Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હવે OBC વર્ગને રાજી કરવા સરકારની તૈયારી

જનરલ કોટા બાદ હવે રજુ થઇ શકે છે OBC કમિશનનો રિપોર્ટઃ OBCની ભાગીદારી નવેસરથી નક્કી કરાશે

નવી દિલ્હી તા. ૧૮ : આર્થિક આધાર પર ૧૦% સામાન્ય આરક્ષણ બાદ મોદી સરકાર ફરી એકવાર OBCની ભાગીદારીને નવેસરથી નક્કી કરવા માટે સક્રિય થઈ રહી છે. સરકાર ચૂંટણી પહેલા OBC કમિશનનો રિપોર્ટ તૈયાર કરી રજૂ કરવાની તૈયારીમાં છે. આના માટે તમામ મિનિસ્ટ્રી સાથે તેમને ત્યાં કામ કરનારા OBC કર્મચારીઓ સંખ્યા (તેમની જાતિ સાથે) ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) તરફથી ૧૨ જાન્યુઆરીએ મોલવવામાં આવેલા ખાસ નિર્દેશમાં ગમે તે સ્થિતિમાં શુક્રવાર સુધી OBC કર્મચારીઓનું લિસ્ટ માંગવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ૩૧ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર પ્રસ્તાવિત છે, જે ૧૩ ફેબ્રઆરી સુધી ચાલશે. સરકારના આ રિપોર્ટના આધાર પર ઓબીસી પ્રતિનિધિત્વમાં ફેરફાર કરશે અને તેમની જાતિઓનું નવેસરથી વર્ગીકરણ થશે. સરકારની ઈચ્છા છે કે, નાની-મોટી ઓબીસી જાતિઓને પણ આ આરક્ષણમાં સમાન પ્રતિનિધિત્વ મળે.

કેન્દ્ર સરકારે ગત દિવસોમાં સંકેત આપ્યો હતો કે, OBCને જુદા-જુદા વર્ગોમાં વહેંચવા મુદ્દે લોકસભા ચૂંટણી પહેલા કોઈ પગલું લેવામાં નહીં આવે. મુદ્દાની ગંભીરતા જોતા સરકારે આની સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ અને આ વિશે રિપોર્ટ આપવા માટે રચેલી કમિટીને ૬ મહિનાનો વિસ્તાર આપ્યો હતો. કમિશનને ૩૧ મે ૨૦૧૯ સુધી વિસ્તારની મંજૂરી મળી ગઈ હતી.

જોકે, સામાન્ય અનામત સમયે વિપક્ષે જે રીતે ઓબીસી અનામતની મર્યાદાને ૨૭થી વધારીને ૫૪ ટકા કરવાની માગ કરી હતી, તે પછી સરકાર કમિશનના રિપોર્ટને કાઉન્ટર રીતે ઉપયોગ કરી શકે છે. ભાજપની રણનીતિ પોતાને ઓબીસીના સૌથી મોટા હિતેચ્છુ તરીકે રજૂ કરવાની છે. સાથે જ કોંગ્રેસને આ વર્ગનો વિરોધી જણાવી રાજકીય હુમલો કરવાની પણ છે.

કમિશને રાજય સરકાર, રાજય પછાત વર્ગ આયોગ, વિભિન્ન સામુદાયિક સંગઠન અને પછાત વર્ગો સાથે જોડાયેલા સામાન્ય નાગરિકો ઉપરાંત આ મામલા સંબંધિત લોકો સાથે વાત કરી ઓબીસીમાં અલગ કેટેગરી બનાવવાની છે. સરકાર મુજબ, કમિશને અત્યાર સુધી કોલેજ સહિત સરકારી નોકરી ઉપરાંત બેંક અને બીજી સંસ્થાઓમાં ઓબીસી પ્રતિનિધિત્વ સાથે સંલગ્ન આંકડા મેળવ્યા છે.(૨૧.૫)

(10:16 am IST)