Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

૨૦ જાન્યુઆરીએ ભાજપના અધ્યક્ષ બની શકે છે જેપી નડ્ડા, જરૂર પડી તો ૨૧ના ચૂંટણી

જેપી નડ્ડા વિદ્યાર્થી રાજનીતિના સમયમાં એબીવીપીમાં જોડાયા અને સંગઠનોના વિભિન્ન પદ પર રહેતા પ્રથમવાર ૧૯૯૩માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ તેઓ રાજય અને કેન્દ્રમાં મંત્રી રહ્યાં છે

નવી દિલ્હી, તા.૧૮: જેપી નડ્ડા ૨૦ જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યત્ર બનવા જઈ રહ્યાં છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા ૨૦ જાન્યુઆરીએ થશે. જો જરૂર પડશે તો ચૂંટણી ૨૧ જાન્યુઆરીએ યોજાશે. સૂત્રો પ્રમાણે, નડ્ડા નિર્વિરોધ ચૂંટાશે.

જગત પ્રકાશ નડ્ડાને જૂન ૨૦૧૯માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નડ્ડાનું પાર્ટીના ૧૧માં અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અત્યારે ગૃહપ્રધાન અમિત શાહની પાસે પાર્ટીના અધ્યક્ષની જવાબદારી છે. શાહે કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ પાર્ટીની ગતિવિધિઓને સંભાળવા માટે નડ્ડાને પોતાના સહયોગી બનાવ્યા હતા.

જેપી નડ્ડા વિદ્યાર્થી રાજનીતિના સમયમાં એબીવીપીમાં જોડાયા અને સંગઠનોના વિભિન્ન પદ પર રહેતા પ્રથમવાર ૧૯૯૩માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ રાજય અને કેન્દ્રમાં મંત્રી રહ્યાં છે. ૫૮ વર્ષીય નડ્ડાને લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી, જયાં ચૂંટણીમાં એસપી-બીએસપી ગઠબંધન બાદ પણ ૮૦માંથી ભાજપે ૬૨ સીટો જીતી હતી. ત્રણ વખત ધારાસભ્ય રહેલા નડ્ડા રાજયસભામાં હિમાચલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે.(૨૩.૩)

 

(10:13 am IST)