Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કોઈ ભૂખે ન મરે એ સુનિશ્ચિત કરવાનું કામ સરકારનું છેઃ સુપ્રીમ કોર્ટ

સામુદાયિક કિચન બનાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ખળભળાટ મચી ગયો

નવી દિલ્હી, તા.૧૭: મંગળવારે સામુદાયિક કિચન બનાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ખળભળાટ મચી ગયો હતો. મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાની ખંડપીઠે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે જો તમારે ભૂખ્યાનું ધ્યાન રાખવું હોય તો કોઈ બંધારણ, કોઈ કાયદો ના નહીં કહે. આપણે પહેલેથી જ મોડું કરી રહ્યા છીએ. બેન્ચે સરકારને બે સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ એટર્ની જનરલે યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ સપ્તાહનો સમય માગ્યો હતો. ખંડપીઠે તેમની દલીલ સાથે સહમત થતા કહ્યું કે આ છેલ્લી વાર સમય આપવામાં આવી રહ્યો છે, પરંતુ હવે યોગ્ય જવાબ સાથે કોર્ટમાં આવશો.

નોંધનીય છે કે ૨૭ ઓકટોબરે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો. જેમાં કેન્દ્રને રાજય સરકારો સાથે પરામર્શ કરીને એક યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. ભૂખમરીથી થતા મૃત્યુને રોકવા માટે કમ્યુનિટી કિચન પોલિસી બનાવવાની માગ કરતી રિટ અરજીની સુનાવણી દરમિયાન બેન્ચે આ આદેશ આપ્યો હતો. આજની સુનાવણીમાં એએસજેએ બેંચને કહ્યું કે આદેશ હેઠળ કેન્દ્રએ રાજયો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી, પરંતુ એફિડેવિટ જોઈને બેન્ચ ગુસ્સે થઈ ગઈ હતી.

કોર્ટે કહ્યું કે 'એફિડેવિટથી લાગતું નથી કે તમે ગંભીર છો. તમે તાત્કાલિક કામ કરવાને બદલે પોલીસની જેમ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છો. તમારે સંબંધિત પક્ષકારોને મળવાનું હતું અને કોર્ટને જણાવવાનું હતું કે શું પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ ૧૭ પાનાની એફિડેવિટમાં કાગળ ભરવા સિવાય કંઈ કરવામાં આવ્યું નથી.' કોર્ટે કહ્યું કે અમે જે કહ્યું હતું તેનો તેમાં કયાંય ઉલ્લેખ નથી.

કોર્ટે કહ્યું કે '૧૭ પાનાનાં સોગંદનામામાં અને યોજના વિશે માત્ર એક વાતો છે. CJI એ એ વાત પર પણ નારાજગી વ્યકત કરી હતી કે અન્ડર સેક્રેટરીના રેન્કના અધિકારી દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. CJIએ નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે આ છેલ્લી ચેતવણી છે જે અમે કેન્દ્ર સરકારને આપવાના હતા. અમે કંઈક કહીએ છીએ અને તમે તમારી પોતાની વાર્તા લખો. તે ચાલી શકે તેમ નથી. CJIએ એટર્ની જનરલ કેકે વેણુગોપાલને પૂછ્યું કે જવાબદાર અધિકારીએ એફિડેવિટ કેમ તૈયાર ન કર્યું.

CJIએ કહ્યું કે 'એક વ્યાપક યોજના બનાવો. તે વિસ્તારોને ઓળખો જયાં તેની તાત્કાલિક જરૂર છે, પરંતુ સરકારના જવાબ પરથી લાગે છે કે તેઓ હજુ પણ સૂચનો એકત્રિત કરી રહી છે.' રાજયોને કેન્દ્ર સરકારની બેઠકમાં ભાગ લેવાનો નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું કે 'જો રાજયોને કોઈ વાંધો હશે તો અમે આગામી સુનાવણીમાં કોર્ટમાં તેના પર વિચાર કરીશું.' બેન્ચે એજીને અરજદારોના સૂચનોને ધ્યાનમાં લેવા પણ કહ્યું હતું. કોર્ટે અંતે કહ્યું કે 'કલ્યાણકારી રાજયની બંધારણીય ફરજ છે કે કોઈ ભૂખથી કોઈનું મૃત્યુ ન થાય.'

(3:19 pm IST)