Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ગાઝીપુર સિવાયની અન્ય જગ્યા પર ચૂંટણી નહીં લડે

પસંદગીને લઇને મનોજ સિંહા મક્કમ

ગાઝીપુર, તા ૧૮ : કેન્દ્રીય રેલવે અને દૂરસંચાર રાજ્યમંત્રી મનોજ સિંહાએ આજે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ગાઝીપુરમાંથી જ લડશે. તેમણે કહ્યું હતું કે, જો ગાઝીપુરમાંથી ટિકિટ નહીં મળે તો ચૂંટણી લડશે નહીં. પહેલા એવી ચર્ચા હતી કે, મનોજ સિંહાને તેમની સ્થાનિક સીટ છોડવી પડી શકે છે. આજે ભાજપના કાશી વિસ્તારમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસીમાંથી ચૂંટણી જીત્યા બાદથી સ્વતંત્રતા બાદથી ઉપેક્ષિત રહેલા પૂર્વાંચલમાં અતિ ઝડપથી વિકાસની ગતિવિધિ ચાલી રહી છે. પૂર્વાંચલમાં જ કેન્દ્ર સરકાર તરફથી ૮૮ હજાર કરોડ રૃપિયાની યોજનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે. આ યોજનાઓથી વિકાસની ગતિ અનેક ગણી વધશે. મોદી  ૨૦૧૯માં જ નહીં બલ્કે ૨૦૨૪માં ચૂંટણી વારાણસીમાંથી જ લડીને દેશને સશક્ત બનાવવાનું કામ કરશે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં પણ  ભાજપની પ્રચંડ બહુમતિ સાથે જીત થશે. પ્રજા અગાઉની સરકારોમાં ગઠબંધનના ખરાબ અનુભવની અવગણના કરી શકે તેમ નથી. એક ક્લાર્ક તરીકેના વડાપ્રધાન જોઈએ છે કે પછી મજબૂત ઇચ્છા શક્તિ સાહસી વડાપ્રધાનની દેશને જરૃર છે.

(8:15 pm IST)