Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

તમે પણ ફીટ... ધરતી પણ ખુશઃ વૈજ્ઞાનિકોએ બનાવ્યો સ્પેશ્યલ ડાયટ પ્લાન

૩૭ વૈજ્ઞાનિકોએ એક એવો ડાયટ પ્લાન બનાવ્યો જે લોકોને તંદુરસ્ત રાખશે એટલુ જ નહિ પૃથ્વીને પણ બચાવશેઃ ૨૦૫૦ સુધીમાં ૧૦૦૦ કરોડ લોકોનુ પેટ પણ ભરી શકાશેઃ રેડમીટ અને ખાંડમાં ૫૦ ટકાનો ઘટાડો થવો જરૂરી છેઃ ફળ અને શાકભાજી ખાવા માંડોઃ વૈજ્ઞાનિકોએ જે ખાનપાનનો ચાર્ટ બનાવ્યો તેનાથી સમય પહેલા મૃત્યુ પામતા ૧ કરોડ લોકોના જીવ બચાવી શકાશેઃ શાકાહાર અપનાવવાથી અનેક બિમારીઓથી બચી શકાશે

નવી દિલ્હી, તા. ૧૮ :. આપણા વડીલો યોગ્ય કહે છે કે આપણા દાળભાત અને શાકભાજી સારામાં સારો ખોરાક છે હવે આ બાબતની પુષ્ટી એક મોટા અભ્યાસ કરી દીધી છે. મેડીકલ જર્નલ લાન્સેટમાં છપાયેલ એક રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૫૦ સુધી લગભગ ૧૦૦૦ કરોડની થનારી દુનિયાની વસ્તીને લાંબા સમય સુધી ભરપેટ પોષ્ટીક આહાર આપવાનું વૈશ્વીક સમાધાન રજૂ કરવામાં આવ્યુ છે. વૈજ્ઞાનિકોએ ખાનપાનમાં ફેરફાર લાવવા કહ્યુ છે જેના લોકોની તબીયતમાં સુધારો થાય. અભ્યાસ અનુસાર ખાંડ અને રેડમીટ જેવા હાનિકારક ચીજો લેવાનુ ઓછુ કરવુ જોઈએ અને ફળ અને શાકભાજી, સુકામેવાનો ખોરાક વધારવો જોઈએ. ૧૬ દેશોના ૩૭ વૈજ્ઞાનિકોએ ૨ થી ૩ વર્ષ સુધી અભ્યાસ કરી આવુ જણાવ્યુ છે. રીપોર્ટ અનુસાર હાલ દુનિયામાં ૮૨ કરોડ લોકોને પુરતુ ખાવાનુ મળતુ નથી અને બાકીના અનહેલ્ધી ડાયટ લ્યે છે. ૨૦૫૦ સુધીમાં જ્યારે વિશ્વની વસ્તી ૧૦૦૦ કરોડ થઈ જશે ત્યારે વિશ્વના લોકો સમક્ષ પેટ ભરવાની સાથે પૌષ્ટીક ભોજનની ઉપલબ્ધતા એક પડકાર રહેશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે અનહેલ્ધી ફુડ ખાવાથી અનેક બિમારીઓ જેમ કે સ્થુળતા અને કુપોષણ જેવા રોગો ટપકી પડે છે. તંદુરસ્ત રહેવા માટે આહારમાં યોગ્ય કેલેરી હોવી જરૂરી છે. જેમાં કોઈને કોઈ શાકાહારી ચીજો હોવી જોઈએ. નોનવેજ ચીજો ઓછી હોવી જોઈએ, સેચુરેટેડ ફેટને બદલે અનસેચુરેટેડ ફેટ અને અત્યંત પ્રોસેસ ફુડ અને અલગથી ભેળવાતી ખાંડ ઓછી થવી જોઈએ. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે અમે જે ડાયટ બનાવ્યો છે તે દરેક પ્રકારના ભોજન, અલગ અલગ જગ્યાની કૃષિની રીત, ત્યાં રહેતા લોકોની સંસ્કૃતિ અને દરેક માણસ શાકાહારી, માંસાહારી કે વેગન ડાયટ જેવી પ્રાઈવેટ પસંદ-નાપસંદ પર આધારીત છે.

