Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ડીઆઈપીપી દ્વારા FDIના સત્તાવાર આંકડા જાહેર નહીં કરાતા વિશ્લેષકો વિમાસણમાં

છેલ્લા છ મહિનાથી આંકડા જાહેર નહીં થતા એનાલિસ્ટો તથા રેટિંગ એજન્સીઓ દ્વારા સવાલ ઊભા કરાયા

નવી દિલ્હી :દેશમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના સત્તાવાર આંકડા જાહેર થવામાં વિલંબની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ધ ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રોડકશન (ડીઆઈપીપી) દ્વારા એફડીઆઈના આંકડા એકત્રિત કરીને તે જાહેર કરવામાં આવે છે પરંતુ છેલ્લા છ મહિનાથી આંકડા જાહેર નહીં થતા એનાલિસ્ટો તથા રેટિંગ એજન્સીઓ દ્વારા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. છેલ્લે ગયા વર્ષના જુન ત્રિમાસિકના આંકડા ઓગસ્ટમાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ડીઆઈપીપીને નિયમિત રીતે ઈનપુટસ પૂરી પાડી રહી હોવા છતાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. અગાઉ આ આંકડા દર ત્રણ મહિને જાહેર કરાતા હતા.

  રિઝર્વ બેન્ક દ્વારા અંદાજિત આંકડા જારી કરવામાં આવે છે. રિઝર્વ બેન્કના આંકડા પર નજર નાખવામાં આવતા જણાય છે કે વર્તમાન નાણાં વર્ષમાં એફડીઆઈમાં સાધારણ ઘટાડો થયો છે. વર્તમાન સરકારના કાળમાં આ પહેલી જ વખત એવું બન્યું છે જેમાં એફડીઆઈ આંકમાં ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, ભારતે વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી ૪૦.૯૮ અબજ ડોલરનો ગ્રોસ ઈન્ફલોઝ મેળવ્યો છે જે ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ બે ટકા ઓછો છે. વર્તમાન સરકારના સમયગાળામાં પ્રથમ નાણાંકીય વર્ષમાં એફડીઆઈમાં ૨૫ ટકા વૃદ્ધિ જોવાઈ હતી.

  ડીઆઈપીપી દ્વારા આંકડા જાહેર નહીં કરાવાને કારણે રેટિંગ એજન્સીઓ, બેન્કો, એનાલિસ્ટો તથા પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ૨૦૧૮માં ભારતે એફડીઆઈ માટેના સાનુકૂળ મથક તરીકેનું બિરુદ ગુમાવી દીધું છે. ભારત હવે ટોચના ૧૦ મથકોમાં નથી રહ્યું. નોટબંધી તથા જીએસટીને કારણે દેશ સામે ઊભા થયેલા પડકારોની અસર રોકાણકારોના વિશ્વાસ પર પડી છે. ભારત તરફનો તેમનો વિશ્વાસ ડગમગી ગયો છે.

   2૦૧૮ પૂર્વેના બે વર્ષમાં વધ્યા બાદ ભારતનું સ્થાન નીચે જઈને ૧૧માં ક્રમે આવી ગયું છે. વિગતવાર ડેટાની માહિતીના અભાવે એફડીઆઈના નાણાં કયા દેશમાંથી આવે છે તે પણ જલદી સ્પષ્ટ થતું નથી. ભારતમાં ટેકસ હેવન દેશો ખાતેથી મોટી માત્રામાં એફડીઆઈ આવતું હોવાનું મનાય રહ્યું છે.

(12:00 am IST)