Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અમેરિકાથી ઓનલાઇન ડાર્ક વેબ મારફત ઇન્‍ટરનેશનલ ડ્રગ્‍સ ડીલરોનો સંપર્ક કરીને કાર્ગો એર કુરિયર મારફત ડ્રગસ મંગાવનાર અમદાવાદના 2 શખ્‍સો ઝડપાયા

એસઓજી ટીમે દરોડો પાડીને નશાકારક ડ્રગ્‍સ સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો

અમદાવાદ: અમેરિકાથી ઓનલાઈન ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરીને સિસ્ટમથી ક્રિપ્ટો કરન્સી મારફતે પેમેન્ટનું ચૂકવણી કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે પ્રોહિબિટેડ નશાકારક પદાર્થો બે શખ્સો મંગાવતા બે શખ્સોને ગ્રામ્ય એસઓજીએ પકડી પાડ્યા હતા. એસઓજીની ટીમે દરોડો પાડી અમેરિકન હાઇબ્રિડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેઝીક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ સહિત કુલ રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખ્સો કોને કોને ડ્રગ્સ આપતા અને કોણ કોણ સંપર્કમાં છે તેની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, બોપલ વિસ્તારમાં વંદિત ભરત પટેલ તથા પાર્થ પ્રતીશકુમાર શર્મા પોતાની કારમાં નશાકારક માદક પદાર્થનો જથ્થો વેચાણ કરવા આવશે તેવી માહિતી હતી. ડ્રગ્સ સાથે રાખીને બોપલ કબીર એન્કલેવ ચોકડી તરફથી ઈસ્કોન ફ્લોરા ચોકડી થઇ ઘુમા ચોકડી તરફ મોડી રાત્રીના એક વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન પસાર થવાના છે. માહિતી આધારે એસઓજીની અલગ અલગ ટીમોએ વોચ રાખી બે શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે વંદિત પટેલ(રહે. સદાશિવ એપાર્ટમેન્ટ, સેટેલાઇટ) તથા પાર્થ શર્મા (રહે. ઓમકારેશ્વર ફ્લેટ, વેજલપુર) ને પકડી પાડ્યા હતા. આરોપી પાસેથી નાર્કોટિકસ અને સાયકોટ્રોપિક નશાકારક પદાર્થ તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીની પુછપરછમાં કરતા બહાર આવ્યું હતું કે, આરોપી વંદિત પટેલ પોતે એજ્યુકેટેડ અને ઈન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઈન, ક્રિપ્ટોકરન્સી બાબતે જાણકાર છે. વંદિતે ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો ઓનલાઈન સંપર્ક કરી હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં ક્રિપ્ટો કરન્સીથી ડ્રગ્સનું ચૂકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ અલગ સરનામાં ઉપર ડ્રગ્સની સપ્લાય મંગાવી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પાસેથી બીજું પકડાયેલું લોકલ ચરસ તેઓ દ્વારા હિમાચલ પ્રદેશ ખાતેથી લાવવામાં આવ્યું હતું. હિમાચલના ગુડડું ભાઈ, ફેનીલભાઈ(બન્ને મૂળ સુરતના), નિલ પટેલ (રહે. બોપલ), વિપુલ ગોસ્વામી(રહે શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ), જિલ પરાઠે (રહે. ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ) અને આકીબ સિદ્દીકી (રહે. વાપી) ના નામ ખુલ્યા છે.

અમદાવાદ શહેર અને સુરત પોલિસ ઉંઘતી ઝડપાઇ..

જિલ્લા પોલિસે પકડેલા અને વોન્ટેડ ડ્રગ્સના આરોપીઓ અમદાવાદ શહેરના હોવા છત્તા શહેર પોલીસ અને એજન્સીઓ ઉંઘતી ઝડપાઇ હતી. એક આરોપી સુરતનો હોવા છતાં સુરત પોલીસ પણ ડ્રગ્સના આરોપીને પકડી શકી નથી. તેવામાં આરોપીઓ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ડ્રગ્સ વેચાણ કરતા હોવાની વાતને નકારી શકાય તેમ નથી. જોકે શહેર પોલીસ કેમ પકડી શકી નહીં કે પકડ્યા નહિ તે ચર્ચાનો વિષય બન્યો હતો. તેવામાં જિલ્લા પોલીસ ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્કમાં આવેલા માફિયાઓને પકડવામાં સફળ રહ્યા હતા.

(4:23 pm IST)