જો આવુ ફુડ લેવાય તો ધરતીને પણ ફાયદો થશે, પાણીની બરબાદી અટકશે. પર્યાવરણનું રક્ષણ થશે. અનેક જાતિને બચાવી શકશે.

વિશ્વના ૩૭ વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે ખાવાપીવાનો એક એવો ખાસ ચાર્ટ તૈયાર કર્યો છે જે માત્ર લોકોના સ્વાસ્થ્ય જ નહિ પરંતુ પૃથ્વીને પણ સુરક્ષિત રાખશે. જો પૃથ્વી પર મોજુદ બધા લોકો પોતાના ખાન-પાનમાં માંસ અને ખાંડનો ઉપયોગ ૫૦ ટકા ઓછો કરી દયે તો દર વર્ષે સમય પહેલા મરતા લોકોની સંખ્યામાં ૧ કરોડનો ઘટાડો થઈ શકે તેમ છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે જો ચાર્ટને અપનાવવામાં આવે તો ૨૦૫૦ સુધીમાં એક કરોડ લોકોનુ પેટ ભરી શકાશે. જો કે માત્ર ડાયટ બદલવાથી વધુ ફાયદો ત્યાં સુધી નહિ થાય જ્યાં સુધી ખાવાપીવાની બરબાદી ચાલુ રહેશે.

ધ પ્લેનેટ્રી હેલ્થ ડાયટ નામના આ ડાયટને તૈયાર કરવામાં બે વર્ષનો સમય લાગ્યો. જેમાં જળવાયુ પરિવર્તનથી લઈને આહાર સુધીનાનો સમાવેશ કરવામાં આવે છે. હાલ દુનિયાની વસ્તી ૭.૭ અબજ છે જે ૨૦૫૦ સુધીમાં વધીને ૧૦૦૦ કરોડ થઈ જશે. આ વસ્તી એટલી મોટી છે જેનુ પેટ ભરવાનું પણ પડકારજનક હશે.

વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે રોજ આપણે ૨૫૦૦ કેલેરીની જરૂર રહે છે. માંસ ૧૪ ગ્રામ લેવાય તો ૩૦ કિલો કેલેરી થાય, શાકભાજી ૨૫૦ ગ્રામ લેવાય તો ૭૮ કિલો કેલેરી થાય, ડેરી પ્રોડકટ ૨૫૦ ગ્રામ આનાથી ૧૫૩ કિલો કેલેરી થાય, અનાજ ૨૩૨ ગ્રામ લેવાય તો એટલે કે ૮૧૧ કિલો કેલેરી થાય, ખાંડ ૩૧ ગ્રામ લેવાય તો ૧૨૦ કિલો કેલેરી મળે. સ્ટાર્ચવાળા શાકભાજી ૫૦ ગ્રામ તો ૩૯ કિલો કેલેરી થાય, ઈંડા, માછલી ૧૯૫ ગ્રામ વગેરેથી ૬૯૬ કિલો કેલેરી મળે, ફળ ૨૦૦ ગ્રામ તો ૧૨૬ કિલો કેલેરી મળે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે યુરોપ અને નોર્થ અમેરિકાના લોકો રેડમીટ વધુ ખાય છે જે ઓછું કરવાની જરૂર છે. જ્યારે પૂર્વ એશિયાના લોકોએ માછલી ખાવાનુ ઓછું કરવુ જોઈએ અને આફ્રિકાના લોકોએ સ્ટાર્ચવાળા શાકભાજી ઓછા કરવા જોઈએ. જો દુનિયાના અલગ અલગ હિસ્સામાં મોજુદ લોકો પોતાના ડાયટમાં અલગ અલગ પ્રકારનો ફેરફાર કરે તો એક પરફેકટ ડાયટ તૈયાર થઈ શકે. જે તમને હાર્ટએટેક, કેન્સર, સ્ટ્રોક જેવી બિમારીઓથી બચાવશે અને ૧ કરોડ લોકોના જીવ બચશે.(૨-૫)

(10:14 am IST)