Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદનો તાજ પહેરનાર અશોક ગેહલોતને નજીકથી જોઇએ તો...

રાજસ્થાનના નાથ બનતા અશોક ગેહલોત.... પાલીમાં ખાદી વેચતા આ જાદુગર, ફરી પાછા બને છે મુખ્યમંત્રી..., ગેહલોત નહિં આંધી હૈ.... મારવડ કા ગાંધી હૈ...., હરવા-ફરવાના ખુબ જ શોખીન... કડક ચા અને બિસ્કીટ અતિપ્રિય.. કરોડોના માલિક ગેહલોતની સાદગી... સભર લાઇફ સ્ટાઇલ... : ઉપ મુખ્યમંત્રી પદે ૪૧ વર્ષીય સચિન પાઇલટ.... : સચિનની અનેરી પ્રેમ કથા... : ફારૂખ અબ્દુલ્લાની દીકરી સારાહ સાથે કર્યા છે લગ્ન... પિતા રાજેશ પાઇલટના અવસાન બાદ ઝંપલાવ્યું રાજકીય આલમમા

તા.૧૭: રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદનો તાજ પહેરનાર અશોક ગેહલોતને નજીકથી જોઇએ તો ... ૩ મે ૧૯૫૧ના રોજ રાજસ્થાનના જોધપુર પંથકમાં રાજપૂત ગેહલોત પરિવારમાં જન્મ... તેમના પિતાનું નામ સ્વ. શ્રી લક્ષ્મણસિંહ... સામાન્ય પરિવારમાં જન્મેલ અશોકજીનું જીવન સંઘર્ષમાં રહ્યું.

અશોકજી એ વિજ્ઞાન અને કાયદાકીય વિષયમાં ગ્રેજયુએશન કર્યું. કોલેજકાળ દરમ્યાન જ તેઓ રાજનીતિમાં સક્રિય થયા. પરંતુ રાજસ્થાનમાં તેઓ આગળ ન વધી શકયા. જાટ અને રાજપૂત સમાજનો જાણે રાજકીય આલમ પર કબ્જો હતો.

અશોકજી યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ હતા. પરંતુ ત્યારની સ્થિતિમાં પોતે રાજકીય આલમમાં ફીટ બેસતા ન હોવાનું માની બેઠા હતા. એક તબક્કે તો તેમણે જોધપુર પાસે પાલીમાં સહકારી ખાદી વેચવાની એજન્સી લઇ ધંધે લાગ્યા હતા.

આ દરમ્યાન લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ એ વેળાએ કોંગ્રેસના કોઇ મોટા નેતા ચૂંટણી લડવાની હિંમત નહોતા બતાવી શકયા. આ વેળાએ ઇન્દિરાજીએ જાટ નેતા મદરેલાજીના કહેવાથી અશોક ને ચૂંટણી લડવા ઓફર કરી. બસ ત્યારપછી આ યુવા નેતા અશોકે પાછું વાળીને જોયું નથી.

૧૯૮૦થી ૧૯૮૪ દરમ્યાનની ૭મી લોકસભાની ચૂંટણીમાં અશોક ગેહલોત પહેલી વખત ૧૯૮૦માં જોધપુર સંસદીય બેઠક ઉપરથી ચૂંટાયા. ત્યારબાદ તેમની રાજકીય સફર આગળ ધપતી જ ગઇ... ૮મી લોકસભા, ૧૦મી લોકસભા, ૧૧મી લોકસભા... તેમજ ૧૨મી લોકસભામાં તેઓ સતત જીતતા જ ગયા.

આ સમય દરમ્યાન તેમણે ધારાસભ્યથી મંત્રીપદ અને મંત્રીપદથી મુખ્યમંત્રીપદ સુધીની સફર કરી. તેઓ ૧ ડીસેમ્બર ૧૯૯૮થી ૮ ડીસેમ્બર ૨૦૦૩ સુધી અને ત્યારબાદ ૧૩ ડીસેમ્બર ૨૦૦૮થી ફરીવાર એમ તેઓ બે વખત મુખ્યમંત્રી પદની જવાબદારી સુપેરે પાર પાડી છે. એટલું જ નહિ તેઓ ત્રણ વખત રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. કહેવાય છે કે અશોકજીના પિતા જાદુગર હતા અને તેમણે પિતા પાસે થી કેટલાક જાદુના દાવ પણ શીખ્યા હતા. જયારે અશોકજી દિલ્હીમાં ઈન્દિરાજીને મળવા આવતા ત્યારે સમય મળતાં જ તેઓ પ્રિયંકા અને રાહુલને બાવન પતાની કેટ દ્વારા જાદુ પણ બતાવતા.

