Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ૭૭માં ક્રમે કુદકો, ૧ વર્ષમાં ૫૦માં આવશું: મોદી

વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનનું સંબોધનઃ છેલ્લા ૪ વર્ષમાં ૨૬૩ અબજ ડોલરનું એફડીઆઈમાં રોકાણ :ભારત પાસે જ્ઞાન અને ઉર્જાની અપાર ક્ષમતા, વિશ્વના દેશોને ભારત સાથે વેપાર-ધંધાની શ્રેષ્ઠ તક :અમારૂ ધ્યાન ગવર્નમેન્ટ કરતા ગવર્નન્સ (વહીવટ) પર વધુઃ રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર ધ્યાન કેન્દ્રીત

ગાંધીનગર, તા. ૧૮ :. સમગ્ર વિશ્વના વેપાર-ઉદ્યોગ જગતમાં જાણીતી બનેલી ગુજરાતની વાઈબ્રન્ટ સમિટનું આજે મહાત્મા મંદિર ખાતે ઉદઘાટન કર્યા બાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા આરંભાતા ઉદ્યોગો (ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ) માટે શ્રેષ્ઠ તક હોવાનું ગૌરવ વ્યકત કરેલ. તેમણે આ બાબતમાં ભારત પ્રગતિ કરીને ૧૪૨માંથી ૭૭માં ક્રમે આવ્યાનું જણાવી આગામી દિવસોમાં ૫૦ની અંદર આવવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

વાઇબ્રન્ટ શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના આંગણે આવેલા તમામ દેશ-વિદેશના મહાનુભવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ભારત એક ઝડપથી વિકાસ પામી રહેલો દેશ છે અને અહીં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વાતાવરણને પગલે આગામી સમયમાં ભારત વ્યાપાર માટે સૌથી શ્રેષ્ઠ દેશ બની રહેશે. ભારતની ક્ષમતા તેમજ કૌશલ્ય ધરાવતા યુવાનો દેશની પ્રગતિના ભાગીદાર બનશે અને દેશ વધુ ઝડપથી વિકાસની હરણફાળ ભરશે. ભારતમાં એફડીઆઈનો ધોધ અવિરત રહ્યો છે. વિતેલા ચાર વર્ષમાં ૨૬૩ અબજ ડોલરનું વિદેશી ભંડોળ દેશમાં ઠલવાયું છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, 'ભારતમાં જે નિયમિત આવે છે તેઓ પરિવર્તનને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. છેલ્લા ચાર વર્ષમાં સરકારનું ફોકસ ગર્વનમેન્ટ પર ઓછું પરંતુ ગર્વનન્સ પર વધુ રહ્યું છે. રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.' અમે અમારી સંપૂર્ણ કાર્યક્ષમતાને આડે રહેલા અડચણોને દૂર કરવા પ્રયાસ કર્યો છે. ભારત હવે કયારેય ના કરેલા વ્યાપાર માટે તૈયાર છે. અમે છેલ્લા ચાર વર્ષમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વર્લ્ડ બેન્કની યાદીમાં ૬૫ રેન્કનો કૂદકો લાગાવ્યો છે. ૨૦૧૪માં રેન્ક ૧૪૨મો હતો જે હવે ૭૭માં ક્રમે છે.ઙ્ગમે મારા સહયોગીઓને અપીલ કરી છે કે ભારતે આટલા ક્રમથી સંતોષ ના માનીને ટોચના ૫૦ દેશોમાં સ્થાન મેળવવા પ્રયાસ કરવો જોઈએ.

શ્રી મોદીએ જણાવેલ કે, જીએસટીથી ટેકસ માળખું સરળ બનાવ્યું છે. ટ્રાન્ઝેકશન ખર્ચમાં ઘટાડો થયો છે. એફડીઆઈમાં ભારત સૌથી વધુ ઓપન દેશોમાં સ્થાન ધરાવે છે. ૯૦ ટકા કરતા વધુ એફડીઆઈ રોકાણને ઓટોમેટિક રૂટથી માન્યતા આપવામાં આવે છે.

૨૬૩ અબજ ડોલરનું એફડીઆઈ રોકાણ ૪ વર્ષમાં થયું છે. છેલ્લા ૧૮ વર્ષની તુલનાએ આ ૪૫ ટકા જેટલું રોકાણ છે.  ડિજિટલ પેમેન્ટ સહિત સરકારી લાભોની સીધી ખાતામાં ફાળવણી પણ શરૂ કરી છે. ભારત સાથે બિઝનેસ એક શ્રેષ્ઠ તક છે. ભારત એક વૈશ્વિક સ્પર્ધાત્મક ઉત્પાદન વાતાવરણ પુરું પાડે છે. નોલેજ અને એનર્જીની અપાર ક્ષમતા રહેલી છે. વધી રહેલો જીડીપી અને મીડલ કલાસ તેમજ પર્ચેઝિંગ પાવર આ બજારને સૌથી વધુ સક્ષમ બનાવે છે.

કોર્પોરેટ ટેકસ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. આઈપીઆર મામલાઓમાં સરકારે બેન્ચમાર્કિંગ પોલીસી તૈયાર કરી છે. હવે ભારત સૌથી ઝડપી ટ્રેડમાર્ક મંજૂરી આપતો દેશ બન્યો છે. તેમ વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું હતું.

(3:31 pm IST)