Gujarati News

Gujarati News

News of Sunday, 2nd September 2018

લગ્ન કરવા માટેની વયમર્યાદા ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કરવા લો કમિશનનું સુચન

નવી દિલ્હી: પુરુષો માટે હાલ લગ્ન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષની છે. જોકે, લૉ કમિશને તેને ઘટાડીને 18 વર્ષ કરી દેવાનું સૂચન કર્યું છે. દુનિયાભરમાં 18 વર્ષના વ્યક્તિને પુખ્ત માનવામાં આવે છે. યુવતીઓ માટે પણ લગ્નની વયમર્યાદા 18 વર્ષ છે, ત્યારે દેશમા તમામ ધર્મના લોકોની લગ્ન માટેની વયમર્યાદા પણ 18 વર્ષ કરી દેવાય તેવું લૉ પંચનું કહેવું છે.

લૉ પેનલે પર્સનલ લૉમાં સુધારા અંગેના એક કન્સલ્ટેશન પેપરને શુક્રવારે બહાર પાડ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, 18 વર્ષે જો વ્યક્તિ મતાધિકાર પ્રાપ્ત કરી સરકાર ચૂંટી શકતો હોય તો પછી તે પોતાનો જીવનસાથી પણ પસંદ કરી શકે. તથ્યને ધ્યાનમાં રાખીને પુરુષ અને સ્ત્રીની લગ્ન માટેની વયમર્યાદામાં રહેલા તફાવતને દૂર કરવો જોઈએ.

જો લગ્નની વયમર્યાદા ઘટાડીને 18 વર્ષ કરી દેવાય તો તેનાથી બાળ લગ્નો અટકાવી શકાશે, અને અસમાનતા દૂર કરી શકાશે. પત્ની ઉંમરમાં પતિથી નાની હોવી જોઈએ તેવી માનસિકતા પણ તેનાથી બદલી શકાશે. પેનલે એમ પણ કહ્યું છે કે, હિન્દુ રિવાજ અનુસાર, 16 વર્ષની છોકરી અને 18 વર્ષના છોકરાના લગ્ન થઈ શકે છે, મુસ્લિમ કાયદા અનુસાર પ્રજોત્પત્તિ માટે સક્ષમ અવયસ્ક પણ લગ્ન કરી શકે છે.

લગ્ન વિષયક કાયદામાં રહેલી વિસંગતતા અંગે પેનલે જણાવ્યું હતું કે, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી જરુરી છે. જોકે, સેક્શન 11 અને 2 હેઠળ જો પતિ કે પત્નીની ઉંમર તેનાથી ઓછી હોય તો લગ્ન રદ્દ નથી થઈ જતા, અને રદ્દ થવા પાત્ર પણ નથી હોતા. આવા કિસ્સામાં માત્ર દંડ થાય છે. જોકે, બાળ લગ્ન ધારા 2006 હેઠળ, જો બંનેમાંથી એક કે બંને પાત્ર માઈનોર હોય તો લગ્નનને કાયદાકીય માન્યતા નથી મળતી.

પેપરમાં સવાલ પણ ઉઠાવાયો છે કે, લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની વાત આવે ત્યારે શું હિંદુ કે મુસ્લિમ મેરેજ એક્ટ હેઠળ થયેલા બાળ લગ્નને પણ માન્યતા આપવી જોઈએ? જો આવા લગ્નોને માન્યતા મળે તેનો અર્થ થશે કે આવી પ્રવૃત્તિ કોઈ રોકટોટ વગર ચાલુ રહેશે.

(4:47 pm IST)