Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

દેશભરમાં સવર્ણ અનામત લાગુ કરવા સામે તેમજ બંધારણમાં સંશોધન સામે પ્રદર્શનો : સંઘના મનુવાદી એજન્ડાને મોદી સરકાર લાગુ કરવા જઈ રહી હોવાના આરોપો : ઝારખંડમાં વડાપ્રધાનના પૂતળાનું દહન

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સવર્ણ સમાજના ગરીબો માટે ૧૦ ટકા અનામત આપવા માટે સંસદમાં કાનૂન કરી દેવાયો. રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી પણ આપી દેવાઈ. પરંતુ આ બિલની સામે દેશભરમાં અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધપ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

સવર્ણો આરક્ષણ લાગુ કરવાના બંધારણ સુધારા સામે બિહાર, ઝારખંડ, ઉત્ત્।રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, તથા અન્ય રાજયોના જનસંગઠનોએ ભેગા મળી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.

બિહારમાં સવર્ણ આરક્ષણ અને બંધારણ સુધારા સામે ભીમ આર્મીનું વિરોધ પ્રદર્શન શરૂ થયું છે.

વિભિન્ન સંગઠનો પ્રતિનિધિઓ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે સવર્ણ આરક્ષણ લાગુ કરવા અને બંધારણમાં સુધારો કરવો એ બંધારણની મૂળ રચનાના વૈચારિક આધાર પર હુમલો છે. દલિતો, આદિવાસીઓ અને પછાતોના આરક્ષણના ખાત્માનો રસ્તો ખુલી ગયો છે. સંવિધાન અને સામાજિક ન્યાય પર મોટા હુમલાને સહન નહીં કરાય.

યુપીના આઝમગઢ જિલ્લામાં આરક્ષણ સામે કલેકટર કચેરી નજીક આંબેડકર પાર્કમાં વિવિધ સંગઠનોએ વિરોધ દર્શાવ્યો. સંબોધન કરનારાઓએ કહ્યું કે મોદી સરકાર દ્વારા આર્થિક આધાર પર આરક્ષણ વિધેયક પસાર કરવું એ બંધારણને બદલી મનુવાદી વ્યવસ્થા લાગુ કરવા કાવતરાનો ભાગ છે. જેનો તમામ સંગઠનો એકી અવાજે વિરોધ કરશે.

 

(11:32 am IST)