Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

૧૯૮૪ રમખાણોઃ કોંગી નેતા સજ્જનકુમારને આજીવન

સજ્જનકુમાર અંગે આવેલા ફેંસલાથી કોંગ્રેસનો જીતનો જશ્ન ફિક્કો પડયો : બુરી ખબર માટે કમુહૂર્તા કોંગ્રેસને નડયાની ચર્ચા : ૩૪ વર્ષ બાદ સંભળાવાઇ સજા : શિખ વિરોધી રમખાણોના કેસમાં દિલ્હી હાઇકોર્ટે સજ્જનકુમાર સહિત ૪ને સંભળાવી સજા : ૩૧મી સુધીમાં કરવું પડશે આત્મસમર્પણ

નવી દિલ્હી તા. ૧૭ : દિલ્હી હાઈકોર્ટે ૧૯૯૪ના  શીખ વિરોધી રમખાણના નીચલી કોર્ટનો નિર્ણય બદલીને હાઈકોર્ટે ફેંસલો સંભળાવીને સજ્જન કુમારને દોષી ઠેરવ્યા છે. રમખાણ ભડકાવવા અને ષડ્યંત્ર રચવાના આરોપમાં સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સજ્જન કુમારને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સરેન્ડર કરવાનું છે. કોર્ટે હત્યાના મામલામાં સજ્જન કુમારને મુકત કર્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે કોંગ્રેસ પાર્ટી ત્રણ રાજયોમાં સરકાર બનાવી રહી છે.

દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું- '૧૯૪૭ની ગરમીઓમાં ભાગલા વખતે ઘણી હત્યાઓ થઈ હતી. ૩૭ વર્ષ પછી દિલ્હીમાં આવી જ ઘટના બની. આરોપી રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવીને બચી ગયા.' જસ્ટીસ એસ મુરલીધર અને જસ્ટીસ વિનોદ ગોયલની બેંચે આ ફેંસલો સંભળાવ્યો.

૩૪ વર્ષ પછી કોર્ટે સજ્જન કુમારને સજા સંભળાવી છે, જયારે આ પહેલા તેમને મુકત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ ૧ નવેમ્બર, ૧૯૮૪એ દિલ્હી કેન્ટના રાજ નગરમાં પાંચ શીખોની હત્યાના મામલે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મુકત કર્યાના નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછ્યું હતું કે સ્ટેટ મશીનરી શું કરી રહી હતી? ઘટના દિલ્હી કેન્ટોનમેન્ટની સામે બની હતી.

શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આભાર વ્યકત કર્યો છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે અમારી લડાઈ ચાલું રહેશે જયાં સુધી સજ્જન કુમાર અને જગદીશ ટાઈટલરને મોતની સજા ના મળી જાય. તેમણે ગાંધી પરિવારને કોર્ટમાં ખેંચવા અને જેલ પહોંચાડવાની વાત કહી. નોંધનીય છે કે, મે ૨૦૧૩માં સીબીઆઈ અને પીડિત પરિવારના લોકોએ હાઈકોર્ટના દરવાજા ખકડાવ્યા હતા.

જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ખંડપીઠે ૨૯ ઓકટોબરના રોજ સીબીઆઈ, રમખાણ પીડિતો અને દોષિતો તરફથી કરવામાં આવેલી અપીલ પર દીલીલો સાંભળીને ચુકાદો મુલતવી રાખ્યો હતો.

પૂર્વ કોંગ્રેસ પાર્ષદ બલવાન ખોખર, રિટાયર નેવી ઓફિસર કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ અને બે અન્ય લોકોને તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ પહેલી નવેમ્બર ૧૯૮૪ના રોજ દિલ્હી છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા સાથે જોડાયેલા મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. નિચલી કોર્ટે આ કેસમાં સજ્જન કુમારને છોડી મૂકયા હતા, પરંતુ ખોખર, ભાગમલ અને લાલને આજીવન કેદની સજા જયારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરને ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.તમામ દોષીઓએ મે ૨૦૧૩માં નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સામે પક્ષે સીબીઆઈએ પણ અપીલ કરતા આરોપ લગાવ્યો હતો કે તે 'પૂર્વ આયોજિત તોફાનો' અને 'ધાર્મિક રૂપથી સફાયો' કરવાના ઉદેશ્યથી હતા. એજન્સી અને પીડિતોએ સજ્જન કુમારને છોડી મૂકવા સામે પણ અપીલ દાખલ કરી હતી.

૧૯૮૪માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમના જ સુરક્ષા ગાર્ડોએ હત્યા કરી નાખી હતી. જે બાદમાં દેશના અનેક શહેરોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના અમુક કાર્યકરો આમાં સક્રિય રૂપથી સામેલ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા શીખના એક અલગાવવાદી જૂથે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલી સૈનિક કાર્યવાહીના વિરોધમાં કરી હતી. ભારત સરકારના અધિકારિક આંકડા પ્રમાણે ભારતમાં આ તોફાનો દરમિયાન ૨૮૦૦ લોકોનાં મોત થયા હતા. જેમાંથી ૨૧૦૦ મોત ફકત દિલ્હીમાં જ થયા હતાં. સીબીઆઈ તપાસ દરમિયાન સરકારના અમુક કર્મચારીઓનો હાથ પણ હિંસા ભડકાવવામાં હોવાનું માલુમ પડ્યું હતું. ઇન્દિરાની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા.

(3:43 pm IST)