Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ફરાર જાહેર : 30 દિ'માં હાજર થવા અલ્ટિમેટમ

જો તેઓ સમયસર હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે

મુંબઈ :મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહને મુખ્ય મેટ્રોપોલિટન જસ્ટિસ મેજિસ્ટ્રેટ કોર્ટ (એસ્પ્લેનેડ) દ્વારા ફરાર જાહેર કરાયા છે. ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા.

પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો તે સમયસર હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મુંબઈના ગોરેગાંવમાં વસુલી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઘણી વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂછપરછ અને તપાસ માટે હાજર રહ્યા ન હતા.

પરમબીર સિંહની સાથે વિનય સિંહ અને રિયાઝ ભાટીને પણ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. વારંવારના સમન્સ પછી પણ પરમબીર સિંહ હાજર ન રહેતા ક્રાઈમ બ્રાન્ચે તેને ફરાર જાહેર કરવા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જનરલ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ અપીલને મંજૂરી આપી હતી. પોલીસ કમિશનર રહી ચૂકેલા અધિકારીને કોર્ટ દ્વારા ફરાર જાહેર કરવામાં આવ્યા હોય તેવો આ કદાચ પહેલો કિસ્સો છે.

પરમબીર સિંહે 100 કરોડની વસૂલાતના કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે અનિલ દેશમુખ, સચિન વાજે અને અન્ય પોલીસ અધિકારીઓનો ઉપયોગ બાર અને રેસ્ટોરન્ટના માલિકો પાસેથી પૈસા પડાવવા માટે કરી રહ્યા છે. જે બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી

(8:35 pm IST)