અશોકજી જોધપુર પંથકમાં એટલા લોકપ્રિય છે કે ત્યાં સ્લોગન બની ગયું હતું કે... ગેહલોત નહિ આંધી હૈ... મારવાડ કા ગાંધી હૈ... કરોડોના માલિક હોવા છતાં સાદી લાઇફ સ્ટાઇલમાં જીવી રહ્યાં છે. તેમને હરવા ફરવાનું ખુબ જ પસંદ છે. આ ઉપરાંત તેમણે કડક ચા અને બિસ્કીટ અતિપ્રિય છે.

હાલમાં ચૂંટણીપંચને દર્શાવ્યા અનુસાર તેઓ ૬.૪૪ કરોડના માલિક હોવા છતાં તેમની પાસે કોઇ ગાડી નથી. એટલું જ નહિ તેમની આટલી લાંબી રાજકીય સફર દરમ્યાન કોઇ જ આક્ષેપો થયા નથી. ૬૭ વર્ષીય અશોક ગેહલોતનું કદ માત્ર ૫ .૭ ઇંચ છે. પરંતુ તેમનું રાજકીય કદ અનેકગણું મોટું છે.

આવા અશોક ગેહલોત આજે રાજસ્થાનના મુખ્યમંત્રી બની રહયા છે. ત્યારે પ્રજાજનો આશા રાખી રહયા છે કે તેમણે ચૂંટણી દરમ્યાન આપેલા વચનો પુર્ણ કરે અને ફરી એકવાર ઉત્તમ મુખ્યમંત્રી સાબિત થાય...

સચિન પાઇલટ

સચિન પાઇલટની જીંદગી ખુબ જ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેમનો જન્મ ૭મી સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો. તેમના પરિવારનું મૂળ ગામ નોયડા નજીકનું વેદપુરા હતું. તેમના પિતા રાજેશ પાઇલટ કોંગ્રેસના મોટા નેતા હોવા ઉપરાંત કેન્દ્રીય મંત્રી હતા.

સચિન પાઇલટે પોતાનું શિક્ષણ દિલ્હીની એરફોર્સ બાલભારતી સ્કૂલથી શરૂ કર્યું હતું. ત્યારબાદ દિલ્હીનાં જ સ્ટીફેન્સ કોલેજથી ગ્રેજયુએશન કર્યું. અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમેરિકા જતા રહ્યાં.

અમેરિકામાં અભ્યાસ દરમ્યાન સચિન પાઇલટની મુલાકાત સારા સાથે થઇ. મુલાકાત દોસ્તીમાં પરિણમી અને દોસ્તી આગળ વધીને પ્રેમ સુધી પહોંચી.

સારા એટલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની દીકરી અને ઉંમર અબ્દુલ્લાની બહેન થતી હતી. અહીં વિવાદ ઉભો થયો હિંદુ-મુસ્લિમ જ્ઞાતિનો .. બંને પરિવારોમાં આ પ્રેમ લગ્નને લઇને ભારે વિરોધ... પરંતુ સચિને કોઇની પરવા કર્યા વિના સારા સાથે લગ્ન કરી લીધા.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બ્રિટિશ બ્રોડ કાસ્ટીંગ કોર્પોરેશન-દિલ્હીમાં જોડાયા. અને ત્યારબાદ જનરલ મોટર્સમાં બે વર્ષ કામ કર્યું.

પરંતુ તેમના જીવનમાં આવ્યો વળાંક.. પિતા રાજેશ પાઇલટના આકસ્મિક નિધનબાદ તેઓ રાજકીય આલમમાં જોડાયા. ૨૦૦૪ના વર્ષમાં તેઓ ૧૪મી લોકસભા જીત્યા બસ ત્યારબાદ તેમની જીતની સફર આગળ ધપતી જ ગઇ. ૨૦૦૯ની ભવ્ય જીત બાદ તેઓ સુચના અને સંચાર રાજયમંત્રી બન્યા. ૨૦૧૨ વર્ષમાં તેઓ કોર્પોરેટર બાબતોના રાજયમંત્રી બન્યા અને હવે તેઓ રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે.

પારિવારિક જીવનને જોઇએ તો... પિતા... રાજેશ પાઇલટ કોંગી અગ્રણી નેતા... માતા રમા પાઇલટ ગૃહિણી.. સચિન પાઇલટ ને એક બહેન છે જેનું નામ સારિકા છે. સચિનને આરાન અને વેહાન નામે બે પુત્ર છે.

સચિન પાઇલટને ફિલ્મો અને ગીતો ખુબ જ પસંદ છે. આમીરખાન તેમનો પ્રિય કલાકાર છે. સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા સજાગ રહેતા સચિનને કુર્તા-પાયજામો ખુબ જ પસંદ છે. ક્રિકેટ તેમનો મનપસંદ ખેલ છે.

માત્ર ૪૧ વર્ષની વયે ઉપ મુખ્યમંત્રી બનવા જઇ રહેલ સચિન પાઇલટ પાસે રાજસ્થાનની પ્રજાને ખુબ જ મોટી આશા છે.(૧.૨)

(11:39 am IST)