને ભારતીય બજારો સુધી વધુ પહોંચ પ્રદાન કરશે અને ગયા વર્ષે પરત લેવામાં આવેલ ભારતના વ્યાપારી લાભો પણ બહાલ થઈ શકે છે. એક લાંબાગાળાના વ્યાપારી સમજુતી પર પણ ચર્ચા થશે. જેમા એક મુકત વ્યાપાર સમજુતી સામેલ હશે.

(10:56 am IST)