Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

હવે વિમાન સફર દરમિયાન ફોન કોલ કરી શકાશે : ફલાઇટ મોડમાંથી મુકિત મળશે

આ વિશેનું નોટિફિકેશન ગઇ ૧૪ ડિસેમ્બરે ઇસ્યુ કરવામાં આવ્યું છે

મુંબઈ તા. ૧૭ : લોકો હવે ટૂંક સમયમાં જ ભારતીય સીમા વિસ્તારોની અંદર વિમાન પ્રવાસ તેમજ જહાજી સફર કરતી વખતે એમના મોબાઈલ ફોનમાંથી કોલ્સ કરી શકશે અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી સકશે, કારણ કે કેન્દ્ર સરકારે આવી સેવા પૂરી પાડવા માટેના નિયમો ઘડી કાઢ્યા છે.

ભારતમાં ઓપરેટ કરતી ભારતીય તથા વિદેશી એરલાઈન્સ તથા શિપિંગ કંપનીઓ ઈન-ફલાઈટ તથા મેરિટાઈમ વોઈસ એન્ડ ડેટા સર્વિસીસ પૂરી પાડી શકશે. આ માટે એમને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય ટેલીકોમ લાઈસન્સ હોલ્ડર્સ સાથે ભાગીદારી કરવાની છૂટ આપવામાં આવી છે.

આ વિશેનું નોટિફિકેશન ગઈ ૧૪ ડિસેંબરે ઈસ્યૂ કરવામાં આવ્યું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, નવા નિયમોને ફલાઈટ એન્ડ મેરિટાઈમ કનેકિટવિટી રૂલ્સ, ૨૦૧૮ તરીકે ગણવામાં આવે છે. આ નોટિફિકેશન ઓફિશિયલ ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી જશે.

જમીન પરના ટેલીકોમ નેટવકર્સ તથા સેટેલાઈટનો ઉપયોગ કરીને ઈન-ફલાઈટ અને મેરિટાઈમ કનેકિટવિટી (IFMC) પૂરી પાડી શકાશે.

ભારત સરકારના સ્પેસ વિભાગની પરવાનગી મેળવ્યા બાદ સ્થાનિક તેમજ વિદેશી સેટેલાઈટ મારફત ભારતમાં સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત ટેલીકોમ લાઈસન્સ ધારક કંપની દ્વારા આ સેવા – IFMC પૂરી પાડી શકાશે.

વિમાન ભારતીય હવાઈ સીમાની અંદર મિનિમમ ૩૦૦૦ મીટરની ઉંચાઈ પર પહોંચશે એ સાથે જ IFMC સેવાઓ સક્રિય થઈ જશે. પ્રાદેશિક મોબાઈલ નેટવકર્સ સાથે ઘર્ષણ ન થાય એટલા માટે IFMC માટે મિનિમમ ૩૦૦૦ મીટર ઉંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

IFMC લાઈસન્સ વાર્ષિક ૧ રૂપિયા અને ૧૦ વર્ષના સમયગાળા માટે મંજૂર કરવામાં આવશે. પરમીટ ધારકે લાઈસન્સ ફી તથા સેવા પૂરી પાડવામાંથી એને જે આવક મળે એના આધારે સ્પેકટ્રમ ચાર્જિસ ચૂકવવાના રહેશે. (૨૧.૧૯)

(4:07 pm IST)