Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ચૂંટણીમાં, 'ભ્રષ્ટાચાર'નું વિપક્ષી હથિયાર 'બુઠ્ઠુ' કરવાનો વ્યુહ

નરેન્દ્રભાઇના ખાસમખાસ રાકેશ આસ્થાના અને અમિતભાઇના નિકટતમ મનાતા રાજકોટમાં ૩ વખત ડીસીપી રહેનાર અરૂણ શર્માને સીબીઆઇમાંથી બદલવાનું આ છે રહસ્ય : સીબીઆઇનું ભૂત ભાજપનો પીછો હજુ નહિ છોડે?: નવા ડાયરેકટરની પેનલમાં ગુજરાત કનેકશન ધરાવતા વાય.સી.મોદીના નામથી વિપક્ષો ભડકયા

રાજકોટ, તા., ૧૮: વડાપ્રધાનના સીધા વડપણ હેઠળની કમીટી દ્વારા થયેલ નિર્ણય સંદર્ભે કેન્દ્રએ (નરેન્દ્રભાઇ-અમિતભાઇ) દ્વારા એક મહત્વનો નિર્ણય લઇ ચર્ચાના ચકડોળે ચડેલા સીબીઆઇમાંથી સ્પેશ્યલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ૧૯૮૪ બેચના રાકેશ આસ્થાના અને ગુજરાત કેડરના જ ૧૯૮૭ બેચના એડીશ્નલ ડીજી કક્ષાના અરૂણ શર્માને સીબીઆઇમાંથી હટાવી દેવાયા છે. રાકેશ આસ્થાનાને દેશભરના એરપોર્ટ અને ફલાઇટની સુરક્ષાની મહત્વની જવાબદારી સુપ્રત કરી બ્યુરો ઓફ સીવીલ એવીએશન એન્ડ સિકયુરીટીના ચીફ બનાવ્યા છે. જયારે અરૂણ શર્માને સીઆરપીએફમાં એડીશ્નલ ડીજી તરીકે બદલતો જે હુકમ થયો છે તેની ભીતરમાં ખુબ મોટો વ્યુહ છે.

દેશની સર્વોચ્ચ જાસુસી સંસ્થા સીબીઆઇમાં ખુદ સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ આસ્થાના સામે એક-બીજાએ ભ્રષ્ટાચારના આરોપ મુકતા વિપક્ષોને મોટુ હથીયાર સાંપડી ગયું હતું. લોકસભાની ચુંટણીમાં આ મુદ્દો ખુબ જ મહત્વનો બનવાનો હતો. આનુ કારણ એ છે કે ગુજરાત કેડરના રાકેશ આસ્થાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખાસમખાસ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. જયારે રાજકોટમાં ૩ વખત ડીસીપી રહી ચુકનાર અને સીબીઆઇમાં મહત્વનો હોદ્દો (પોલીસી)નું સ્થાન મેળવનાર અરૂણ શર્મા અમિતભાઇ શાહના વિશ્વાસુ તરીકે દેશભરના વિપક્ષો અને આઇપીએસોમાં જાણીતા છે.

સ્વભાવીક રીતે નરેન્દ્રભાઇ અને અમિતભાઇના અનુક્રમે રાકેશ આસ્થાના અને અરૂણ શર્મા સાથેના ઘરોબાને ધ્યાને લઇ વિપક્ષો ચુંટણીમાં મોટા હથીયાર તરીકે મોદી અને અમિતભાઇ સામે મોરચો માંડવાના હતા. સીબીઆઇના ઉકત અધિકારીઓના ખભ્ભે બંદુક રાખી નાળચુ ભાજપ સામે લંબાવવાનું હતું.

દરમિયાન રાકેશ આસ્થાના વિરૂધ્ધની કાર્યવાહી સંદર્ભે દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય અને સીબીઆઇના વચગાળાના ડાયરેકટર તરીકે નાગેશ્વર રાવની નિમણુંકના મામલે દેશના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણની અરજીના પગલે આ સમગ્ર મામલો ચુંટણી સુધી ગરમાગરમ રહે તે બાબતમાં કોઇ બે મત નથી.

વિપક્ષોના હાથમાં આવેલુ હથીયાર છિનવવા માટે દિલ્હીમાં વડાપ્રધાન અને અમિતભાઇ તથા વિશ્વાસુઓ વચ્ચે લાંબા સમયથી મથામણ ચાલતી હતી. આખરે સીબીઆઇના વિવાદનો છેદ અને ભ્રષ્ટાચારના આરોપનું હથીયાર વિપક્ષો પાસેથી છીનવી લેવા માટે રાકેશ આસ્થાના અને અરૂણ શર્માને ચુંટણી પહેલા સીબીઆઇમાંથી દુર કરવા નિર્ણય લેવાયો હતો. ચુંટણી પછી ભાજપની સ્થિતિ ધ્યાને લઇ ફરી પુનઃ વિચારણા થશે. આમ વિપક્ષોના હાથમાં રહેલું હથીયાર બુઠ્ઠુ કરવા આ મહત્વનો નિર્ણય થયાનું ટોચના સુત્રોએ અકિલાને જણાવ્યું છે.

સીબીઆઇ વિવાદનું ભુત હજુ પણ જાણે ભાજપનો પીછો છોડવા ન માંગતું હોય તેમ સીબીઆઇના નવા નિમાનાર ડાયેરકટર માટે જે પેનલ નિમવામાં આવી છે તેમાં ૪ અધિકારીના નામ વિશેષ ચર્ચામાં છે. આમાય દેશની મહત્વની તપાસ એજન્સી એનઆઇએના વડા વાય.સી.મોદીનું નામ હોવાથી વિપક્ષો ભડકયા છે.

અત્રે યાદ રહે કે ગોધરાકાંડ સમયે જે તોફાનો ફાટી નિકળ્યા હતા અને તેની તપાસ માટે જે પંચની નિમણુંક થયેલ તે તપાસ પંચમાં વાય.સી.મોદી પણ સભ્યપદે હતા. એ સમયે  જ વાય.સી.મોદી  મોદી અટકને કારણે જ ચર્ચાનો મુદ્દો બન્યા હતા. એમ કહેવાય છે કે ભાજપના એલ.કે.અડવાણી સહિત અને હાલના વડાપ્રધાન વિગેરે સાથે તેમના સારા સબંધો છે. આ પરીપેક્ષમાં સીબીઆઇના નવા વડાની પેનલમાં તેમનું નામ હોવાથી સમગ્ર બાબત ગુજરાતના કનેકશન તરીકે વિપક્ષો નિહાળી રહયા છે અને ભવિષ્યમાં પણ સીબીઆઇ વિવાદ ભાજપનો પીછો છોડે તેવું લાગતું નથી.

(2:48 pm IST)