Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મોહન ભાગવતનો સરકારને સવાલ

યુદ્ધ નથી છતાં જવાનો કેમ શહીદ થઇ રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૮ : કુંભ મેળામાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ એક બાજુ રામ મંદિર નિર્માણ બાબતે મોદી સરકાર પર હુમલો કર્યો છે તો બીજી બાજુ સરસંધચાલક મોહન ભાગવતે હાલની પરિસ્થિતિમાં સેનાના જવાનોની શહીદી બાબતે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું છે કે જયારે કોઇ સાથે યુદ્ધ ચાલુ નથી તો પછી સરહદ પર સૈનિકો શહીદ કેમ થઇ રહ્યા છે. આ પ્રશ્ન પૂછતા આર.એસ.એસ. પ્રમુખે તેનું કારણ જણાવતા કહ્યું કે આવું એટલે થઇ રહ્યું છે કે આપણે આપણું કામ બરાબર નથી કરી રહ્યાં.

મોહન ભાગવતે આ બયાન ગુરૂવારે નાગપુરમાં પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજત જયંતિ કાર્યક્રમમાં આપ્યું હતું. જવાનોની શહીદીની વાત કરતા મોહન ભાગવતે આઝાદીના સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જયારે દેશને અંગ્રેજો પાસેથી આઝાદી નહોતી મળી ત્યારે દેશની સ્વતંત્રતા માટે જાન કુરબાન કરવામાં આવતી હતી. ત્યાર પછી પણ જયારે જયારે કોઇ યુદ્ધ થયું ત્યારે સૈનિકોએ પોતાના જીવની બાજુ લગાવીને દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું છે.

સંઘ પ્રમુખે પોતાના વકતવ્યમાં કહ્યું કે યુદ્ધ દરમ્યાન સૈનિકો શહીદ થાય પણ હાલમાં આપણા દેશમાં કોઇ યુદ્ધ નથી અને તો પણ આપણા જવાનો શહીદ થાય છે તેનો અર્થ એ થયો કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા આને રોકવા અને દેશને મહાન બનાવવા માટે પગલા લેવા જોઇએ.

મોહન ભાગવતનું આ બયાન બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં, જયાં મોદી સરકાર આતંકવાદના ફસાયાની વાત વારંવાર કરીને પોતાની જ પીઠ થપથપાવી રહી છે, એ સમયે સરહદ પર જવાનો કેમ શહીદ થઇ રહ્યા છે તેવો સલાલ ઉઠાવીને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સરકારના દાવાઓ પર હુમલો કરવાનો મોકો વિરોધ પક્ષોને આપ્યો છે.

જણાવી દઇએ કે આર.ટી.આઇ. દ્વારા ગૃહમંત્રાલયમાંથી મળેલ આંકડાઓ અનુસાર, મોદી સરકારના શરૂઆતના ત્રણ વર્ષો દરમ્યાન એટલે કે મે-ર૦૧૪ થી મે-ર૦૧૭ સુધી ખાલી જમ્મુ કાશ્મીરમાં ૮૧ર આતંકવાદી ઘટનાઓ થઇ હતી. આ ઘટનાઓમાં ૬ર નાગરિકો માર્યા ગયા, જયારે ૧૮૩ જવાનો શહીદ થયા. આવા આંકડાઓ જ સામે મૂકીને વિરોધી પક્ષો મોદી સરકાર પર નિશાન તાકતા રહ્યા છે. જોકે સરકાર પોતાના બચાવમાં ખીણમાંથી આતંકવાદીઓના મોટા પાયે સફાયાના ગાણા ગાઇ રહી છે. (૮.૬)

(10:15 am IST)