Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

લોકપાલ માટે નામની પેનલ રજૂ કરવા સુપ્રીમનો આદેશ

૨૮મી ફેબ્રુઆરી સુધી પેનલ સુપ્રત કરવા હુકમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિને ભલામણ સોંપી દેવા લોકપાલ સર્ચ કમિટિને સૂચનાઓ આપવામાં આવી

નવીદિલ્હી, તા. ૧૭ : સુપ્રીમ કોર્ટે ૨૮મી ફેબ્રુઆરી સુધી તેની ચર્ચાને પરિપૂર્ણ કરી લેવા અને લોકપાલની પસંદગી માટે નામોની પેનલ રજૂ કરવા લોકપાલ સર્ચ કમિટિને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યા બાદ સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી બને તેવી શક્યતા છે. લોકપાલ માટે નામોની પેનલ રજૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે. સીજેઆઈ રંજન ગોગોઇના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બેંચે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ રંજના પી દેસાઈના નેતૃત્વમાં સર્ચ કમિટિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિને તેની ભલામણ સુપરત કરવા માટેનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, તે સાતમી માર્ચના દિવસે લોકપાલની નિમણૂંક માટેની અરજી પર સુનાવણી કરશે. કોર્ટે કેન્દ્રને પણ સર્ચ કમિટિ માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે દરેક ચર્ચાની વિગતો જાહેર કરવા જસ્ટિસ દેસાઈ દ્વારા સર્ચ કમિટિને આદેશ કરવા કોર્ટને વિનંતી કરી હતી. સાથે સાથે પસંદગી સમિતિને સુપ્રત કરવામાં આવેલા પેનલમાં નામની વિગતો આપવા આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો હતો કે સર્ચ કમિટિની વિગતો જાહેર થાય તે ખુબ જરૂરી છે. આનાથી લોકોમાં દુવિધા દૂર થશે. ભુષણે તર્કદાર દલીલો કરી હતી અને કહ્યું હતું કે, પ્રક્રિયાના પારદર્શકતાને લઇને શંકા ઉભી થાય છે. આના જવાબમાં સીજેઆઈએ ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, ભૂષણ તમામ બાબતોને નકારાત્મક દિશામાં લઇ જવવાના પ્રયાસ કર્યા હતા જે યોગ્ય નથી. તમામ બાબતોને હકારાત્મકરીતે રજૂ કરવા ભૂષણને આદેશ કરવામાં આવ્યો હતો. ભૂષણે કહ્યું હતું કે, સીજેઆઈ સાથે તેઓ સહમત છે.

 

(12:00 am IST)