Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ

વડાપ્રધાને રૂ. ૩૦૦૦નું ખાદીનું જેકેટ ૨૦% ડિસ્કાઉન્ટમાં રૂ. ૨૪૦૦માં ખરીદ્યુ : 'રૂપે' કાર્ડથી કર્યું પેમેન્ટ

અમદાવાદ તા. ૧૮ : પીએમ મોદીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે આ શોપિંગ ફેસ્ટિવલનું પ્રદર્શન પણ નિહાળ્યું. ખાસ વાત એ છે કે પીએમ મોદીએ અહીં જાતે રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી પોતાના માટે કપડાં ખરીદ્યા. તેમણે અહીં દુકાનમાંથી કેટલાંક જેકેટ્સ ખરીદ્યા અને તેમના રુપે કાર્ડ દ્વારા બિલની ચૂકવણી કરી.

અમદાવાદમાં આયોજિત આ ખાસ શોપિંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે પીએમ મોદીએ અહીં ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો અને ઉદઘાટન બાદ પીએમ મોદીએ ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને અન્ય લોકોની સાથે અહીં લાગેલા તમામ સ્ટોલ્સનું અવલોકન કરવા માટે પહોંચ્યા. અહીં એક સ્ટોલ પર તેમણે કેટલાંક જેકેટ્સની ખરીદી કરી અને બાદમાં પોતાના રૂપે કાર્ડ દ્વારા આ જેકેટ્સના બિલની ચૂકવણી કરી. આ સ્ટોલ પર હાજર કર્મચારીઓ પણ ખુશ જોવા મળ્યા.

અહીં ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી ૩૦૦૦ રૂપિયાની ખાદીના જેકેટની ખરીદી કરી હતી. જેમાં તેઓને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને તેમણે ૨૪૦૦ રૂપિયાનું બિલ કાર્ડથી ભર્યું હતું.

નોટબંધી દરમિયાન પીએમ મોદીએ લોકોને કેશલેસ વ્યવહાર કરવાની વાત કરી હતી અને આ સિવાય મન કી બાતના એક કાર્યક્રમમાં તેમણે લોકોને ખાદીનો સામાન ખરીદવા માટે પણ કહ્યું હતું. પીએમ મોદીએ જાતે ગુજરાતમાં ખાદીના કપડાં ખરીદ્યા અને તેમના ડેબિટ કાર્ડથી બિલની ચૂકવણી કરી. આ કારણે લોકો સોશિયલ મીડિયા પર પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યા છે.

(2:49 pm IST)