Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જજ સાહેબ ! દિવસભર સેલ્ફી લેતી રહે છે પત્ની, ખાવાનું પણ નથી આપતી, તલાક જોઇએ છે

કાઉન્સલિંગે જ્યારે ઝગડાનું કારણ જાણવાની કોશિષ કરી તો અસલી કારણ મોબાઇલ નીકળ્યો

ભોપાલ તા. ૧૮ : આજે દરેકના હાથમાં સ્માર્ટફોન આવી ગયો છે. આ સ્માર્ટફોન હવે સંબંધમાં તિરાડ પાડવા લાગ્યો છે. ભોપાલની ફેમિલી કોર્ટમાં એક આવો જ મામલો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોનના કારણથી પતિ-પત્ની વચ્ચે ઝગડા ખુબ વધી ગયા છે, જે છેક તલાક સુધી પહોંચી ગયો છે. કોર્ટે આ મામલે સુનાવણી બાદ કાઉન્સલિંગનો આદેશ આપ્યો છે. કાઉન્સલિંગે જયારે ઝગડાનું કારણ જાણવાની કોશિસ કરી તો અસલી કારણ મોબાઈલ નીકળ્યો.

કાઉન્સર સંગીતા રાજાણીએ જણાવ્યું કે, કાઉન્સલિંગ દરમ્યાન પત્નીએ જણાવ્યું કે, પતિ ખુદ સ્માર્ટફોન રાખે છે અને તેને ફિચર ફોન આપી રાખ્યો છે. તેને પોતાના ઘરના લોકો સાથે વાત પણ નથી કરવા દેતો. તો આ તરફ પતિએ પોતાની સફાઈમાં કહ્યું કે, પત્ની ઘરેથી સ્માર્ટફોન લઈને આવી હતી અને પૂરો દિવસ સેલ્ફી, વોટ્સઅપ અને ફેસબુક પર જ લાગેલી રહેતી હતી. આ ચક્કરમાં કેટલીક વખત તો ખાવાનું પણ નહોતી આપતી. આ વાતથી તંગ આવીને તેણે પત્ની પાસેથી સ્માર્ટફોન છીનવી લીધો હતો. બંનેની વાત સાંભળ્યા બાદ જયારે કોર્ટમાં બંને વચ્ચે સમાધાન થયું તો પત્નીએ સાત શરતો રાખીને પતિ માનવા માટે તૈયાર થઈ ગયો અને તેમની જિંદગીની ગાડી એક વાર ફરી પટરી પર આવી ગઈ છે.

કોર્ટે પતિ-પત્નીની તમામ વાતો સાંભળ્યા બાદ આદેશ આપ્યો કે, મહિલા જયારે પોતાના ઘરનું તમામ કામ ખતમ કરી લે ત્યારે જ મોબાઈલ હાથમાં લેશે. આ સાથે પતિએ મેરેજ એનિવર્સરીના દિવસે પત્નીને સ્માર્ટફોન ખરીદી આપવાનો રહેશે. ૧૧ જાન્યુઆરીએ એનિવર્સરીના દિવસે પતિએ પોતાની પત્નીને સ્માર્ટફોન ખરીદીને આપી દીધો છે, અને તેની રસીદ પણ કોર્ટમાં જમા કરાવી દીધી છે.(૨૧.૬)

પત્નીની સાત શરત, જે પતિએ કોર્ટમાં માની

-  પતિએ દર ૧૫ દિવસે એક વખત કોઈ ફિલ્મ બતાવવી પડશે

-  મહિનામાં એક વખત હોટલમાં પત્નીને જમાડવી પડશે

-  વર્ષે એક વખત પત્નીને ફરવા માટે શહેરની બહાર લઈ જવી પડશે.

-  પતિ કયારે પણ પત્નીને પિયરમાં ફોન કરવા માટે નહી રોકે

-  પત્નીના પરિવારને ત્યાં થતા ફંકશન પર કોઈ ટિપ્પણી નહી કરે

-  દર મહિને પત્નીને પર્સનલ ખર્ચ માટે રૂ. ૨૦૦૦ આપવાના, જેનો કોઈ હિસાબ નહી માંગવાનો

-  પત્નીના પિયરના લોકોને કોઈ અપશબ્દ નહી બોલવાના

(10:16 am IST)